રીયલ સિંઘમ ! સગળતા દાવાનળમાંથી જીવના જોખમે ૮ લોકોનો જીવ બચાવનાર પોલીસ ઓફિસર

તારીખ ૨૮ ડિસેમ્બર,૨૦૧૭.મોડી રાતના સમયે મુંબઇના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલ એક ઇમારતનો ઉપરનો મજલો ભડભડ બળી રહ્યો હતો.અંદરથી હ્રદયદ્રાવક ચીસો સંભળાતી હતી જે શરાબની બોટલો અને ગેસ સિલિન્ડરોના ધડામ…દઇને ફાટવાના અવાજમાં દબાઇ જતી હતી.બહાર લોક ટોળે વળ્યું હતું.અંદર જવાની હિંમત ચાલતી નહોતી. 

આ ઇમારત મુંબઇના કમલા મિલના લોઅર પરેલ ઇલાકાની હતી.કમલા મિલ એટલે આમ તો મોટી-મોટી કંપનીઓની ઓફિસોનો ઇલાકો,એક જાતનું કમર્શિયલ હબ.નજીકના વર્લી પુલિસ સ્ટેશન પર ખબર પહોંચી, પોલીસ આવી પહોંચી.બીએમસી હજી ઉંધમાં હોય તેમ આપત્તિ પ્રબંધન માટે ફાયર બ્રિગેડની ટીમો આવી નહોતી.

વર્લી પુલિસ સ્ટેશનનો એક પોલીસ કોન્સ્ટેબલ તે દિવસે દિપી ઉઠ્યો.જે ઇમારતમાં જવાની કોઇની હિંમત નહોતી ચાલતી એમાં એ કુદી પડ્યો.લોકો જોતા રહ્યાં અને એણે ધગધગતી આગ,કાટમાળ નીચે દટાઇ જવાનો સતત તોળાતો રહેતો ભય,સિલિન્ડરો ફાટે તો એ જ ક્ષણે સ્વધામ સિંધાવી જવાના ખતરા વચ્ચે લગભગ આઠેક લોકોને બચાવી કાઢ્યા!

એનું નામ હતું-સુદર્શન શિંદે.વર્લી પોલીસ સ્ટેશનમાં તે કોન્સટેબલ તરીકે ફરજ બજાવતો હતો.એક નજરે જોનાર વ્યક્તિના કહેવાનુસાર,આ માણસ લાગલગાટ ત્રણ વાર સાત માળ સુધી ગયો અને બળીને ખાખ થઇ ગયેલી ત્રણ લાશો ઉઠાવી લાવ્યો!

આંખો દઝાડી નાખતા ધુમાડા,રૂફટોપ રોસ્ટોરાંમાંથી પડતા અને સળગતા કાટમાળના અવાજ અને અગન જ્વાળાઓ વચ્ચે એક મહિલાની ચીસ સંભળાઇ.સુદર્શન શિંદેએ જઇને જોયું તો સખ્ત રીતે દાઝેલી એક મહિલા કણસી રહી હતી.એને કાંધ પર નાખીને એ ઝટપટ બહાર લાવ્યો.જો કે,બાદમાં એ હતભાગી સ્ત્રી જીવી શકી નહી.

લગભગ આઠેક લોકોના જીવ બચાવનાર સુદર્શન શિંદેનું સન્માન પણ કરવામાં આવેલું.એક સ્ત્રીને ખભે નાખીને કોઇ સુપરમેનની જેમ આગમાંથી બહાર નીકળતો હોય એવી એમની એક તસ્વીર પણ બહુધા વાઇરલ થઇ છે.સુદર્શન શિંદે ઉપરાંત અન્ય પોલીસકર્મીઓએ પણ જીવના જોખમે ઉત્કૃષ્ટ માનવતાનું ઉદાહરણ આપીને સાબિત કરી દીધું કે,ખાખી વર્દીધારી દિલ વિનાના નથી હોતા!

કમલા મિલ કમ્પાઉન્ટમાં લાગેલી આગમાં ૧૪ લોકો મૃત્યુ પામેલા અને ૫૫ લોકો ઘાયલ થયેલા.સુદર્શન શિંદે જેવા જાંબાજ જવાનોએ વિરતાભર્યું કામ ન કર્યું હોત તો આ આંકડો વધી શક્યો હોત!

એક તરફ હોય છે આળસુ,બેમતલબી તંત્ર તો એક તરફ હોય છે આવા મરજીવાઓ!વર્ષોથી આમ ચાલતું આવે છે અને ચાલતું રહેવાનું છે.સુદર્શન શિંદે જેવા જવાનોને શું જરૂર હતી અંદર કુદી પડવાની?એ કામ તો મ્યુનિપાલીટીની આપદા પ્રબંધન ટીમનું હતું ને!પણ એ કુદી પડ્યાં એક જ નાતે – માનવતાના નાતે!અને આ નાતો કોઇ ફર્જી સીમાડાથી બંધાયેલો હોતો નથી.એના માટે આત્માના અવાજની જ જરૂર છે!સલામ છે આવા જવામર્દોને!

Leave a Reply

error: Content is protected !!