આ ફેસબુક ડેટા લીકની બબાલ શું છે? – ખોટી વાતો ને બદલે જાણો હકીકત ની વાત

ઘણી બધી વેબસાઇટ અને એપ્સમાં Facebook Login નું ફીચર હોય છે. એનાથી તમારે એ વેબસાઇટ કે એપ પર અલગથી એકાઉન્ટ ખોલવાની અને પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ નહિં, અને એપ કે વેબસાઇટને એ ફીચર નવેસરથી ડેવલપ કરવાની ઝંઝટ નહિં. (આમાં તમારો ફેસબુક પાસવર્ડ પણ સલામત જ રહે છે. થર્ડ પાર્ટી એપ પાસે જતો નથી.)

તમે એપ ખોલો એટલે એમાં Facebook Login નું બટન હોય. એ બટન પર ક્લિક કરો એટલે એ એપ તમને ફેસબુક પર લઇ જાય. ત્યાં તમે ફેસબુકના એકાઉન્ટ પર લોગ-ઇન કરવા યુઝર નેઇમ અને પાસવર્ડ નાંખો, એ ફેસબુક પર જ સબમીટ થાય અને ફેસબુક જ નક્કી કરે કે તમે સફળતાથી લોગ-ઇન થયા કે નહિં. લોગ-ઇન સફળ થાય એટલે ફેસબુક પેલી એપ ને સિગ્નલ મોકલી દે કે, તમે લોગ-ઇન થઇ ગયા છો. એ સિગ્નલ ની સાથે એપ્લીકેશનની જરૂરિયાત મુજબ ફેસબુક તમારી પ્રોફાઇલમાંથી પાસવર્ડ સિવાયનો અમુક ડેટા (ઇમેઇલ એડ્રેસ, નામ વગેરે) પણ મોકલે, જેથી એપ તમને ઓળખી શકે. દરેક એપ માટે ડેટાની જરૂરિયાત અલગ અલગ હોય. કોઇકને ખાલી ઇમેઇલ એડ્રેસ જોઇએ, કોઇકને તમારું નામ જોઇએ, તો કોઇકને તમારી જન્મ તારીખ પણ જોઇએ.

કેમ્બ્રીજ યુનીવર્સિટીના પ્રોફેસર ડૉ. કોગને પણ એક એપ બનાવી. એ એપ પર્સનાલિટી સર્વે માટેની હતી. એ એપમાં ફેસબુક દ્વારા લોગ-ઇન કરી શકાય. લોગ-ઇન કર્યા પછી પર્સનાલિટી ક્વીઝના અમુક પ્રશ્નો પૂછાય. એ પ્રશ્નોના જવાબ આપો એટલે ફેસબુક પરથી લીધેલી તમારી પર્સનલ માહિતી તમે આપેલા જવાબ સાથે લીંક થઇને કલેક્ટ થાય. પ્રોફેસરનો દાવો એવો હતો કે આ એપ રીસર્ચ માટે છે.

તમારા એકાઉન્ટના ડિફોલ્ટ પ્રાઇવસી સેટિંગ્સ એવા હોય છે કે, ફેસબુક સાથે સાથે કનેક્ટ થતી એપ્સ પાસે તમારી પ્રોફાઇલનો ઘણો ખરો ડેટા મેળવી શકવાની પરવાનગી હોય છે. જ્યારે તમે કોઇપણ એપમાં ફેસબુક લોગ-ઇન ફિચર વાપરો, ત્યારે ફેસબુક તમને પૂછે પણ છે કે, આ એપને તમારી આટલી આટલી મહિતી – જેમકે તમે કરેલી પોસ્ટ, અપલોડ કરેલા ફોટા વગેરે વગેરે – જોઇએ છે. એમાં Allow અને Deny ના બે ઓપ્શન આવે છે. જો Allow સીલેક્ટ કરો તો જ પેલી એપ આ બધો ડેટા લઇ શકે, પણ સામાન્ય માણસોને એમાં બહુ ખબર પડતી નથી અને એ વાંચ્યા વગર જ Allow કરી દે છે.

હવે આ સર્વે એપ તો લગભગ પોણા ત્રણ લાખ લોકોએ જ વાપરેલી, પણ એના દ્વારા કુલ પાંચ કરોડ લોકોનો ડેટા ભેગો કરી લેવામાં આવ્યો! એ કેવી રીતે?

આ એપ જ્યારે બની ત્યારે ફેસબુકમાંથી ખાલી એપમાં લોગ-ઇન કરનારનો જ નહિં પણ એમના ફ્રેન્ડ લીસ્ટમાં હોય એમનો પણ ડેટા મેળવી શકાતો હતો. જોકે ફેસબુકે ભૂલ સુધારીને એ ક્યારનુંય બંધ કરી દીધું છે. સામાન્ય માણસ માટે પ્રાઇવસી સેટિંગ બહુ કોમ્પ્લીકેટેડ હોય છે, એટલે એનો ખ્યાલ ઘણાં ને આવતો જ નથી. કેટલીક એપ્સ એનો ગેરફાયદો ઉઠાવે છે. આ સર્વે એપમાં ખાલી નામ અને ઇમેઇલ એડ્રેસ જ નહિં, પણ દરેક વ્યક્તિની ફેસબુક પરની એક્ટિવીટી વિશેનો પણ ડેટા પણ લઇ લેવામાં આવેલો. હવે જો આ ડેટાનો ઉપયોગ પ્રોફેસરે દાવો કર્યો એમ માત્ર રીસર્ચ માટે જ થયો હોત તો એ ફેસબુક ના નિયમ પ્રમાણે જ હતું.

