‘કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?’-વાંચો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનાની અજાણી વાતો

હાલની કે ગઇ પેઢીના કોઈ લગભગ લોકો એવા નહી હોય જેણે નરેશ કનોડિયાનું નામ ન સાંભળ્યું હોય. ગુજરાતી ફિલ્મના જગતના હાલ જીવિત એવા સૌથી લોકપ્રિય અભિનેતામાં અરવિંદ ત્રિવેદી અને નરેશ કનોડિયા શિરમોર છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નહી ગણાય. ૨૦ ઓગસ્ટના રોજ નરેશ કનોડિયાએ જીવનની ત્રીજી પચ્ચીસી પૂર્ણ કરી એ સમયે તેમના જીવનની અમુક વાતો ખાસ જાણવા જેવી છે.

કનોડા ગામે જન્મ –

નરેશ કનોડિયા એટલે ખ્યાતનામ ગુજરાતી ગાયક મહેશ કનોડિયાના નાના ભાઇ. અલબત્ત, તેઓ પોતે જ એટલી ઉત્કૃષ્ટ પ્રસિધ્ધી પામી ચુકેલ ફિલ્મ અભિનેતા છે કે, એનું નામ જાણવા માટે કોઇ રેફરન્સનો ઉપયોગ કરવો બિનજરૂરી છે. ગુજરાતના નાનકડાં કનોડા ગામમાં તેમનો જન્મ થયેલો. આવી રીતે ‘કનોડિયા’ સરનેમ તેમની પાછળ લાગતી આવે છે.

‘વેલીએ આવ્યાં ફૂલ’થી કરી શરૂઆત –

નરેશ કનોડિયાએ લગભગ ચાર દાયકા સુધી ગુજરાતી ફિલ્મજગતને સમૃધ્ધ કર્યું. ઉલ્લેખનીય છે કે, તેમની પ્રથમ ફિલ્મ ‘વેલીએ આવ્યાં ફૂલ’ હતી. બાદમાં તો જેમ-જેમ કારકિર્દી આગળ વધતી ગઈ એમ-એમ ફિલ્મો આપતા ગયા. અને આજે તેમના નામે લગભગ ૧૫૦ ફિલ્મોમાં મુખ્ય/સહાયક કલાકાર તરીકે અભિનય આપ્યો હોવાનો રેકોર્ડ બોલે છે.

પોતાની કારકિર્દી દરમિયાન નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતની પ્રસિધ્ધ અને પીઢ અભિનેત્રીઓ રોમા માણેક, સ્નેહ લત્તા અને અરૂણા ઇરાની સાથે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ આજે ગુજરાતી ફિલ્મજગતનો અભિનેતા છે અને હાલ ૨૦૧૭ની ગુજરાત વિભાનસભા ચૂંટણીમાં ભાજપાના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલ છે.

ખાસ વાત એ છે કે, નરેશ કનોડિયા ગુજરાતી ચલચિત્રના અભિનય સમ્રાટો જેવાં કે, ઉપનેદ્ર ત્રિવેદી, કિરણ કુમાર, રમેશ મહેતા , અસરાની, અરવિંદ ત્રિવેદી સાથે કામ કરી ચુક્યાં છે. ગુજરાતી ફિલ્મોની નવી-જૂની પેઢીની સાથે તે એક પ્રકારે તંતુ જોડાણ સાંધે છે.

સૌના હ્રદયમાં હંમેશ : મહેશ-નરેશ –

નરેશ કનોડિયાએ માત્ર અભિનય જ નહી, મોટાભાઈ મહેશ કનોડિયા સાથે ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. મહેશકુમાર એન્ડ કંપનીમાં ‘જોની જુનિયર’ના હુલામણા નામે તેમણે કામ આપેલ. ગુજરાતી ચલચિત્રોના સંગીતક્ષેત્રે મહેશ-નરેશની જોડી બહુ વિખ્યાત બનેલી. સને ૨૦૧૧માં ‘સૌના હ્રદયમાં હંમેશ : મહેશ-નરેશ’ નામે તેમનું જીવનવૃતાંત પ્રગટ થયેલું.

રાજકિય ઇનિંગ પણ રમેલી –

 

ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાએ ગુજરાતી રાજકારણમાં રસ દાખવવા ઉપરાંત એ ક્ષેત્રે પગરવ પણ માંડેલા. ગુજરાતની કરજણ વિધાનસભામાંથી વિધાનસભ્ય પણ તેઓ રહી ચુકેલાં છે. હવે તેમનો પુત્ર પણ રાજકીય કારકિર્દી તરફ વળેલ છે. ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘ધનત્યા’માં નરેશ કનોડિયા દેખાયેલ. આજે તેઓ સ્ટેજ પ્રોગામ પણ આપે છે. તદ્દોપરાંત, એ પણ જાણવા યોગ્ય છે કે, નરેશ કનોડિયાની શરૂઆતી જીંદગી કષ્ટદાયી જ હતી!

ગુજરાતી ફિલ્મજગતના ‘રજનીકાંત’ને જન્મદિવસની શુભેચ્છાઓ!!

Leave a Reply

error: Content is protected !!