કેરળમાં કલેક્ટરોએ ખભે ઉપાડી ચોખાની ગુણો! કર્યું એવું કામ કે લોકોએ કર્યાં ભારોભાર વખાણ

ઉચ્ચ દરજ્જાના સરકારી અધિકારી બન્યાં પછી એવા ઘણા ઓફિસરોના ઉદાહરણ સામે આવે છે જેઓ ગેરરીતિ આચરવામાં મણા નથી રાખતા. લાંચ, દાદાગીરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને અમુક અફસરો પોતાનો ચોક્કસ હેતુ સિધ્ધ કરવા મંડ્યાં રહે છે. એનો હેતુ સિધ્ધ થાય એ પોઇન્ટ એમને માટે અન્ડરલાઇન્ડેડ હોય છે, જનતાની હારાકીરીનું પછી કોઇ વજૂદ રહેતું નથી.

પરંતુ, કેરળમાં હમણાં વર્ષાની હેલી પડી અને ભીષણ વરસાદથી રાજ્યના ડઝનેક જીલ્લાઓ પુરગ્રસ્ત થયાં ત્યારે અમુક ઉચ્ચ લેવલના સરકારી અધિકારીઓએ સામાન્ય જનતા માટે જે કામ કર્યું તે ખરેખર દાદ દેવા લાયક છે. ભાવિ અને પોતાની હેતુસિધ્ધી માટે રચ્યાંપચ્યાં રહેનાર વર્તમાન અફસરો માટે આંખ ઉઘાડનાર છે. સોશિયલ મીડિયા દ્વારા આઇએએસ લેવલના ‘ધી બેસ્ટ’ કહી શકાય એવા અધિકારીઓએ કરેલાં કામની તસ્વીરો વાઇરલ થઈ રહી છે અને ચોતરફ લોકો તેમના ઉમદા કાર્યના વખાણ પણ કરી રહ્યાં છે.

કેરળમાં અતિભારે માત્રામાં ત્રાટકેલ મેઘને લીધે સર્વત્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચોતરફથી કેન્દ્ર સરકાર દ્વારા, સ્ટેટ ગવર્મેન્ટ્સ દ્વારા અને અન્ય સંસ્થાઓ/વ્યક્તિઓ દ્વારા રાહતદાન પણ આવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ લગભગ રાતે સાડા નવની આસપાસ બે આઇએએસ ઓફિસરો કેરળના વાયનાડ જીલ્લાના એક રિલીફ કેમ્પમાં પહોંચ્યા. એક હતાં વાયનાડના ડેપ્યૂટી કલેક્ટર એનએસકે ઉમેશ, બીજા હતા રાજમણિક્યમ કે જેઓને સરકાર તરફથી રાહત શિબિરના ઇન્ચાર્જ તરીકે મોકલાયા હતા.

થોડીવારમાં રિલીફ કેમ્પમાં એક ગાડી આવી, જેમાં પૂરપીડિતો માટે ખાધાખોરાકીનો સામાન ભર્યો હતો. ગાડીમાંથી સામાન ઉતારવાનો હતો અને એ દિવસે કેમ્પમાં પુરતાં પ્રમાણમાં માણસો નહોતા કે જેથી ગાડી ત્વરીત ખાલી થઇ જાય. એ દિવસે કેમ્પમાં ભારતમાં ખરેખર અપેક્ષા બહારનું કહી શકાય એવું દ્રશ્ય ભજવાયું.

ડેપ્યુટી ક્લેકટર અને શિબિર ઇન્ચાર્જ આગળ વધ્યા અને ગાડીમાંથી ચોખાની ગુણીઓ ખભે ઉપાડવા લાગ્યા..! સામાન્ય રીતે ધડ દઇને આદેશ કરવા ટેવાયેલા અફસરો માટે આ વ્યાજબી ના ગણાય પણ આ નજારો ત્યારબાદ કેમેરે ઝડપ્યો અને ઇન્ટરનેટના માધ્યમથી જનજન સુધી પહોઁચ્યો. લોકોએ ઉમદા કાર્યના વખાણ કર્યા અને ઘણા લોકો કોઇકે આંગળી ચીંધી હોય એમ રાહતકાર્યમાં જોતરાવા ઉત્સુક બન્યાં.

આવા જ અમુક બીજા અફસરોના પણ દાખલા નોંધાયા. ઇડુક્કીના કલેક્ટર જીવન બાબૂ શિબિરમાં લોકોને ભોજન પીરસતાં નજરે પડ્યાં તો ઘરમાં થઇ રહેલાં લગ્નને મૂકીને તાનાજીની જેમ ‘પહેલા સિંહગઢ’ના ન્યાયે લોકોને મદદ કરવા દોડી ગયેલાં આપત્તિ પ્રબંધન પ્રાધિકરણના અધિકારી શ્રીમતિ અંજલી રવિ પણ નજરમાં આવ્યાં. એ સાથે પોલિસ પણ દોડી-દોડીને મદદ કરવા લાગી.

અધિકારી તરીકે ઐયાશી કરીને જીંદગી પસાર કરવા કરતાં લોકોને માટે સદા તત્પર રહેનાર અફસર-કમ-ઉદ્યમીને રાતે આવતી નીઁદર વધારે આનંદદાયી હોય છે.

મિત્રો, આર્ટીકલ સારો લાગ્યો હોય આગળ શેર પણ જરૂર કરજો જેથી બીજાં લોકો પણ જાણે આ જાંબાજોની જીંદાદિલી વિશે. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!