પણ આ બધી તો ખાલી પૂર્વભૂમિકા છે. અસલી બબાલ તો હવે શરૂ થાય છે. આ બાબલની ડિટેઇલ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં ખૂબ ઊંડાણથી સમજાવી છે. પણ હું એ વાર્તા ટૂંકમાં લખું છું.

હકીકતમાં આ એપ દ્વારા ભેગો કરેલો બધો ડેટા પ્રોફેસર સાહેબે કેમ્બ્રીજ એનાલિટીકા (કેમ્બ્રીજ યુનિવર્સિટી અલગ) નામની કંપનીને આપી દીધો. આ ફેસબુકના નિયમોનું ઉલ્લંઘન હતું. આ કંપનીનું મૂળ કામ ડેટા એનાલીસીસ કરવાનું છે. કેમ્બ્રીજ એનાલિટીકા એટલે એ જ કંપની જેણે અમેરિકાના ૨૦૧૬ની ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન માટે કામ કરેલું. ઇલેક્શન કેમ્પેઇન માટે એમને જરૂર હતી લોકોની નાડ પારખવાની. કોણ લીબરલ છે, કોણ કન્ઝર્વેટીવ છે, કોના કેવા વિચારો છે એ બધી સાયકોલોજીકલ માહિતી જો મળી જાય તો કેમ્પેઇનની દિશા એ પ્રમાણે નક્કી કરી શકાય.

કેમ્બ્રીજ યુનીવર્સિટીના સાયકોમેટ્રિક સેન્ટરે એક એવી ટેક્નીક વિક્સાવેલી કે જેનાથી વ્યક્તિએ ફેસબુક પર શું શું લાઇક કર્યું છે એના પરથી માણસની વિચારસરણી જાણી શકાય. કેમ્બ્રીજ એનાલિટીકાના ફાઉન્ડર ક્રિસ્ટોફર વાયલીને આની જાણ થતાં એમણે આ સેન્ટરનો સંપર્ક કર્યો, પણ એમણે કંપની સાથે કામ કરવાની ના પાડી દીધી. એટલે એ જ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કોગન પાસે ગયા, જે આ ટેકનીક જાણતા હતાં. અને એમણે પોતાની સર્વે એપ બનાવી. અને આખરે એનો ઉપયોગ પાછલા બારણે રાજકારણ માટે થયો.

આ આખા પ્રકરણમાં ક્યાંય હેકિંગ કે ડેટા લીક જેવું કશું નથી. લોકોએ જાણતાં અજાણતાં સામેથી જ પોતાનો અને એમના મિત્રોનો ડેટા પ્રોફેસરને આપ્યો. પ્રોફેસરે બધો ડેટા એક પ્રાઇવેટ કંપનીને આપ્યો. અને એ કંપનીએ ડેટાનો દુરુપયોગ ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇન માટે કર્યો. એટલે આ ડેટા લીક નહિં, પણ ડેટા મીસયુઝ નો કેસ છે. હવે ઇલેક્શન પતી ગયું છે અને ટ્રમ્પ પ્રમુખ બની ગયા છે. એટલે એ તો રીવર્સ થઇ શકે એમ નથી, પણ અત્યારે સવાલ આ કંપનીઓની ટ્રાન્સપરન્સી બાબતે ઉઠ્યો છે.

જે ડેટા કંપનીએ લીધેલો એ અમેરિકન વોટર્સનો હતો. ભારતનાં લોકોને એની સાથે કંઇ લેવાદેવા નથી. પણ હમણાંથી આ ડેટા લીક બાબતે આપણાં લોકો પણ સમજ્યા કે જાણ્યા વગર આડેધડ ફેંકમફેંક કરવા મંડાણા છે એ જોઇને મને હસવું આવે છે. અમુક નવરી બજારો તો પાછા કોમેન્ટમાં bff લખીને પ્રોફાઇલ હેક થઇ છે કે નહિં એ જાણવાનાં ધડ માથા વગરનાં તુક્કાઓ ફેરવે છે. અલ્યા ચક્રમો, તમારી પ્રોફાઇલ કોઇએ હેક કરી પણ હશે, તો સૌથી પહેલા તમારો પાસવર્ડ બદલી નાંખશે, એટલે તમે જ લોગ-ઇન નહિં કરી શકો. એટલે આવી અફવાઓ પર ધ્યાન આપવું નહિં અને અગાઉ કહેલું એમ સાચી વિગતો જાણ્યા વગર દોઢ ડાહપણ કરવું નહિં.

ઓનલાઇન પ્રાઇવસી વિશે વધુ પંચાત ફરી ક્યારેક.

~ પર્યંક કંસારા

Leave a Reply

error: Content is protected !!