વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …

શોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ ‘બોસ, ફાગણ સુદ પૂનમ’ જેવો જવાબ નથી આપતા.હોળી ઢુંકડી છે અને પ્રદુષણના નામે આપણા તહેવારમાં ‘ચુટકીવાલી હોલી’ની ઘો ઘૂસી ગઈ જે ‘તિલક હોળી’ના નામે આજે પણ આપણને કનડે છે! એમ હોળી માં ક્યાંક ‘દીવાસલી હોલી’ ના ઘુસી જાય એ માટે આવો જાણીએ હોળી ની વૈદિક પ્રદુષણ મુક્ત પ્રયોગ વિધિ

ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ‘ઋતુનાં કુસુમાકર’ એટલે ઋતુઓમાં હું વસંત છું એમ કહેલ છે.

વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી.પ્રાચીન સમયથી એ ઋતુ-પરિવર્તનના તહેવાર તરીકે ઊજવાય છે. ‘નવસસ્યેષ્ટિ’ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. શેકેલા અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે. આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કહેવાય છે. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતા. આમ, નવા અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર.

• ઋતુસંધિકાળમાં વિવિધ પ્રકારના વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધે છે.
• આ વખતે શીશિર-વસંત ઋતુસંધિકાળમાં સ્વાઈન ફ્લુ,બર્ડ ફ્લુ અને ઝીકા જેવા અનેક વાયરસ જનપદોધ્વંસ સ્વરૂપમાં ફેલાઈ રહ્યા છે જેનાથી સામાન્ય પ્રજા ના જાનમાલ ને સ્વાસ્થ્ય ને અનેક પ્રકારે હાની પહોચે છે…શિયાળા માં જામેલો કફ ઓગળવાથી વસંત ઋતુ માં આવા વાયરસ ને ફેલાવવાની જોઈતી તક મળી રહે છે..
• આયુર્વેદ અને વેદમાં ઋતુચર્યા સ્વરૂપે, ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે,જેનાથી આવા વાયરસ નિર્મૂળ થઇ જાય છે….તેમાંથી એક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન. તેમજ શરીર માં વધી ગયેલા કફ ને હોળી ની પ્રદક્ષિણા થી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે
ટૂંક માં શરીર ની રક્ષા માટે ધર્મ સાથે જોડી દીધેલું એક પર્વ એટલે હોળી…
• સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે ,ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “MASS LEVEL FUMIGATION AT A SINGLE TIME” છે.

• યજ્ઞમાં ૧૧૧ પ્રકારની દિવ્ય ઔષધિઓ,૧૧ પ્રકારના યજ્ઞ સમિધ કાષ્ઠ, અને નવા ઉગેલા શિયાળુ પાકો(ઘઉં-જવ,ચણા, ધાણા, જીરૂ, લસણ, વરીયાળી) થી હોમ કરવાથી ઉત્સર્જીત વાયુઓ (Acetylene,Ethylene,Oxide,Formaldehyde,Propylene Oxide,Menthol,Ammonia,Phenol) અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની ,રશિયા,અમેરિકા,શાંતિકુંજ હરિદ્વાર વિગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે.પર્યાવરણ શુદ્ધિ માં આવા વાયુઓ નું પ્રદાન પ્રસિદ્ધ છે…
આવો નીચે પ્રમાણે વેદોક્ત શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોલિકા દહન કરીને પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદવિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવીએ સાથે સાથે તેમાં થયેલ ખોટા મિશ્રણોને, દુષણોને ભગાડીએ.

• લાકડા-(વશિષ્ઠ સંહિતા)
આંબો, ઉમરડો, વડ, પીપળો, ખાખરો, ખેર, ચંદન(લાલ-સફેદ-પીળું એમ ત્રણ પ્રકારનું), અગરુ, ખીજડા, આકડો, તુલસી, લીમડો વગેરે માંથી જે મળે તેનું લાકડું (સુકું)

• ઔષધીદ્રવ્યો-(મદન રત્ન ગ્રંથ મુજબ)
ઘઉંના લીલા દાણા,જવ, સુકા મેવા,સાકર, ખજુર, ગળો, તજ, તાલીસપત્ર, ભોજપત્ર, મુનક્કા, લજામણી, શીતલ ચીની, ભીમસેની કપૂર, દેવદાર, લાલ ચંદન, નાગરમોથ, બીલીફ્લના સુકા ટુકડા, બાવચી, ખાખરાના બીજ ફૂલ , અગર તગર, કેસર, ઇન્દ્રયવ, ગુગળ, જાયફળ, ભોરીંગણી, હરડેફળ, ખસનામૂળ, પુષ્કરમૂલ, કમળકાકડી, જાવંત્રી, મજીઠ, કપુરકાચલી, તેજપત્ર, શંખપુષ્પી, ખસ, ગોખરું, ગોળ-સાકર, અઘેડો, કડવા લીમડાના પત્તા, એલચી, બાદીયા, તમાલ પત્ર, લવિંગ….આટલા માંથી જેટલા મળે તેટલા ઔષધો અને વિશેષ માત્રા માં દેશી ગાયના છાણા

• તેલ/ઘી : તલ નું તેલ, નીલગીરી તેલ, ઘનસાર યોગ અને ગાય નું ઘી….(જેટલા પ્રમાણ માં જોઈએ તેટલું)

