શ્રીદેવી ગુજરી ગઇ – એક નમ્ર સમજપૂર્વકની અપીલ વાંચવા અહી ક્લિક કરો

શ્રીદેવી ગુજરી ગઇ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો કે એનું મૃત્યુ એક એક્સિડંટલ ડેથ છે એટલે આપણાં બધાંનો રસ ઔર વધી ગયો. ફેસબુક પર, વોટ્સએપ પર ચર્ચાઓ ચાલી. કોઇએ કહ્યું, ‘બહુ દારૂ પીતી હતી..!’ કોઇએ કહ્યું, ‘ફિલ્મસ્ટારોનું તો એવું જ…! કોઇએ સ્ટેટમેન્ટ આપ્યું, ‘બિચારી, બહુ ડિપ્રેશનમાં હતી…!’ આવી ચર્ચા કરનારા એકપણ જણ શ્રીદેવીને રૂબરૂમાં તો નહીં જ મળ્યા હોય..

જેને તમે રૂબરૂમાં મળ્યા જ નથી-એનાં વિશે સ્ટેટમેન્ટ આપીને એક ચોક્કસ તારણ પર કેવી રીતે પહોંચી શકો? બીજાની અંગત જીંદગીમાં ઘૂસી જવાની આપણને આદત પડી છે.

સિલ્વર સ્ક્રીન પર દેખાય છે એ ખૂબસુરત શ્રીદેવી પર તમારો અધિકાર હોય શકે, બાથટબમાં જે શ્રીદેવી હતી એના પર તમારો અધિકાર નથી જ !!!

‘એના બોની કપૂર સાથે ખૂબ ઝગડાં થતા હતા..’ તે શ્રીદેવીએ તમને ફોન કરીને કહેલું કે-આ બોની મારી સાથે બહુ ઝગડે છે? ડિપ્રેશન બધાને આવતું હોય છે. જેમ આપણાં દીકરાની પરીક્ષા વખતે આપણું બ્લડ પ્રેશર હાઇ જતું હોય એમ એને પણ એની દીકરીની ફિલ્મ રિલિઝ પહેલા બ્લડ પ્રેશર હાઇ થઇ જ જાય..જેના પર આપણે ખૂબ વિશ્વાસ મૂક્યો હોય એ આપણને દગો દઇ જાય, એમ એણે પણ જેના પર વિશ્વાસ મૂક્યો હોય એ એને દગો આપી શકે..જેમ તમે તમારી પત્ની કે પતિ સાથે ઝગડી પડો એમ એનાં પણ એના પતિ સાથે ઝગડા થઇ શકે…જેમ તમે તમારા પતિ કે પત્નીને સરપ્રાઇઝ આપવા ઘરે વહેલા પહોંચો એમ એનો પતિ પણ એને સરપ્રાઇઝ આપવા એને કહ્યા વિના દૂબઇ જઇ જ શકે…જેવી રીતે આપણી આજુબાજુ જીવતી મહિલાઓ ક્લોઝ પાર્ટીમાં વોડકા, શેમ્પેન કે બિઅર પી શકે…એવી જ રીતે શ્રીદેવી પણ પી જ શકે…

શ્રીદેવી અને એનાં જેવા ફિલ્મ સ્ટારોને આપણે ટીવીનાં પડદે જોયા છે. એમની અંગત જિંદગી વિશે કુતૂહલ હોય જ. પણ, જાણ્યા-સમજ્યા વિના કોઇની પર્સનલ જિંદગીમાં છેક અંદર સુધી ઘૂસી જઇને એકદમ કોન્ફિડન્સથી ખોટા-પાયા વિહોણા સ્ટેટમેન્ટ આપવા જરૂરી છે?

આ પોસ્ટ એટલા માટે લખી રહી છું કે-ત્રણ દિવસથી શ્રીદેવીનાં મૃત્યુ વિશે થતી જુદી જુદી ચર્ચાઓ અને બહુ જ ઓથેન્ટિસિટીથી અપાઇ રહેલા તારણો વોટ્સએપ અને ફેસબુક પર વાંચી રહી છું. કોઇ એની પર્સનલ જિંદગી પર સવાલ ઉઠાવી રહ્યું છે તો કોઇ એની લાઇફ સ્ટાઇલ પર…

કોઇની પણ પર્સનલ જિંદગી વિશે, લાઇફ સ્ટાઇલ વિશે કે એનાં કેરેક્ટર પર સવાલો ઉઠાવતી વખતે એકવાત યાદ રાખવી જોઇએ કે આપણને પણ આપણી પર્સનલ જિંદગી, આપણી લાઇફ સ્ટાઇલ અને આપણું કેરેક્ટર હોય છે. જેમ આપણે કોઇને મળ્યા વિના, કોઇને સમજ્યા વિના, કઇ પરિસ્થિતિ વચ્ચે એણે એવું કર્યું હશે-એ જાણ્યા વિના સ્ટેટમેન્ટો આપતા રહીએ છીએ એવા જ પાયા વિહોણા સ્ટેટમેન્ટ આપણાં વિશે પણ આવી શકે છે.

જેમ આપણને આપણાં સ્વજનનાં મૃત્યુનો આઘાત લાગે એમ ફિલ્મસ્ટારોનાં સ્વજનોને પણ મૃત્યુનો આઘાત લાગતો જ હોય છે.

હું એવું માનું છું કે આપણે બધાં સમજદાર છીએ અને મોતનો મલાજો આપણે જાળવવો જ જોઇએ.

Esha dadawala

Leave a Reply

error: Content is protected !!