જંગલના ઝાડ પણ રોયા હશે જ્યારે મણિરાજે અણધારી વિદાય લીધી! સુપ્રસિધ્ધ લોકગાયક બારોટના જીવનની અજાણી વાતો

આજે જ્યારે ઉત્તર ગુજરાતી શૈલીમાં સનેડો કે મણિયારો ગવાય છે, નવરાત્રીના દિવસોમાં કે લગ્ન પ્રસંગની રાતોમાં લાંબા ઢાળના લહેકાના ગરબાને તાલે રાસ રમતી જુવાન હૈયાઓની મંડળી નજર સામે આવે છે ત્યારે સહજ પણે એક કલાકાર અવશ્ય સાંભળી આવે છે. જાણે સામે સ્ટેજ પર ઉભો રહીને એ રંગીલો પુરી ઉંચાઇ ધરાવતો મનમોજી, માથાના પ્રમાણમાં લાંબા વાળ પર કેસરીયાળી પટ્ટી બાંધીને કે કોઇ વાર પાઘડીનો વળ ચડાવીને ગાતો હોય એવું ભાસે છે. એના નાદે મેદની જાણે ડોલી રહી છે. જુવાન હૈયાનો ઉમંગ એના શબ્દે ઘોળીને વર્તાતો હોય એવું ભાસે છે.

હાં, દિવાળીની મોસમમાં જ્યારે મગફળી કાઢીને ભેગી કરવાની હોય કે થ્રેસર લાવીને કાઢવાની હોય તો ટ્રેકટર ચાલક અચુક પણે એના ગીતો વગાડે જ છે. અને પછી જે જુસ્સો કામ કરતાં મજૂરમાં આવે છે એની તો કલ્પના પણ મુશ્કેલ છે. એક-એક કામદાર બબ્બે ગણું કામ કરીને દે છે આ તોરીલા ગાયકની અજાજૂડ ગાયકીના તોરમાં…! પણ વાસ્તવિકતા સ્વીકારો તો ખબર પડે કે એ ગુજરાતને ગાંડી કરનારો માણિગર મણિયારો ચાલી ગયો એને તો આજ દાયકા ઉપર પણ વર્ષો વીતી ગયાં છે! વખતને વીતતા ક્યાં વાર લાગે છે?!

એ ગાયક એટલે – મણિરાજ બારોટ…!હાં, મણિરાજ શિવાભાઇ બારોટ. એની યાદ હંમેશ માટે તાજી જ રહેવા જાણે સર્જાયેલી છે. એ ગાયક જેણે ઉત્તર ગુજરાતના ગીતોના જલસામાં આખી ગુજરાતને ભાગ લેતી કરી હતી. ઉત્તર ગુજરાતના સંગીતને અણગમાની નજરે જોતાં લોકો પણ મણિરાજના મોહક બન્યાં હતાં. એના આલ્બમની કેસેટો ધડાધડ વેંચાઇ જતી ભાળી છે. જ્યારે ભરપૂર સિધ્ધીઓના વખતમાં આ ગાયક ગુજરાતને એમ જ છોડીને ચાલ્યો ગયો ત્યારે લાખો ચાહકોના મોંઢા પર વ્યાપેલી નિતાંત સ્તબ્ધતા પણ ભાળી છે.

રોજીરોટી માટે ગાવાનું આરંભેલું –

મણિરાજ બારોટનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા એવા બાલવા ગામમાં શિવાભાઇ બારોટને ઘેર થયો હતો. ઘરની આર્થિક સ્થિતી બહુ સારી નહોતી. વળી, જન્મ પણ પછાત ગણાતા વિસ્તારમાં થયેલો. જો કે, બાળપણથી મણિરાજને સંગીત પ્રત્યે અદ્ભુત વળગણ હતું. સંગીત એનો શોખ હતો અને આગળ પ્રગતિ પણ એણે એમાં જ કરી. ધીમે-ધીમે ઉંમર વધી અને ગળાનો કંઠ ઓર કળાતો ગયો.

પરીવારનું ગુજરાન ચલાવવા માટે મણિરાજે આસપાસના ગામોમાં જઇ ગીતો ગાવાનું શરૂ કર્યું. ઘેરા, લાંબા અને જાણે મોરનો ગહેકાટ હોય એવા અવાજમાં ગવાતા લોકગીતો લોકોને પસંદ પડવા લાગ્યાં. મણિરાજ બારોટની સફરની શરૂઆત જાણે આ રીતે થઇ.

અમદાવાદમાં વસવાટ –

રહેતે રહેતે મણિરાજની પ્રસિધ્ધી વધવા લાગી. લોકો એની ગાયકીના ચાહક બન્યાં. એ પછી તેમણે બાલવા છોડ્યું અને અમદાવાદમાં આવી વસવાટ કર્યો. શ્રીનાથ પાર્ક સોસાયટી, વેજલપુર, અમદાવાદ તેમનું રહેણાક બન્યું.