• વિશિષ્ઠ : પંચગવ્ય, શ્રીફળ ,ધાણી, દાળિયા

• પ્રયોગવિધી –
સાયંકાળે શુભમુહૂર્તે નિશ્ચિત સ્થળે ખાડો ખોદવામાં આવે છે, જેમાં સૌપ્રથમ સાક્ષાત્ અગ્નિદેવને અર્પણ કરવાની ભાવના સાથે નવો શિયાળુ પાક (ઘઉં – ચણા) તથા સિક્કો મૂકેલ માટલું મૂકવામાં આવે છે. લાકડાં, ઘાસના પૂળા તથા છાણાથી હોળી ખડકવામાં આવે છે, જેની ટોચ ઉપર એક ધ્વજ પણ રાખવામાં આવે છે. રક્ષોઘ્ન મંત્ર ભણી કોઈ મંદિર માંથી અગ્નિ લાવી બાળક ના હાથે હોળી પ્રગટાવવી…

ઉપરોક્ત તમામ ઔષધોમાંથી જેટલા શુદ્ધ સ્વરૂપમાં મળે તેટલા લઈનેતે બધાથી ચોથા ભાગના દેશી ગાયનું ઘી સાથે મિશ્રણ કરીને એક વ્યક્તિએ પોતાની જમણા હાથની મુઠ્ઠી ભરીને વધુમાં વધુ ૬ વાર સુધી મહામૃત્યુંજયમંત્રથી સળગતા અગ્નિમાં હોમ કરવો.આમ વૈદિક વિધિવત્ ઉચ્ચારણ સાથે હોલિકાપૂજન થાય છે. સ્ત્રી-પુરુષો જળ ધારાવાડી કરતાં હોળીની પરિક્રમા કરવી…

• વૈજ્ઞાનિક તથ્યો:

જેમ હજારો વ્યક્તિની દાળમાં થોડીક જ હિંગનો વઘાર કરતા તે સુગંધિત થઇ જાય છે,થોડુક જ મરચું અગ્નિસંયોગને કારણે ખુબ મોટા વિસ્તારમાં તીવ્ર ગતિથી ફેલાઈ જાય છે તેમ સામગ્રીમાંના ઔષધી દ્રવ્યો સળગતા અગ્નિસંયોગથી પોતાની તીવ્ર અસરો કરે છે.આ એક નેનો ટેકનોલોજી નું સ્વરૂપ છે. કેમિકલયુક્ત દ્રવ્યો કે ખાંડ વિગેરે આજ પ્રમાણે તેની ખરાબ અસરો પણ તેજ રીતે તીવ્ર ગતિથી આપે છે.જેથી ખાંડ નાંખવી નહિ.દહન માટે વપરાતા સંપૂર્ણ સુકા લાકડા વાપરવાથી તે ઝડપથી અને પુરેપુરા સળગી જતા હોઈ કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરતા નથી.

• વિશેષ નોંધ-

૧).સામગ્રીકેમિકલયુક્ત હોય તોઉપરના વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં લઈને ના જ વાપરવી.
૨).શક્ય હોય તો એક જ સમયે દરેક જગ્યાએ હોલિકા દહન કરવું.
૩).વાયરસ ભેજવાળા અને ઠંડા વાતાવરણમાં વધુ પ્રભાવી થઇ શકે છે,માટે આ કાર્યને મિશનની જેમ લઈને કરવું.
૪).ઉપરોક્ત સામગ્રી પુરતા પ્રમાણમાં કે શુદ્ધ ના મળે તો આર્યસમાજ,પતંજલિ કે ગાયત્રી પરિવારના સ્થાનિક કેન્દ્રો પરથી તૈયાર હવન સામગ્રી લઈને પણ ચલાવી શકાય.
૫).સળગતી હોળીની પ્રદક્ષિણાની પાછળ વ્યક્તિગત સ્વસ્થ્યરક્ષાનું વિજ્ઞાન છે,માટે પ્રદક્ષિણા અવશ્ય કરવી,નાના મોટા તમામને કરાવવી.

આ હોળી માત્ર છાણાં-લાકડાંના ઢગલા બાળવાનો તહેવાર નથી, એ તો એની સાથે ચિત્તની દુર્બળતા દૂર કરવાનો, મનની મલિન વાસનાઓ,આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેતા અંત:શત્રુઓ, ખોટા વિચારો બાળવાનો પવિત્ર દિવસ છે. આ દિવસથી વિલાસી વાસનાઓનો ત્યાગ કરી ભગવાન પ્રત્યે પ્રેમ, સદભાવના, સહનુભૂતિ, ઇષ્ટનિષ્ઠા, નિર્ભયતા, સ્વધર્મપાલન વગેરે દૈવી ગુણોનો વિકાસ કરવો જોઇએ.

ને હોળી નો બીજો દિવસ ધૂળેટી એટલે ધુલીવંદના..જેમાં હોળી ની ભસ્મો કે ધૂળ ને પણ પૂજવામાં આવે છે…

• સામાજિક કાર્યકરો, ગામડાના આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ, વ્યક્તિગત સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, યુવકો –યુવતીઓ વિગેરે તેમજ બાકીના તમામ લોકો આ કાર્યમાં ઉત્સાહથી જોડાઈને વધુમાં વધુ પ્રચાર, પ્રસાર (Facebook,Whatsapp….વિગેરે વડે) અને ક્રિયાન્વયન કરવું, કરાવવું…

લેખક: વૈધ ગૌરાંગ દરજી

Leave a Reply

error: Content is protected !!