સત્ય ઘટના – સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોથી રહો સાવધાન !!

હાલના સમયમાં સ્માર્ટફોન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા એક સામાન્ય વસ્તું થઈ ગઈ છે. લોકો રાત-દિવસ સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે. નવા-નવા મિત્રો બનાવવા, સેલ્ફી, વિડીયો અને પર્સનલ માહિતી શેર કરવામાં લોકો ગૌરવ અનુભવે છે. પણ ક્યારેક જોયા-જાણ્યા વગર સીધો કૂદકો મારવાથી મુસીબત પણ ઉભી થઇ શકે. ખાસ કરીને અજાણ્યા લોકો સાથે વાત-ચીત કરવાથી મુશ્કેલીઓ ઉભી થઇ શકે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વાત-ચીત કરતા પહેલા આંખ ઉઘાડનારો આ કિસ્સો એક વખત જરૂરથી વાંચજો.

મારો એક અપરિણીત મિત્ર ગુજરાતના મેટ્રો સિટીમાં રહે છે. તે સિંગલ રહે છે અને એક સારી એવી કંપનીમાં પ્રાઈવેટ જોબ કરે છે. હવે બન્યુ એવું કે, સોશિયલ મીડિયા દ્રારા એની મિત્રતા એક અમેરિકન છોકરી સાથે થઈ ગઈ. મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ. બન્ને વચ્ચે વાતોનો દૌર શરૂ થયો. ફોટોગ્રાફીની સાથો-સાથ બાયોગ્રાફી પણ શેર થઈ. મેસેજની સાથો-સાથો મીઠી-મધુર વાતો શરૂ થઈ. પારિવારિક અને આર્થિક માહિતી પણ શેર થઈ. વચનો, મદદ અને લોભામણા સપનાની આપ-લે થઈ. બન્ને જણ વચ્ચે લગભગ અઠવાડિયું વાત થઈ હશે ત્યાં પેલી છોકરીએ કહ્યું કે, “હું ઈન્ડિયા આવીને તારી સાથે સેટલ થવા માંગુ છું. મારી પાસે 2 લાખ ડોલરની બચત છે. જેમાંથી આપણે ઈન્ડિયામાં જ એક ફ્લેટ ખરીદવો છે. એ ફ્લેટ તારા નામ પર લેવો છે. તારી કામની જગ્યા છે ત્યાં જ આપણે ફ્લેટ ખરીદવો છે જેથી તને નોકરીએ જવામાં સરળતા રહે. મારી પાસે જે પૈસા છે એ હવે આપણા છે. હું તને 50000 ડોલરની મદદ પણ કરી શકું. હું તને મળવા માંગુ છું.”

મારો મિત્ર પણ આવી લાગણીથી ઘણો ખુશ હતો. મારા મિત્રએ એ છોકરીનાં પરિવાર સાથે પણ વાત કરી હતી એટલે એને એકદમ ભરોસો બેસી ગયો કે, આ બધું સાચું જ છે. ત્યારબાદ એક દિવસ અચાનક એ છોકરીએ ઈન્ડિયા આવવા માટે ટિકિટ ખરીદી લીધી અને ટિકિટનો ફોટો પણ મોકલ્યો. કે આ તારીખે હું ઈન્ડિયા આવીશ, પૈસા બધા મારા માસ્ટર કાર્ડમાં લોડ કરીને લઈ આવીશ જેથી ફ્લેટ ખરીદવામાં સરળતા રહે. તું કોઈ સારો ફ્લેટ જોઈને રાખજે. હું ઈન્ડિયા આવું એટલે બિલ્ડરને મળવા જઈશું. મારા મિત્રએ ફ્લેટ જોયો, ફ્લેટનાં ભાવ પણ જાણ્યા.

હવે અમેરિકાથી ઈન્ડિયા આવવાનો દિવસ આવી ગયો એટલે એ છોકરીએ તરત જ પોતાનો એક ફોટો મોકલ્યો કે હું એરપોર્ટ જવા નીકળી ગઈ છું. આવતીકાલે મુંબઈ એરપોર્ટ પહોંચી જઈશ અને પછી ત્યાંથી બીજી ફલાઈટ દ્વારા તારા શહેરમાં (મેટ્રો સિટી) આવી આવી જઈશ.

