મેટ્રીમોનિયલ સાઇટ્સ પર આ રીતે ઓળખો ફેક પ્રોફાઈલ – નહિ તો જીવનભર પસ્તાવો થશે

જો તમે પણ ઓનલાઈન લગ્ન સંબંધ કરાવી આપતી વેબ સાઇટ્સ પર રજિસ્ટર છો તો ચેતી જજો, કેમ કે ઓનલાઈન ડેટિંગ કે મેટ્રીમોનિયલ સાઇટ્સમાં આપેલ બધી માહિતી જરૂરી નથી કે તે સાચી જ હોય, એવામાં તમે કોઇ ષડયંત્રનો શિકાર બની શકો છો. આવી મેટ્રીમોનિયલ સાઇટ્સમાં એમ તો ઘણા લોકોને જીવનસાથી મળી જતા હોય છે. પરંતુ કેટલાક એવા પણ કિસ્સા બને છે જેમાં છેતરપીંડી થાય છે. છેતરપીંડીની દાનત ધરાવતા શખ્સો પોતાની ખોટી માહિતી દર્શાવે છે. આવો જ એક કિસ્સો નવી મુંબઇનાં એક રહેણાંકી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવતી જીવન સાથીની શોધમાં વિશ્વાસઘાતનો ભોગ બની છે. જેમાં એક વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ ઉભી કરીને તેણીને પોતાના ષડયંત્રનો શિકાર બનાવી અને લાખો રૂપિયાના દાગીના લૂંટીને ફરાર થઇ ગયો હતો. યુવતીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા એ વ્યક્તિની ધરપકડ થઈ હતી.

ડેટિંગ અને મેટ્રીમોનિયલ સાઇટ્સમાં ઘણા લોકો નકલી એકાઉન્ટ બનાવીને બેઠા છે. એવામાં જાણકારી મેળવવી મુશ્કેલ છે કે કયો પ્રોફાઈલ સાચો છે અને કયો ખોટો. એટલે જો આપણે થોડી સાવચેતીઓ સાખીએ તો આવી છેતરપીંડીથી બચી શકીએ. આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આવી વેબસાઈટ પર કેવા પ્રકારની સાવધાની રાખવી અને કઈ રીતે નકલી પ્રોફાઈલ ઓળખવા. જેથી ફ્રોડથી બચી શકાય.

બેકગ્રાઉન્ડ ચેક કરો :


જે રીતે કોઈપણ પુસ્તકને તેના કવર પેઈજ ઉપરથી જજ કરી શકાતું નથી. તેવી જ રીતે, કોઈ પણ વ્યક્તિની પ્રોફાઇલ જોઈને તેને જજ ન કરો. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી હંમેશાં સાચી નથી હોતી, તે વ્યક્તિ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શોધવાનો પ્રયાસ કરો. કોમન કનેક્શન મળ્યા પછી, તે વ્યક્તિ વિશે પૂછપરછ ચોક્કસ કરો.

સાર્વજનિક સ્થળે મીટિંગ ગોઠવવી :


બેકગ્રાઉન્ડ જાણ્યા પછી, જો તમને લાગે કે તે વ્યક્તિનો પ્રોફાઇલ સાચો છે, તો હવે મુલાકાતનો સમય છે. મીટિંગમાં પણ સાવચેત રહો. મિટિંગ માટે હંમેશા સાર્વજનિક સ્થળની પસંદગી કરવી જોઈએ. કારણ કે વ્યક્તિનાં સ્વભાવ વિશે હજૂ તમે બરાબર જાણતા નથી.

પહેલી મુલાકાતમાં સાવચેતી :

જરૂરી નથી કે તમે જે વ્યક્તિને મળો છો તેની સાથે જ લગ્ન કરો. તે પણ જરૂરી નથી કે તમે પહેલી મીટિંગમાં તમારા જીવનની બધી અંગત વાતો તેમની સાથે શેર કરો. જો તે તમારા અંગત જીવન વિશે વધુ પ્રશ્નો પૂછે અથવા વધુ જાણવા માટે દબાણ કરવાનો પ્રયત્ન કરે, તો થોડા સાવચેત થઈ જાવ. જો તમને પહેલી મીટિંગમાં મળવા માટે ઘરે બોલાવમાં આવે, તો ઘસીને ના પાડી દો.

પૈસાની મદદ માંગવી :

અમુક મેટ્રિમોનિયલ સાઇટ્સ સલામત નથી. આ સાઇટ્સ દ્વારા લોકો ઘણીવાર છેતરપીંડી કરે છે. ઘણા લોકો બીજાઓને ફસાવીને તેમને મૂર્ખ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. જો કોઈ પહેલી મીટિંગમાં જ આર્થિક મદદ માંગવાનું શરૂ કરે, તો સમજવું કે કંઈક ગડબડ છે. આ જાળમાં ફસાવવું નહીં અને સમજદારીથી કામ લેવું.

બનાવટી આકર્ષણથી દુર રહેવું :


ટીવી અને નેટ પર આવતી લગ્નની લોભામણી જાહેરાત અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર મુકવામાં આવેલ સુંદર ફોટાઓથી સાવચેત રહેવું. જે દેખાય એ બધું સોનુ નથી હોતું. લગ્ન નોંધણી માટેની નકલી અને ખોટી લિંક પર ક્યારેય રજીસ્ટર ન કરવું. જેમાં તમારા પૈસાની સાથોસાથ અંગત માહિતી લીક થવાનો ભય રહે છે.

“અમારો ધ્યેય ફક્ત બતાવવાનો નથી બચાવવાનો છે.”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સાવચેતી અને સભાનતા ભરી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!