જ્યારે પોતાના જ પક્ષના સભ્યે નહેરુને ભરી સંસદમાં આપ્યો જડબાતોડ જવાબ -જાણો કોણ હતા એ વ્યક્તિ

ભારત-ચીન વચ્ચેના સબંધો હંમેશા ખટરાગથી ઉભરતા રહ્યાં છે. શાંતિ સમજૂતીઓ પણ એ આશ્વાસન નથી આપી શકતી કે હવે વિવાદો પર પૂર્ણવિરામ આવશે! અલબત્ત, આ કંઈ આજકાલ વાત નથી. ભારત ૧૯૪૭માં આઝાદ થયું અને ચીન ૧૯૪૯માં માઓ-ત્સે-તુંગ અને ચાઉ-એન-લાઇના નેતૃત્વ હેઠળ સામ્યવાદી બન્યું એ સાથે બંને દેશોએ લગભગ સમાન સમયગાળામાં અલગ-અલગ રાહો પર મુસાફરી ચાલુ કરી.

આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ચીન સાથે હંમેશા સારા સબંધો બનાવવા ઉત્સુક રહેતા, પણ કમનસીબે ચીને એમને છેવટ સુધી અંધારામાં રાખ્યાં અથવા કહો કે પંડિતજીએ જ થોડી ઢીલ મુકી; એનું કારણ કદાચ એ પણ હતું કે નહેરુ ભારત-ચીન વચ્ચે યુધ્ધ કદાપિ ઇચ્છતા નહોતા.

છતાં ચીને કોઈ વાતની ખોલ ન આપી. ના તો એણે મેકમેહન લાઇન(સરહદ રેખા) વિશે કોઇ સ્પષ્ટતા કરી, ના તો ભારતના સંબધોની કોઇ પરવા કરી અને તિબેટ હડપી લીધું કે ના તો સિકિયાંગથી તિબેટ સુધીનો માર્ગ ભારતના કબજાના અક્સાઈ ચીનમાંથી માર્ગ કરતાં ભારતને પૂછવાની જરૂર માની! ચીનની આ વધતી જતી અવળચંડાઈને પરીણામે સંસદમાં નહેરુ પર ખાસ્સો દબાવ વધતો જતો હતો. ચીનીઓના નેફા, લદ્દાખ પર થતાં વારંવારના ઝાંપટાથી દેશભરમાં નહેરુની નીતિની ટીકા થઈ રહી હતી. ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઇ અને નહેરુ વચ્ચે ૧૯૬૦માં લાગલગાટ મિટીંગો યોજાય પણ છેવટે એમનું પરીણામ શૂન્ય આવ્યું. ૨૦ ઓક્ટોબર, ૧૯૬૦ના દિવસે ચીને નેફા પર આક્રમણ કરીને યુધ્ધનો આરંભ કર્યો અને એકાદ મહિનામાં જ આજના દિલ્હી જેવડાં ૨૮ શહેર સમાય જાય એટલો વિસ્તાર કબજે કરી લીધો. ભારતની ફોજ પાસે ચાઇનીઝોને હરાવવા જેટલી ટેક્નોલોજી હતી નહી પરીણામે જાહેરજોગ ભારતની ભૂંડી રીતે હાર થઈ.

ભારતની હાર પાછળ ઘણા કારણો હતાં. નહેરુ શાંતિમાં માનનાર વ્યક્તિ હતા અને તેઓ છેવટ સુધી એવું ઇચ્છતા રહ્યાં કે, ભારત-ચીનના સબંધો મજબૂત બને પણ એ શક્ય ના બન્યું. આ થોડી પૂર્વભૂમિકા એક પ્રસંગ માટે જાણવાની હતી જે સંસદમાં બન્યો હતો.

એ વખતની વાત છે જ્યારે ચીનની હરકતોને લઈને લોકસભામાં નહેરુ ઘેરાયેલા રહેતા. સાંસદો સવાલ ઉઠાવી રહ્યાં હતા કે, પંડિતજી શા માટે ચીનના ગોરખધંધા સામે આટલું કાચું કાપે છે?! એક દિવસ નહેરુ આ સવાલોથી વધારે પડતા પરેશાન થઇ ઉઠ્યાં. થોડી ખિન્નતાથી તેમણે કહી દીધું,

“શું તમે લોકો આવી બેહુદી હરકત કરો છો? લદ્દાખ અને અક્સાઇ ચીનમાં તો ઘાસનું તણખલું પણ નથી ઉગતું, એના માટે શા માટે તમે લોકો આટલો હોબાળો કરી રહ્યાં છો?”