હવે, બીજા દિવસે ટિકિટનાં ટાઈમ ટેબલ મુજબ એ છોકરી મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગઈ. ત્યાંથી મારા મિત્રને એક કોલ આવ્યો કે, હું એરપોર્ટ ઓથોરિટી ડેસ્ક પરથી એક કર્મચારી બોલું છું. તમારી મિત્ર અહીંયા મુંબઈ તો પહોંચી ગઇ છે પણ હવે અહીંયા થી તમારા શહેર (મેટ્રો સિટી-કે જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.) આવવા માટે એની પાસે એકપણ પૈસા નથી. જે પૈસા છે એ એના માસ્ટર કાર્ડમાં છે અને માસ્ટર કાર્ડ સ્વાઈપ કરતાં જાણવા મળ્યું કે, એમના માસ્ટર કાર્ડમાં કેપેસિટી(નિયમ) કરતા વધુ પૈસા હોવાથી કાર્ડ બ્લોક થઈ ગયું છે. હવે નવું કાર્ડ ઇસ્યુ કરવા માટે રૂપિયા 18630/- ની જરૂર છે પણ તમારી મિત્ર પાસે એક રૂપિયો પણ નથી. તમારી મિત્ર (અમેરિકન છોકરી) અહીંયા રડે છે. તમે પૈસા મોકલો તો એનું માસ્ટર કાર્ડ ચાલુ થાય અને એ તમારા શહેર (મેટ્રો સિટી) આવી શકે. મારા મિત્રએ કોઈ પૈસા મોકલ્યા નહીં. મારા મિત્રએ કહ્યું કે, “મારી પાસે પૈસા નથી. હું ન મોકલી શકું” ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ એવું કીધું કે, “તમારી પાસે કેટલા રૂપિયા છે?” ટૂંકમાં એ એવું કહેવા માંગતી હતી કે જેટલા પૈસા થઈ શકે એટલા મોકલો. મારા મિત્રએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી એટલે ફોન મુકી દીધો.

મારો મિત્ર થોડો પાક્કો હતો. એને થયું કે આ તો ઉપાધિ. આમાં તો ઘણી પ્રકારની કાર્યવાહી થઈ શકે. આવા કેસમાં હવે શું કરવું? મારો મિત્ર થોડો મુંજાણો પણ પછી એણે બે-ત્રણ જાણીતા લોકોને આ બધી વાત કરી ત્યારે જાણકાર લોકોએ કહ્યું કે, આ સ્કેમ હોય શકે. પૈસા પડાવવાનું કૌભાંડ છે. ત્યારબાદ લગભગ સાંજ પડી ગઈ પણ પછી કોઈનો ફોન આવ્યો નહીં.

મિત્રો, ખરેખર આ એક મોટું સ્કેમ (છેતરપિંડી) જ હતી પણ મારો મિત્ર એની કોઠા સૂઝ અને નીડર સ્વભાવને કારણે બચી ગયો.

આ એક પ્રકારની છેતરપિંડી હતી એના પુરાવા :

  • અમેરિકાથી મેટ્રો સિટીની ડાયરેક્ટ ફલાઈટ છે પણ એ મુંબઈ સુધી આવી.
    ● એર ઈન્ડિયાની નકલી ટિકિટ જેમાં કોઈપણ પ્રકારનો સિરિયલ નંબર નથી.
    ● મારા મિત્રની એકલતા અને એની આર્થિક સ્થિતિ જાણી લીધી હતી.
    ● લોભામણી વાતો.
    ●  એ છોકરીએ એવી શરત રાખી હતી કે, બન્ને વચ્ચે થતી વાત-ચીત કોઈને પણ નહીં કહેવાની.

આભાર

લેખક : ઈલ્યાસ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ સત્યકથા બીજા ઘણા મિત્રોને ઉપયોગી થશે, શેર કરવાનું ચૂકશો નહિ

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!