બાળકોને ઉછેર માટે કરો આ ૭ ટીપ્સ નો ઉપયોગ બાળકો રહેશે હંમેશા તમારી નજીક

બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં એમના માતા-પિતાનો સૌથી અહમ્ ફાળો રહેલો છે. નિયમિત વ્યાયામ, સેહતમય પોષણક્ષમ ખોરાક આપવાથી તેનો શારીરિક વિકાસ તો થઇ શકે છે. પરંતુ માનસિક વિકાસ બાબતે મા-બાપે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.

પ્રથમ તો બાળકની સંભાળ બહુ પ્રેમથી રાખવાની જરૂર હોય છે. બાળકને સારો માહોલ મળે એ જોવાની ફરજ માતા-પિતાની રહે છે. એ સાથે બાળકોના માનસિક વિકાસ અર્થે તેને દિમાગી કસરત પણ મળી રહેવી જરૂરી છે. આને માટે જરૂરી છે કે, બાળક સાથે નાની-મોટી કોયડાઓ જેવી દિમાગી એક્ટિવિટી કરવામાં આવે. ઘરમાં ગણન-વાંચનનો માહોલ બનાવી રાખવો અફકોર્સ જરૂરી છે પણ એ એટલી હદે અને એવા પ્રકારે નહી કે જેનાથી બાળકને તે ભારરૂપ લાગે.

આમ કરવાથી ધીમેધીમે તેને ભણતર તરફ રુચિ પેદા થવાની. આમ તમારું બાળક પૂર્ણતયા માનસિક રીતે સ્વસ્થ અને કુશળ બનશે. આજે આ બધું એ માટે પણ જરૂરી છે કે, જમાનો આગળ વધી રહ્યો છે અને માટે સ્વાભાવિક છે કે તમારે તમારા સંતાનને પણ એ મુજબ તૈયાર કરવું પડે. એજ્યુકેશનની હાડમારીમાં આજે મા-બાપ વધુ પડતાં પોતાના સંતાનને અભ્યાસ પર જોર આપવાનું કહે છે, અપાવે છે. પણ અહીં એક ખાસ વાત જાણી લો કે, માત્ર ભણ-ભણ કર્યા સિવાયની પણ બીજી ઘણી એક્ટિવિટી છે જે આપના બાળકને માનસિક રૂપે જીનિયસ બનાવી શકે છે. આવો આજે જાણીએ એ કઇ-કઇ પ્રોસેસ/એક્ટિવિટી છે જે આપના બાળકને માનસિક રૂપે સ્માર્ટ અને સંવેદનશીલ બનાવી શકે :

(1) મગજને કસરત કરાવતી રમતો –

બની શકે તો ઘરની અંદર જ ક્વિઝ કે એવા કોઇ મગજની કસરત કરાવતાં, બાળકને વિચારવા પ્રેરતા ખેલ આરંભો. આપ આવી કોઇ રમત શરૂ કરો એ પહેલાં બાળકને ગેમના નિયમોથી પુરી રીતે જાણકાર બનાવો. પછી ચાલુ રમતે એ કોઈ ભુલ કરે તો તેમને એકદમ સરળ રીતે સમજાવો. આમ કરવાથી ધીમેધીમે તેનું દિમાગ તેજ બનશે.

(2) પ્રેમ અને સ્નેહ –

એક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે માતા પોતાના સંતાનને વધુમાં વધુ પ્રેમ-લાડ કરે છે એ બાળકના મગજના હિપ્પોકેમ્પસ ક્ષેત્રમાં વધારે નર્વ કોશિકાઓનું નિર્માણ થાય છે. આમ બાળક દિમાગી રૂપથી વધારે શક્તિશાળી અને તેજ બને છે. (અલબત્ત, પ્યારમાં ને પ્યારમાં સંતાન કાબૂ બહાર ન જાય એ જોવાની ફરજ પણ મા-બાપની જ રહે છે એ વાત ભુલવા જેવી નથી. યાદશક્તિ કરતાં ચારિત્ર્ય મહત્ત્વનું છે એ બાબત યાદ રાખવા જેવી જ છે.)

(3) પોષણક્ષમ ખોરાક –

બાળકના દિમાગી વિકાસ માટે પૌષ્ટિક આહારની ખાસ જરૂર હોય છે. બાળકને વધુમાં વધુ લીલા શાકભાજી, મેવા, ફળ, ઇંડા વગેરે આપો. બાળકને ફાસ્ટ ફૂડનું સેવન સાવ ઓછું કરાવો; અરે બની શકે તો કરવા જ ન દો! કાયમ દૂધમાં બદામ ભેળવીને બાળકને આપવાથી એની યાદશક્તિ સતેજ બનશે.

(4) વાર્તાની ચોપડીઓ વાંચવા આપો –

માત્ર અભ્યાસક્રમની બૂકો સિવાય અન્ય ચોપડીઓ પણ તેને વાંચવા આપો. આમ કરવાથી બાળક ઇતર દુનિયા વિશે પણ જાણશે અને તેની સમજણશક્તિ, વિચારશક્તિ ખીલી ઉઠશે.

(5) મિત્રતાભર્યું વર્તન –

બાળક સાથે મિત્રતા ભરેલો વ્યવહાર કરો. હોમવર્ક અને અન્ય કામમાં તેની સાથે રહો. તેની ભૂલ હોય ત્યાં ઠપકો આપવા ઉપરાંત તેને સમજાવો કે આવું ના કરવું જોઈએ અને આનાથી બહેતર શું છે એ કરવા એને પ્રેરણા આપો.

(6) આત્મવિશ્વાસ અપાવો –

બાળકને નાના-મોટા કામ તેની રીતે પણ કરવા દો. બધાં કામમાં તેની મદદ ના કરો. આમ કરવાથી બાળક પોતાની જાતે કાર્ય કરતું થશે અને તેનામાં આત્મવિશ્વાસ પેદા થશે. આમ કાર્ય પ્રત્યે તેનો પોતાની જાત પરનો વિશ્વાસ અગ્રતાની જ નિશાની છે.

(7) બાળકને કાર્યરત રાખો –

બની શકે તો, તમારા કામના સમયમાંથી પણ ટાઇમ કાઢીને તમારા બાળકને હંમેશાં કંઇકને કંઈક એક્ટિવિટી કરવા માટે પ્રેરણા આપતા રહો. એની સાથે બૂક્સ વાંચો, રમત રમો અથવા તો બીજી કોઇ ક્રિયાઓ કરો. આમ કરવાથી બધી એક્ટિવિટીઓમાં તે ભાગ લેતાં થશે અને તેનામાં સર્જનાત્મકતા પાંગરશે.

આર્ટીકલ ઉપયોગી લાગ્યો હોય તો થોડી ટીપ્સ બીજાને પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!