મણિરાજ બારોટની ગણના ઉત્તર ગુજરાતી સંગીતના પ્રથમ પ્રસારક તરીકે પણ થાય છે. મુળે તૂરી બારોટો દ્વારા ભવાઇ વેશમાં ગવાતું ‘સનેડો’ ગીત મણિરાજે આખા ગુજરાતમાં પ્રસિધ્ધ કર્યું. આજે પણ આ ગીત અવારનવાર ચોક્કસ સાંભળવા મળે જ છે.

ગાંડી કરી ગુજરાત મામા મણિરાજે! –

મણિરાજ દ્વારા ગવાતા લોકગીત, રાસ, ગરબાની જાણે એક અલગ જ ઓળખ બની. પછી એમાં ભજનો પણ ભળવા લાગ્યાં. ગંગાસતીના ભજનો, નાથ સંપ્રદાયના ભજનો, દાસી જીવણના ભજનો અને રામદેવપીરના ભજનો મણિરાજે ઉત્તર ગુજરાતી ઢાળમાં ગાઇને લોકો સુધી પહોંચાડ્યા અને લોકોએ તેને થોકે-થોકે વધાવ્યાં.

ઉલ્લેખનીય છે કે, મણિરાજ બારોટના પ્રથમ આલ્બમની કેસેટો “છેલ દરવાજે ઢોલકી વાગી” અને “મણિયારો આયો અલ્યા” હતી. મણિયારો મણિરાજની ઓળખ બન્યો કે મણિરાજ મણિયારાની એ કહેવું મુશ્કેલ છે!

ગુજરાતી ફિલ્મોમાં પણ પ્રદાન –

ગાયકીમાં સફળતા પછી મણિરાજની એક ઓળખ અભિનય ક્ષેત્રે પણ રચાયેલી છે. “ઢોલો મારા મલકનો” મણિરાજની પ્રથમ ફિલ્મ હતી. એ પછી “શેણી વિજાણંદ”, “સાજણ હૈયે સાંભળે”, “મેના પોપટ”, “શેણી વિજાણંદ” અને “ખોડિયાર છે જોગમાયા” જેવી ફિલ્મોમાં તેણે અભિનય અને સંગીત આપેલું.

ચાર દિકરીઓના પિતા –

મણિરાજ બારોટના પ્રથમ લગ્ન જશોદાબેન સાથે થયેલાં. પણ કમનસીબે વિધાતાએ કંઇક અલગ વિચારેલ હોઇ જશોદાબેન અવસાન પામ્યાં. ત્યારે પુત્રી રાજલ બારોટની ઉંમર પણ બહુ નાની હતી. એ પછી મણિરાજે આરતી બારોટ સાથે બીજા લગ્ન કરેલાં. સંતાનોમાં મણિરાજને ચાર પુત્રીઓ – મેઘલ, રાજલ, હિરલ અને સેજલ. રાજલ બારોટ આજ ઉત્તર ગુજરાતી લોકગાયિકા તરીકે ગુજરાત ભરમાં બહુ પ્રસિધ્ધ નામ છે. તેમના જણાવ્યાં પ્રમાણે તેની સ્કુલમાં લોકગીતની સ્પર્ધા હતી ત્યારે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના અતિ આગ્રહને કારણે તેમણે ભાગ લીધેલો અને ઘરે પિતા મણિરાજે તેમને ગીત શીખવાડેલું. સ્પર્ધામાં રાજલ અવ્વલ નંબરે રહી હતી!

અણધારી વિદાય –

એ વખતે કોઇએ સ્વપનમાં પણ નહી કલ્પેલું એવું બન્યું. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૬ને શનિવારનો દિવસ અને નવલી નવરાત્રિનું આઠમું નોરતું હતું. રાતના સમયે રાજકોટની એક હોટલમાં મણિરાજ બારટને અચાનક હ્રદયરોગનો હુમલો આવ્યો અને ૪૨ વર્ષની ઉંમરે તેમણે આ દુનિયામાંથી અણધારી વિદાય લીધી. જ્યારે ગુજરાત જેના ગરબા પર ભાન ભૂલીને ઘુમી રહ્યું હતું ત્યારે એ ગરબાનો ગાનારો કાઠિયાવાડની ભોમકામાં અંતિમ શ્વાસ છોડીને પ્રભુને પંથે સીંધાવી ચુક્યો હતો…! એના મૃત્યુના સમાચારે એના ચાહકોને હતપ્રભ કરી લીધાં. મણિયારાનો માણીગર મણિરાજ ચાલ્યો ગયો…!

આજે અનેક ગાયકો ઉત્તર ગુજરાતમાંથી આવીને ગુજરાતમાં તેમના ગીતોથી ભરપૂર લોકચાહના મેળવી રહ્યાં છે ત્યારે આવા ગાયકો માટે માર્ગ બનાવી આપનાર મણિરાજને કેમ ભુલી શકાય…? અને માટે જ અચુકપણે મણિરાજને યાદ કરાય છે.

Leave a Reply

error: Content is protected !!