ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી વિષે વાંચવા જેવુ
ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી છેલ્લા લગભગ બે મહિનાથી દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ છે. 93 વર્ષના અટલ બિહારી વાજયેપી છેલ્લા ઘણા સમયથી કિડનીની નળીમાં અને છાતીમાં ચેપ જેવી બિમારીઓથી પીડાઇ રહ્યા છે. તેઓ હાલ વેન્ટિલેટર પર છે. એઇમ્સ દ્વારા આજે હેલ્થ બુલેટિન જાહેર કરી કહેવામાં આવ્યુ છે કે વાજપેયીજીની તબિયતમાં હાલ કોઈ સુધારો નથી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજા ઘણા બધા દિગ્ગજ નેતાઓ પણ એઈમ્સ પહોંચ્યા હતા. ભાજપ દ્વારા પોતાના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીને ભારત રત્નથી નવાજમાં આવી ચુક્યા છે અને તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન પદે રહી ચુક્યા છે.
ભારતીય રાજકારણના શિખર પુરુષ રહેલા અટલ બિહારી વાજપેયીએ 1952થી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ તેઓએ કયારેય વ્યક્તિગત રીતે કોઇની પણ ઉપર કાદવ ઉછાળ્યો નથી. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના પક્ષઘર હતા. તેમના નહેરૂ-ગાંધી પરિવારની સાથે પણ એટલા જ સારા સંબંધો રહ્યા છે.
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હાલમાં, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.
એવોર્ડ/પુરસ્કાર :
1992 – પદ્મવિભૂષણ
1994 – લોકમાન્ય તિલક ખિતાબ
1994 – શ્રેષ્ઠ સંસદસભ્ય
1994 – ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
2004 – ભારત રત્ન.
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં એઈમ્સની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓ Tweet કરીને વાજપેયીના દિર્ઘાયુ માટે મનોકામના કરી રહ્યાં છે.