છાપુ વાંચવાની સાચી રીત અને જૂના છાપાનાં જોરદાર ઉપયોગ – વાંચવા જેવી માહિતી

ચા અને છાપા વગર ગુજરાતીઓની સવાર અધૂરી છે. દરેક મિત્રોના ઘરે છાપુ (ન્યુઝ પેપર) તો આવતું જ હશે. પણ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, છાપુ વાંચવુ એ પણ એક કળા છે. ઘણા મિત્રો તો રોબોટ ફિલ્મમાં રોબોટ જે રીતે ચોપડીઓ વાંચે એવી રીતે છાપુ વાંચતા હોય અથવા ઘણા લોકો ઉપરછલ્લી નજર ફેરવતા હોય અથવા ઘણા લોકો ફોટાઓ જોઈ લે. ઘણા લોકોને છાપુ કેમ પકડવું અને કઈ રીતે સંકેલીને મૂકવું એ પણ ખ્યાલ નથી હોતો એટલે જ ક્યારેક તો પાડોશી પણ છાપુ વાંચવા ન આપે. તો ચાલો મિત્રો, જાણીએ છાપુ વાંચવાની સાચી રીત અને ઘરમાં પડેલા જુના છાપાનો ઉપયોગ.

છાપુ વાંચવાની સાચી રીત :
છાપુ વાંચતા પહેલા તો એ શીખવું જરૂરી છે કે છાપાને પકડવું કેવી રીતે? તો સૌથી પહેલા એ યાદ રાખો કે છાપાને આખેઆખું જ વ્યવસ્થિત હાથમાં પકડીને રાખો. એક પાનું આમ આંટા મારે ને બીજું પાનું બીજે રખડતું હોય એમ નહિ.

● છાપુ વાંચતી વખતે ફક્ત છાપુ જ વાંચો. સાથે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહિં.
● શરૂઆતથી અંત સુધી ધ્યાન દઈને છાપુ વાંચો. જરૂર પડિએ પેન કે પેન્સિલથી નોંધ કે નિશાની પણ કરો.
● છાપુ વંચાય જાય પછી તેને વ્યવસ્થિત ઘડી કરીને યોગ્ય જગ્યાએ મૂકવું. જેથી જરૂર પડે તો તાત્કાલિક મળી રહે. ક્યારેક એવું થાય કે મહિના પછી કોઈ ન્યુઝ યાદ આવે અને ત્યારે છાપુ શોધીએ તો એ છાપુ મળે જ નહીં. પછી બીજે માંગવા જવું પડે.

જુના છાપાનાં બેસ્ટ ઉપયોગ :

જુના છાપાનો સર્વ સામાન્ય ઉપયોગ આપણે પસ્તી તરીકે કરીએ અથવા પસ્તીવાળાને વેચી દઈએ. પરંતુ મિત્રો આ સિવાય પણ ઘણા ઉપયોગ થઈ શકે. ચાલો જાણીએ વેસ્ટમાંથી બેસ્ટ.

(1) જુના છાપામાંથી પેપર બેગ બનાવો
આજકાલ બજારમાં પ્લાસ્ટિકનાં જબ્લા (પ્લાસ્ટિક બેગ) ખૂબ પ્રચલિત છે પણ તે આરોગ્ય અને પર્યાવરણ માટે ખૂબ નુક્શાનકારક છે. મારી દ્રષ્ટીએ આ પ્લાસ્ટિકનાં જબ્લાનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પેપર બેગ (કાગળની થેલી) છે.

આ રીતે બનાવો પેપર બેગ :

સૌથી પહેલા ઘઉંનાં લોટમાં થોડું પાણી નાખીને એનું મિશ્રણ (પેસ્ટ) બનાવો ત્યારબાદ જુના છાપાનું યોગ્ય કટિંગ કરીને એને ત્રણ બાજુથી વાળી લો. જે બાજુ વાળવી હોય ત્યાં ઘઉંનાં લોટની પેસ્ટ લગાવી દો. અહીંયા ઘઉંનાં લોટની પેસ્ટ ગુંદર જેવું કામ કરશે. જે સાઈઝની પેપર બેગ બનાવવી હોય એ સાઈઝનું પેપર કટિંગ કરવું. ઘરે બેઠા આવી પેપર બેગ બનાવીને ગૃહ ઉદ્યોગ પણ શરૂ કરી શકો. બેગને સરળતાથી પકડી શકાય એ માટે નાકાવાળી કે દોરીવાળી બેગ પણ બનાવી શકાય. વધુ વિગત માટે આ વીડિયો જુઓ.

(2) સામાન્ય રીતે આપણા ગુજરાતી છોકરાઓ છાપામાંથી પ્લેન કે હોડી બનાવતા હોય છે. પણ જુના છાપા સાથે આપણે ઘણી બધી ક્રિએટીવીટી કરી શકીએ અને આ માટે બાળકોને પણ પ્રોત્સાહન આપી શકીએ જેથી એનામાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. જુના છાપામાંથી ઘર સજાવટની ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકાય. જેમ કે રંગીન ફૂલ, ફોટો ફ્રેમ, તોરણ વગેરે. વધુ વિગત માટે આ વીડિયો જુઓ.

https://www.youtube.com/watch?v=vdABeUvQaa4

(3) પુસ્તકોને કવર કરવા માટે આજકાલ તો માર્કેટમાં પ્લાસ્ટિકનાં તૈયાર કવર મળી રહે છે. પણ મારી દ્રષ્ટિએ દરેક માતા-પિતાએ પોતાના બાળકોને જુના છાપાની મદદથી પુસ્તકોને કવર કરતા શીખવવું જોઈએ. આમ કરવાથી પુસ્તકોનું આયુષ્ય પણ વધશે અને આપણો વારસો પણ જળવાય રહેશે.

(4) ગાડીનાં કાચ સાફ કરવા માટે તો આપણે બધાએ ન્યુઝ પેપરનો ઉપયોગ કર્યો જ છે પણ આ સિવાય જો તમારા બુટમાંથી દુર્ગંધ આવતી હોય તો જુના છાપાનો ડુંચો વાળીને એને થોડીવાર બુટમાં મૂકી દો. દુર્ગંધ દૂર થઈ જશે.

(5) કાગળ તેલને શોષી લે છે. જેથી પરોઠા કે થેપલામાંથી તેલ દૂર કરવા માટે થોડીવાર એને પેપર પર રહેવા દેવા. કાગળ વધારાનું તેલ શોષી લેશે.

(6) પુણ્ય કમાઈ શકો : છાપામાં આવેલા નોકરી-રોજગારનાં સમાચારો કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચાડો. તમે કોઈને દાનમાં પૈસા ન આપી શકતા હો તો પસ્તી જરૂર આપી દેવી. જેથી કરી કોઈ જરૂરિયાતમંદ એ પસ્તી વેચીને પૈસા મેળવી શકે.

લેખક : ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!