કેવો સીન સર્જાયો જયારે બાપે દીકરીને ઓન ડ્યુટી સલામ મારી ? – ક્લિક કરી વાંચો

સંતાનને મા-બાપ પેટે પાટા બાંધીને ભણાવે છે – શા માટે? અમુક પેરેન્ટ્સ કાળી મજૂરી કરીને પણ પોતાના દિકરા-દિકરીને દૂધ-ઘીના વાટકા ભરીને ખવડાવે છે – શા માટે? શા માટે માતા-પિતા પોતે ફના થઇ જાય છે સંતાન ઉછેર પાછળ? એક વાત તો સાફ છે કે, એ તો કુદરતી રીતે એનો સંતાન પ્રત્યેનો સ્નેહ છે. વાત સાચી છે – આ પ્રેમ છે.

આ સિવાય પણ બીજું કારણ છે – માવતરની મહેચ્છા! મા-બાપ ઇચ્છતાં હોય છે કે, પોતાનું સંતાન ભણીગણીને આગળ વધે અને એટલું આગળ વધે કે, પોતાનાથી પણ સવાયું સાબિત થાય! દુનિયામાં નામ રોશન કરે તો એને શેર ‘પોરહ’ ચડે! પોતાની જે શાખ છે એને વટાવીને-વધારીને પોતાની શાખ જમાવે એ જ તો હોય છે મા-બાપની ઇચ્છા. આ ઇચ્છા પુરી કરવી સંતાનોની ફરજ બને છે.

હમણાં એવું જ એક ઉદાહરણ જોવા મળ્યું તેલંગાણામાં. એક દિકરી (હાં, દિકરી માવતરના સપનાંને દિકરા કરતાં વધુ સારી રીતે સમજતી હોય છે!)એ પોતાના બાપની છાતી ગજ-ગજ ફૂલાવી નાખી. પોતાના બાપ કરતાં પણ સવાયા હોદ્દા પર બેસીને એક કિર્તીમાન સ્થાપી દીધો. લોકોની વાહવાહીની સીમા ન રહી.

વાત જાણે એમ બની કે, તેલંગાણામાં થોડા વખત પહેલાં તેલંગાણા રાષ્ટ્ર સમિતીની એક વિશાળ રેલીનું આયોજન થયેલું. જનસંખ્યાને જોતાં ઘણી પોલીસ પણ અહીઁ ખડકાયેલી હતી. અનેક પોલીસ ઓફિસરોની ડ્યૂટી તૈનાત હતી. એમાં એક ત્રણ દાયકાથી ફરજ બજાવી રહેલા ડીસીપી પણ હતા – એ.આર.ઉમામહેશ્વર. આટલું તો જાણે ઠીક પણ આગળની ઘટના લોકો માટે પ્રેરક બની રહેનારી હતી.

રેલીમાં ઉમામહેશ્વરની દિકરી આઇપીએસ સિંધૂ શર્મા પણ મોજૂદ હતી. થોડી વાર પછી ઉમામહેશ્વર અને દિકરી સિંધૂ શર્મા સામસામે આવ્યાં. જેવા તેઓ આમને-સામને થયાં એટલે ડીસીપી ઉમામહેશ્વરે એનાથી ઉપરી અધિકારી દિકરી સિંધૂ શર્માને સેલ્યૂટ મારી! નજારો જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ ઘડીભર જોતાં રહી ગયાં. અદ્ભુત દ્રશ્ય જેવો શબ્દ આને માટે તો વાપરી જ શકાયને !

ઉમામહેશ્વર ત્રીસ વર્ષથી પોલીસમાં તૈનાત છે જ્યારે સિંધૂ શર્માનું ચાર વર્ષ પહેલાં આઇપીએસમાં સિલેક્શન થયું છે. તેલંગાણાના જગતિયાલ જીલ્લામાં તે એસપીના પદ પર તૈનાત છે. જ્યારે હવે હૈદરાબાદના રાશાકોંડા કમિશ્નરીના મલકાનગિરીના ડીસીપી ઉમામહેશ્વર હવે આવતાં વર્ષમાં નિવૃત થવાના છે.

આવા બાપની પ્રતિક્રિયા શું હોય? છાતી ફાટ-ફાટ ન થાય તો જ નવાઇ! પોતાની દિકરીએ આપબળે સપનાંઓ સિધ્ધ કર્યાં અને પોતે તેની અન્ડરમાં છે એ ખ્યાલ જ કેટલો અભિભૂત કરી દેનારો હોય? ઉમામહેશ્વર કહે છે કે, આ પહેલો એવો મોકો છે જ્યારે અમે બંને આમને-સામને આવ્યાં છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે, મને મારી દિકરીની નીચે કામ કરવાનો મોકો મળ્યો. હું જ્યારે પણ મારી દિકરીને જોઉ છું, સેલ્યૂટ ઠોકું છું. મને આનંદ છે, ગર્વ છે કે – મારી દિકરી મારી વરિષ્ઠ અધિકારી છે. અમે ઘરે હોઈએ ત્યારે બાપ-દિકરીની જેમ જ રહેતાં હોઇએ છે. મહિલા સુરક્ષાની જવાબદારી સંભાળનાર સિંધૂ પણ કહે છે કે, હું ખુશનસીબ છું કે, અમને સાથે કામ કરવાનો મોકો મળ્યો.

છે ને પ્રેરક વાત! આવી જ વાતો જાણવા માટે મુલાકાત લેતાં રહો અમારા પેજની. અને હાં, આ વાત ગમી હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!