પ્રિય લાઈફ પાર્ટનર નો પત્ર -ક્લિક કરીને વાંચો ડૉ. નિમિત્ત ઓઝા દ્વારા લખાયેલ પત્ર

પ્રિય લાઈફ પાર્ટનર,
આ ગ્રંથિઓનો પ્રોબ્લેમ બહુ જુનો છે. પછી તે થાયરોડની હોય કે પ્રોસ્ટેટની. એકવાર તકલીફ શરૂ થાય પછી આજીવન દવાઓ લેવી પડે કાં તો ઓપરેશન કરવું પડે. પણ એક ગ્રંથિ એવી છે જેની તકલીફ દૂર કરવા માટે દવા કે ઓપરેશનની જરૂર નથી. એ છે લગ્નગ્રંથિ.

વાત એમ છે કે કમનસીબે કોઈપણ વ્યક્તિ ડીપાર્ટમેન્ટલ સ્ટોર કે શોપિંગ મોલ જેવી નથી હોતી, જ્યાં જોઈએ એ બધું જ મળી જાય. જીવન જરૂરીયાતની વસ્તુઓ કદાચ એક સ્થળેથી મળી જાય એવું બને પણ જીવન જરૂરીયાતની લાગણીઓ એક જ જગ્યાએ મળવી મુશ્કેલ છે.

લગ્નેત્તર સંબંધો આપણને આડા એટલા માટે લાગે છે કારણકે આપણે કાયમ તેને સૂતા સૂતા જ જોયા છે. એને માટે સંબંધો બદલવાની જરૂર નથી, આપણી પોઝીશન બદલવાની જરૂર છે. લગ્નેત્તર સંબંધો એ કોઈ વૃદ્ધ બીમાર લાચાર દર્દી નથી જે કાયમ પથારીવશ જ હોય અને પથારીની બહાર નીકળી જ ન શકે. આ એવા સંબંધો છે જે છેડાછેડીની ગાંઠને ખોલવા કે તોડવાને બદલે, એ ગાંઠને ફક્ત ઢીલી કરે છે જેથી કરીને બંને વ્યક્તિઓ પોત-પોતાના આકાશમાં ઉડાન ભરી શકે.

દાંતના ડોક્ટર પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય કે આવેલા હ્રદયરોગના હુમલાની સારવાર પણ એ જ કરે. હું બહુ નબળો એક્ટર છું. એકસાથે કદાચ એક જ રોલ કરી શકીશ. અલગ અલગ કેરેક્ટર્સમાં ઘૂસવાનું મને નહિ ફાવે. હું કદાચ ફક્ત તારો પતિ જ થઈ શકું. જવાબદારીઓ પૂરી કરવામાં અને બાળકો ઉછેરવામાં કદાચ હું તારો મિત્ર, પ્રેમી, ગાઈડ, મોટીવેટર કે આદર્શ નહિ બની શકું. મારી પાસેથી એ બધી અપેક્ષાઓ રાખીને હતાશ થવાની જરૂર નથી. અપેક્ષાઓના ભાર નીચે કચડાયેલા લગ્નજીવન કરતા તારા લગ્નેત્તર સંબંધોથી હળવું અને મોકળું થયેલું આપણું જોડાણ વધારે લાંબુ ચાલશે.

લગ્નની એનાથી વધારે સારી કઈ અવસ્થા હોઈ શકે કે જેમાં આપણે બંને સાથે રહેતા હોઈએ અને તારી દરેક લાગણીઓ અને દરેક ઈચ્છાઓ પૂરી કરવાની જવાબદારી મારા એકલાની ન હોય. આ દુનિયા બહુ મોટી છે. ડગલે ને પગલે તને મારા કરતા વધારે ઈન્ટરેસ્ટીંગ અને ટેલેન્ટેડ લોકો મળશે. મારો હાથ પકડેલો હોવાનો એ અર્થ બિલકુલ નથી કે તારા જીવતરમાં આવતી ખુશીઓને તું હાથ ફેલાવીને આવકારી ન શકે.

એકસાથે એક છત નીચે રહેવા માટે એક સરખું જીવવું જરૂરી નથી. આપણો લગ્ન સંબંધ ગૂંચવાય ત્યાં સુધી વાંધો નથી, ગૂંગળાવો ન જોઈએ.
એકબીજાના પડછાયાની અપેક્ષાઓ છોડીને થોડું અંગત અંગત જીવીએ. લગ્નના ફેરા ફરતી વખતે વાત તને ખુશ રાખવાની થયેલી. એ ખુશી જો મારી ગેરહાજરીમાં તને બીજા કોઈની સંગતથી મળતી હોય, તો પણ મેં એ વચન પૂરું કર્યું ગણાશે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Leave a Reply

error: Content is protected !!