શા માટે હોરર મુવી જોતી વખતે કે ઠંડી લાગવાથી રુંવાટા ઉભા થાય છે ? – છુપાયેલું છે આ કારણ

કોઇ હોરર મુવી જોતી વખતે,આપની કાર ખાઇમાં પડતા પડતા બચી ગઇ હોય તો,અત્યંત કડકડતી ઠંડીમાં કે કોઇ ગમતું ગીત સાંભળતી વખતે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણા શરીરની રુંવાટી બેઠી થઇ જાય છે.ગુજરાતીમાં “રુંવાડા ઉભા થઇ જવા”જેવો રૂઢિપ્રયોગ પણ છે.જ્યારે આપણે ડર,ઠંડી,ભાવુકતા,ઉશ્કેરાટ કે કામોત્તેજના જેવી પરીસ્થિતીમાંથી પસાર થઇએ ત્યારે સ્વાભાવિક રીતે ઘણી વખત આપણી ત્વચા પર આવેલા સુક્ષ્મ વાળ/રુંવાટા ઉભા થઇ જવાની ઘટના બનતી હોય છે.આ ઘટના જે તે પરીસ્થિતીમાં આપણી માનસિક અને શારીરીક સ્થિતીનો નિર્દેશ કરે છે.

અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે આખરે શું છે કારણ ઘણી વખત શરીરની રુંવાટી બેઠી થઇ જવાનું?નીચે આ વાત વૈજ્ઞાનિક કારણ સહિત સમજૂતી આપીને જણાવી છે.

શા માટે ઉભા થાય છે શરીર પરના રુંવાટા –

આપણા શરીરનું મુખ્ય હાઇકમાન્ડ ખોપરીમાં આવેલા ખોબા જેવડા મગજ પાસે છે.મગજ શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે.કોઇપણ ક્રિયા કરવાનો વિચાર પહેલાં મગજમાં ઉદ્ભવે છે.પછી મગજ શરીરના અંગોને જે-તે કાર્ય કરવાના સંદેશા મોકલે છે.સવાલ એ થાય કે મગજ શરીરના અંગોને સંદેશા કઇ રીતે મોકલે છે ?એનો કોઇ ટપાલી ખરો!

જવાબ છે – મગજમાંથી નીકળતી ચેતાઓ.અત્યંત સૂક્ષ્મ એવી લાખો ચેતાઓ આખા શરીરમાં તેમનું”અન્ડરવર્લ્ડ”જમાવીને બેઠી છે.શરીરની પ્રત્યેક માંસપેશીમાં તેમનું નેટવર્ક છવાયેલું છે.શરીરમાં છવાયેલા ચેતાઓના જાળાને “ચેતાતંત્ર” કહે છે,જેનો કમાન્ડ મગજ પાસે હોય છે.આપણી ખોપરી કરોડરજ્જુ સાથે જોડાયેલી છે.નાજુક ચેતાઓનો જથ્થો કરોડરજ્જુમાં થઇને શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે,જેથી નાજુક ચેતાઓને કરોડરજ્જુની સિક્યુરીટી મળી રહે.આમ મગજ જે-તે કાર્ય કરવાનો સંદેશો આપે,ચેતાઓ તે સંદેશો જે-તે અંગ સુધી લઇ જાય અને ક્રિયા શક્ય બને!
આ ચેતાતંત્ર(Nervous System)ના બે પાર્ટ પડે છે.એક છે – સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજો ભાગ – ઓટોનોમિક નર્વસ સિસ્ટમ.

સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજનો સમાવેશ થાય છે.જ્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે સ્વતંત્ર કહી શકાય એવું તંત્ર.જે આપણા હુકમ પ્રમાણે ચાલતું નથી.જેમ કે,હ્રદયના ધબકારા કરવાની ક્રિયા.જેના પર આપણો કોઇ કાબુ નથી.

આ ઓટોનોમિક નર્વસ સિસ્ટમને ફરી બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવે છે – સિમ્પેથેટીક નર્વસ સિસ્ટમ અને પેરા સિમ્પેથેટીક નર્વસ સિસ્ટમ.સિમ્પેથેટીક અર્થાત્ લાગણીશીલ.આપણી લાગણીઓની જેના પર અસર થાય તે.

જ્યારે આપણે કોઇ બિહામણી મુવી જોઇએ,ડરી જઇએ કે એવી કોઇ ઘટના ઘટે ત્યારે સિમ્પેથેટીક નર્વસ સિસ્ટમ હ્રદયના ધબકારા વધારી દે છે.જેથી કરીને શરીરના બધા અંગોને ઝડપથી અને વધુ લોહી મળી શકે.જે આવી પરિસ્થિતીમાં જરૂરી હોય છે.સિમ્પેથેટીક ચેતાતંત્ર કિડનીની ઉપર આવેલી એડ્રીનલ નામની અંત:સ્ત્રાવી ગ્રંથિને પણ ઉત્તેજીત કરે છે.જેથી તે એડ્રીનાલીન અંત:સ્ત્રાવ/હોર્મોન વહાવે છે.અંત:સ્ત્રાવનું કાર્ય શરીરમાં થતી જૈવ-રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું છે.

એડ્રીનાલીન અંત:સ્ત્રાવ શરીરની માંસપેશીઓ સુધી પહોંચે છે.માંસપેશીને આથી વધુ ઉર્જા મળે છે.જેથી શરીર આવી પરિસ્થિતીનો પ્રતિકાર કરવામાં સક્ષમ બને.ત્વચા પરની રુંવાટીના મુળ માંસપેશી સાથે જોડાયેલા હોય છે.માંસપેશી દ્વારા તેમને પણ ઉત્તેજીત/ઉભા કરવામાં આવે છે.જેથી કરીને શરીરમાં ગર્મી આવે.આમ,સભાનતા ભરી સ્થિતી આવવાથી આપણે પરીસ્થિતીનો પ્રતિકાર કરી શકીએ.

આમ વિવિધ પરીસ્થિતીમાં શરીર પરની રુંવાટી ઉભી થાય છે.કોઇ સંગીત સાંભળવું,ડર-ભય લાગવો વગેરે ઘટનાઓનો સીધો સબંધ ઉપરની પ્રક્રિયા સાથે છે.આ ઘટનામાં મુખ્ય ફાળો એડ્રીનલ ગ્રંથિ દ્વારા વહાવવામાં આવતા અંત:સ્ત્રાવનો છે.જેના પ્રતાપે માંસપેશી ઉત્તેજીત થાય છે.ઠંડીમાં પરસેવાનો સ્ત્રાવ કરતી પેશીઓ રજા પર હોય છે.માટે તેઓ પોતાનું કદ સંકોચે છે.અને આથી તણાવ ત્વચામાં તણાવ ઉભો થાય છે.જેને લીધે કરચલીઓ પડે છે અને રુંવાટી ઉભી થાય છે.

Disclaimer: All Rights Reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!