પંડિતજીનું આ વાક્ય સંસદમાં બેઠેલા એક વ્યક્તિથી સહન ના થયું. એણે ઉભા થઈને માથા પરની ટોપી ઉતારી, માથા પર એકેય વાળ નહોતો. પછી એ વ્યક્તિએ પ્રધાનમંત્રી નહેરુની સામે જોઇને કહ્યું,

“પંડિતજી! આ જુઓ. મારા માથા પર ટાલ છે, એકેય વાળ નથી. તો એનો મતલબ એવો થયો કે, કોઈની મિત્રતાને માટે મારે મારું માથું કાપી નાખવું જોઈએ???”

સવાલ જડબેસલાક હતો. આખી સંસદને હતપ્રભ કરી નાખે તેવો. આ એ યુગ હતો જ્યારે કોઇ વિરોધપક્ષી નેતા પણ નહેરુ સાથે આવી રીતે વાત કરતા સો વાર વિચાર કરે, એ પ્રભાવ હતો નહેરુયુગનો! અને સંસદમાં નહેરુની રીતસર બોલતી બંદ કરનાર આ વ્યક્તિ તો પાછો કોંગ્રેસી જ હતો!!

કોણ હતું એ?

એ હતા – મહાવીર ત્યાગી. ઉત્તરાખંડના દહેરાદુનથી ચૂંટાયેલા સંસદસભ્ય. ગુલામીકાળ વખતે અંગ્રેજ સેનામાં હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ સહન ના થયો અને એને ખુલ્લેઆમ ધુત્કારી કાઢ્યો. પરીણામે સૈન્યમાંથી હકાલપટ્ટી થઈ. પછી દેશ કાજે જીવન અર્પિત કર્યું. આઝાદ ભારતમાં કેન્દ્રીય રક્ષામંત્રી પણ રહ્યાં. પ્રધાનમંત્રીએ તિબેટ ચીનના કબજામાં હોવાની વાતને માન્યતા આપી એ પછી મહાવીર ત્યાગીએ રાજીનામું આપ્યું.

કોણ હતું એ?

એ હતા – મહાવીર ત્યાગી. ઉત્તરાખંડના દહેરાદુનથી ચૂંટાયેલા સંસદસભ્ય. ગુલામીકાળ વખતે અંગ્રેજ સેનામાં હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ સહન ના થયો અને એને ખુલ્લેઆમ ધુત્કારી કાઢ્યો. પરીણામે સૈન્યમાંથી હકાલપટ્ટી થઈ. પછી દેશ કાજે જીવન અર્પિત કર્યું. આઝાદ ભારતમાં કેન્દ્રીય રક્ષામંત્રી પણ રહ્યાં. પ્રધાનમંત્રીએ તિબેટ ચીનના કબજામાં હોવાની વાતને માન્યતા આપી એ પછી મહાવીર ત્યાગીએ રાજીનામું આપ્યું.

આ વાત આજે કરવાની એ જ જરૂર કે, આજે આવા લોકોની સંખ્યા કેટલી? પોતાના જ પક્ષના કુંભાસ્થળ સમાન પ્રધાનમંત્રીને સંસદ છોડવી પડે એવા શબ્દો કહેવા એ માટે કેટલી મોટી છાતીની જરૂર પડે? અને એ છાતી કોઈ દ્વેષીપણાથી કે પક્ષનું કે કોઈ વ્યક્તિનું નીચાજોણું કરાવવા માટેની હોઇ ના શકે, કદાપિ નહી. એ તો તો જ શક્ય બને જ્યારે અંદરથી લખલૂટ દેશપ્રેમ ઉભરાતો હોય..!! સલામ છે મહાવીર ત્યાગીને!

(નોંધ – આ પ્રસંગ કોઇ રાજકીય ઉદ્દેશ્યના લેશમાત્ર પ્રતિબીંબ વગર લખવામાં આવ્યો છે. માત્ર જાણકારી અર્થે!)

Leave a Reply

error: Content is protected !!