આ મંદિરની અંદર ઉગે છે સૂર્ય! સદીઓ બાદ એકવાર રચાય છે અનોખો સંયોગ

વાત છે જગજાણીતા અને સ્થાપત્ય કળાના સર્વોચ્ચ ઉદાહરણ સમાન ઓરીસ્સાના પુરીમાં આવેલા કોણાર્કના સૂર્યમંદિરની.આ મંદિર સૂર્યદેવ અર્થાત્ “અર્ક”ને સમર્પિત છે,આથી અહીંના વિસ્તારને “અર્ક ક્ષેત્ર” કે “પદ્મ ક્ષેત્ર” પણ કહેવાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર,ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને શ્રાપને લીધે ભયંકર કોઢ નીકળ્યો હતો.શાપથી મુક્તિ મેળવવા સામ્બે લાગલગાટ બાર વર્ષ સુધી ચંદ્રભાગા નદી જ્યાં સમુદ્રને મળે છે એ કોણાર્કમાં,તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા.સૂર્યદેવે સામ્બનો કોઢ મટાડ્યો.

આથી સામ્બે ભગવાન આદિત્યનું એક મંદિર બાંધવાનું પ્રણ લીધું.રોગમાંથી મુક્તિ મળ્યાં પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં તેને નદીમાંથી સૂર્યદેવની એક મૂર્તિ મળી.અને પછી બન્યું કોણાર્કનું ભવ્ય સૂર્યમંદિર કે જેને પ્રત્યેક પથ્થરે પમરાટ છે કલાની પંક્તિઓનો!

મંદિરની શિલ્પકલા અને સુંદરતા એટલી અનુપમ છે કે,કલારસિકો રીતસર બાવરા બની જાય!શિલ્પ કોતરણી સામાન્ય મુલાકાતીઓને પણ ઘડીભર અચંબિત કરી મુકે તેવી છે.કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તો આ મંદિરની ભવ્યતા માટે એટલે સુધી કહ્યું છે કે,”અહીં પથ્થરોની ભાષા મનુષ્યોની ભાષા કરતાં શ્રેષ્ઠ છે.ભારતની પાસે રહેલી આ વિશ્વ ધરોહર છે.”

ત્રણ મંડપોમાં વિભાજીત આ મંદિરનો મુખ્ય મંડપ અને નાટ્યશાળા અત્યારે ધ્વસ્ત થઇ ગયા છે,અત્યારે માત્ર એનો અંદરનો ઢાંચો જ બચેલો છે.મંદિરના નષ્ટપ્રાય થવાના મુખ્ય કારણોમાં મુસ્લીમ કટ્ટરપંથીઓનું આક્રમણ છે જ્યારે ઘણા ખરા લોકો મંદિરના વાસ્તુશાસ્ત્રમાં વ્યાપેલા દોષોને પણ આ માટે કારણભૂત લેખે છે.

વચ્ચેનો ભાગ જેને જગમોહન મંડપ અથવા સૂર્ય મંદિરના નામથી ઓળખાય છે તેમાં ઇ.સ.૧૯૦૩માં અંગ્રેજોએ દિવાલો ઉઠાવીને ચારેબાજુ રેતી ભરેલી છે,જેથી મંદિરને વધુ નુકસાન ન થાય.કહેવાય છે કે,અહીં કાયમ દસ હજાર લોકો દર્શનાર્થે આવે છે.વેકેશનના દિવસોમાં આ સંખ્યા વધીને પચ્ચીસ હજાર સુધી પહોંચી જાય છે!

કોણાર્કમાં હાલ લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે ચર્ચા-વિચારણા થઇ રહી છે,જેમના માટે ટ્રાઇકલર ઇન્ડીયા કંપની સાથે વાતચીત પણ થઇ ચુકી છે અને કામ ચાલી રહ્યું છે.આને લીધે કોણાર્કમાં લોકોનું આકર્ષણ વધશે.

કહેવાય છે કે,કોણાર્કના મધ્ય મંડપમાં ૨૦૦ વર્ષે માત્ર એકવાર એક અજબ સંયોગ રચાય છે.સૂર્યોદય સમયે મંડપ અને સૂર્ય સીધી રેખામાં આવે છે અને અદ્દલ એવું લાગે છે જાણે કે સૂર્ય મંદિરની અંદર જ ઉગી રહ્યો છે!

કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નૃસિંહદેવ દ્વારા ૧૩મી સદીમાં કરવામાં આવેલું.આખા મંદિરને બાર જોડી પૈડાંવાળા અને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યદેવના રથના રૂપમાં બતાવ્યું છે,જે કળાનો ઉત્કૃષ્ટ નમુનો છે.

આજે એક જ અશ્વ બચ્યો છે.મંદિરના બાર પૈડાં વર્ષના બાર મહિના અને પૈડામાં રહેલા આઠ આરા દિવસના આઠ પહોરની યાદ દર્શાવે છે.યુનેસ્કો દ્વારા ૧૯૮૪ના વર્ષમાં આ સ્થળનો સમાવેશ હેરિટેજ સાઇટમાં કરવામાં આવેલો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ, ઉપયોગી લાગે તો જરૂર શેર કરજો

Leave a Reply

error: Content is protected !!