કાળિયારમાં એવું તો શું છે કે સલમાને જેલમાં જવું પડ્યું? વાંચવા અહી ક્લિક કરો

સલમાન ખાનને જોધપુરની કોર્ટે કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.

1998માં જોધપુરના ગ્રામીણ ક્ષેત્રમાં કાળિયારનો શિકાર કરવાના મામલામાં તેઓ દોષિત ઠર્યા છે.

આ કેસમાં સલમાન ખાનની સાથે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમનાં નામ પણ હતાં.

જોકે, સલમાન ખાન સિવાય અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

પરંતુ સલમાન ખાનને કાળિયારના શિકાર કરવાના કેસમાં સજા થઈ છે.

કાળિયારની વિશેષતા શું છે અને શા માટે તેના શિકાર પર પ્રતિબંધ છે?

કાળિયારમાં એવું ખાસ શું છે?


કાળિયાર અથવા બ્લેક બકને ઇન્ડિયન એન્ટેલોપ પણ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળે છે.

તે કેટલાક વિસ્તારોમાં તેનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યાં છે. તો સંરક્ષિત વિસ્તારોમાં તેની સંખ્યા વધી રહી છે.

તેના વસવાટના વિસ્તારમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે તેને સંરક્ષિત કરવાની જરૂર પડી છે.
કાળિયારની ખાસ વાત એ છે કે તે સમય અને સ્થળ પ્રમાણે પોતાને પરિસ્થિતિ અનુસાર ઢાળતા શીખી ગયાં છે.

તેમ છતાં પણ ભારતીય ઉપખંડમાં વધી રહેલી વસતિ અને ઉદ્યોગોને કારણે તેના પર ખતરો તોળાઈ રહ્યો છે.

ગુજરાતમાં પણ છે કાળિયાર

ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલાં વેળાવદરમાં કાળિયારનું અભયારણ્ય છે.

અહીં કાળિયારના સંરક્ષણ માટે ખાસ નેશનલ પાર્કની રચના કરવામાં આવી છે.

વર્ષ 1976માં તેની સ્થાપના કરવામાં આવી હતી, જેથી કાળિયાર સહિતના અન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરી શકાય.

34 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ નેશનલ પાર્કની જગ્યા પહેલાં ભાવનગરના મહારાજાની હતી.

આ વિસ્તાર ઘાસની વીડી છે એટલે કે તે ઘાસનો મેદાની પ્રદેશ છે. જેથી તે કાળિયારને રહેવા માટે અનુકૂળ છે.
માત્ર દક્ષિણ એશિયામાં જોવા મળતાં કાળિયાર હવે ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળતાં હતાં.

હવે તે ગુજરાત સિવાય, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

1966માં અહીં માત્ર 200 જ કાળિયાર રહ્યાં હતા જેની વસતિ હવે વધીને 3400 જેટલી થઈ છે.

કેટલી સંખ્યા અને શું છે ખતરો?

બીબીસીએ આ મામલે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ આરેફા તહસીન સાથે વાત કરી હતી.

તહસીન કહે છે કે, બ્રિટિશ ભારતમાં બ્લેક બક હજારોની સંખ્યામાં જોવા મળતાં હતાં પરંતુ હવે એવું નથી.

તેમણે કહ્યું, “કાળિયાર સાથે મુશ્કેલી એ છે કે તેનો વિસ્તાર ઘટી રહ્યો છે. કારણ કે તે જંગલમાં રહેનારું પ્રાણી નથી તે ઘાસના મેદાનોમાં વસવાટ કરે છે.”
“લોકોની વસતિ વધવાને કારણે માણસો હવે તેમના વિસ્તારો પર કબ્જો કરી રહ્યા છે.”

એવું અનુમાન છે કે બસો વર્ષ પહેલાં કાળિયારની સંખ્યા 40 લાખ હતી. 1947માં તેની સંખ્યા ઘટીને માત્ર 80 હજારની બચી હતી.

1970ના દાયકામાં તેની સંખ્યા વધારે ઘટીને માત્ર 22થી 24 હજાર જ રહી ગઈ હતી. જ્યારે વર્ષ 2000 સુધીમાં તેમની સંખ્યા વધીને 50 હજાર થઈ.

એટલે સલમાનને થઈ સજા?

કાળિયારને કાયદાની રીતે સંરક્ષિત જાતિમાં મૂકવામાં આવ્યાં છે.

તેની સંખ્યામાં ઘટાડો થતો હોવાને કારણે તેને કાયદાના આધારે સંરક્ષણ આપવામાં આવ્યું છે.

1972ના વન્યજીવ સંરક્ષણ કાયદા(Wildlife Protection Act 1972)ની પ્રથમ સૂચિ અનુસાર ભારતમાં કાળિયારનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.
આ કાયદાની પ્રથમ સૂચિમાં એવાં વન્ય પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે કે જેમના પર ખતરો છે. જેમને કાયદાની આ સૂચિમાં દાખલ કરીને સંરક્ષણ આપવામાં આવ્યું છે.

હાલ ભારતમાં આશરે સસ્તન પ્રાણીઓની 81 જાતિઓ, પક્ષીઓની 38 જાતિઓ અને ઉભચર તથા સર્પ જેવાં અન્ય 18 જીવોને આ કાયદા અનુસાર સંરક્ષણ આપવામાં આવ્યું છે.

જેથી કાળિયારનો શિકાર કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની અને સજાની જોગવાઈ છે.

સોર્સ: બીબીસી ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!