શિવભકતો એ વાંચવા જેવી અમુક વાતો – જાણી લો શિવભક્તિ દરમિયાન શું ધ્યાન રાખવુ

પવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે વધુ નહિ તો સોમવારે તો ભાવિકો શિવજીની પૂજા-અર્ચનામાં ઘણી ચોક્કસાઈ રાખે છે. વિવિધ પુષ્પો, જળ અને ગુગળધૂપ દ્વારા ભગવાન શિવની પૂજા કરે છે. ઉત્સાહના અતિરેકમાં લોકો અમુક વાતો ભૂલી જાય છે. શિવની પૂજા સમયે અમુક વસ્તુઓ ભૂલથી પણ શિવજીને અર્પણ ન કરવી જોઈએ એ વાતો વિસરી જાય છે. આજે જાણવાની છે આ જ સંદર્ભમાં થોડી વિગતો.

આગળ પણ અમે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા સંદર્ભે અમુક લેખો અમારી વેબસાઇટ પર મુકેલા છે. અહીં પણ આ લેખ દ્વારા શિવપૂજામાં જાગૃતિ લાવવાનો અમારો પ્રયાસ છે. વાત જાણે એમ છે કે, શિવજીને કંકુ, હળદર, શંખ, નારીયેળનું પાણી કે તુલસીપત્રથી કદી ના પૂજવા જોઈએ. શા માટે ? તો અહીં એ પ્રશ્નોના જવાબ આપ્યાં જ છે. વાંચી લો :

શા માટે કંકુનો ઉપયોગ ના કરવો? –

વાત જાણે એમ છે કે, આપણે લગભગ બધાં જ દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હળદર/કંકુનો ઉપયોગ કરતાં હોઈએ છે. માટે આદત પ્રમાણે શિવજીની પૂજા સમયે પણ કંકુ-હળદરનો ઉપયોગ કરીએ છીએ. પણ ખરેખર આ સર્વથા વર્જ્ય છે. કહેવા પ્રમાણે કંકુ-હળદર એ સ્ત્રીત્ત્વનું પ્રતિક છે. માટે દેવીઓની પૂજા સમયે ચોક્કસપણે તે વપરાય પણ શિવજી માટે નહીં. કારણ કે, શિવલીંગ એ વૈરાગ્યનું અને શિવના અનન્ય પૌરુષત્ત્વનું પ્રતિક છે. શિવજી વૈરાગ્યભાવી હોઈ આ તત્ત્વોથી દૂર રહે છે. માટે કંકુ-હળદરનો ઉપયોગ ટાળવો જોઈએ.

કેવડાનું ફૂલ શિવજીને અપ્રિય કેમ? –

વાત ફૂલોની આવે તો, મોટેભાગે કનેર અને કમળ જેવાં અમુક ફૂલોને બાદ કરતાં બીજાં લાલ ફુલો શિવજીને ચડાવવા ન જોઈએ. એ પછી કેતકી કે કેવડા જેવા કોઈ ફૂલનો ઉપયોગ ના કરવો જોઈએ. જો કે, આપને ખ્યાલ હશે તેમ કેવડાનું ફૂલ માત્ર એક દિવસ શિવને ચઢે છે અને તે દિવસ એટલે – કેવડા ત્રીજ. એક કથા પ્રમાણે બ્રહ્મા-વિષ્ણુના ઝઘડામાં કેવડાએ ખોટો સાક્ષીભાવ પૂરાવ્યો હતો તે દિવસથી શિવજીએ કેવડાનો ત્યાગ કરેલો.

શંખનો પણ ઉપયોગ ના કરવો ? –

જવાબ છે – ના કરવો! શંખ આમ તો સર્વદા માંગલ્યમય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું તો એ અતિપ્રિય પ્રતિક પણ છે. દેવમંદિરની આરતીઓની પણ શરૂઆત શંખનાદથી જ થાય છે. તો સવાલ એ કે શિવને શંખ અપ્રિય કેમ? વાસ્તવમાં, અપ્રિય જેવી વાત નથી પણ ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કરેલો જે શંખાકાર હતો. આથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ત્યજવાનું કહેવામાં આવે છે. જો કે, આરતી વખતે ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.

તુલસીના પાંદડાંનો ઉપયોગ ટાળો –

કહેવાય છે કે, તુલસી એ રાક્ષસોના રાજવી સમ્રાટ જલંઘરની પત્ની હતી. તેનું મૂળ નામ તો ‘વૃંદા’ હતું. પણ કોઈ શાપથી તે ધરતી પર તુલસી બનીને અવતરેલ. શિવજીએ જલંઘરનો નાશ કરેલો. આથી શિવપૂજામાં તુલસીનો ઉપયોગ ટાળવાની વાત કરવામાં આવેલ છે.

નારીયેળનું પાણી –

શિવપૂજામાં નારીયેળ પાણીનો ઉપયોગ ના કરવાનું સૂચવવામાં આવેલ છે. કહેવા પ્રમાણે, નારીયેળ માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આણે છે. શિવજીને જો નારીયેળ જળ ચડાવવામાં આવે તો એનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. અને પ્રસાદનો અનાદર કરવો કદાપિ ઇચ્છીત નથી. આથી બહેતર છે કે, નારીયેળ પાણીને ઉપયોગમાં જ ના લેવું..!

મિત્રો, આવી જ અવનવી જાણકારીઓ અમે આ વેબસાઇટના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહેવાના છીએ. આપ નિયમિત વેબસાઇટની મુલાકાત લેતા રહેજો અને પોસ્ટ ગમે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. જાણો એવું જે છે અજાણ્યું! મહાદેવ સૌનું ભલું કરે! ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!