શું તમે રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડ વિશે જાણો છો? જાણો કંઈક નવું

જો ક્યારેક તમે 26મી જાન્યુઆરીની પરેડ જોઈ હશે તો તમે એમાં ઘોડા ઉપર બેઠેલા કેટલાક સિપાહીને જોયા હશે. હકીકતમાં તેઓ કોઈ સામાન્ય સિપાહી નથી હોતા, તેઓ રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડ (અંગરક્ષક) હોય છે. એમના સાથે સંકળાયેલ કેટલીક એવી વાતો છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તમે પણ એમના વિશે ઘણું બધું જાણવા માંગતા હશો, પણ તમને એનો જવાબ નહીં મળ્યો હોય. અત્યાર સુધી તમને પણ આ સવાલોના જવાબ ન મળ્યા હોય તો આજે અમે તમને રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડ વિશે બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના બોડીગાર્ડને પ્રેસિડેન્ટ બોડીગાર્ડ અથવા PBG કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ લગભગ 250 વર્ષથી કાર્યરત છે. વર્ષ 1773માં વોરેન હેસ્ટિંગ્સને ભારતનો વાઇસરોય બનાવવામાં આવ્યો, તે સમયે એની સુરક્ષા માટે આ ટુકડીની રચના કરવામાં આવી હતી. તે સમયે વોરેન હેસ્ટિંગ્સે સૌથી ઊંચા, ખડતલ અને મજબૂત એવા 50 સૈનિકોની ટુકડી બનાવી હતી. 1947 માં આઝાદી પછી, આપણા દેશમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા, પરંતુ વર્ષ 1773 માં બનેલ સુરક્ષા ટોળકી આજે પણ કાર્યરત છે. પહેલા વાઇસરોયની સુરક્ષાનું કામ કરનાર અંગરક્ષક હવે રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડ તરીકે કામ કરે છે.

રાષ્ટ્રપતિના બોડીગાર્ડ્સનો ઇતિહાસ ઘણો લાંબો છે. તેમાં વિવિધ સૈનિક દળના સૈનિકોની ભરતી કરવામાં આવે છે. હાલમાં, આ ટુકડીમાં જે સૈનિકો છે, એ તમામને ખાસ તાલીમ આપવામાં આવી છે. તેઓ દરેક ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. તેમની સૌથી મહત્ત્વની બાબત છે, તેમના ઘોડા. તમને જણાવી દઈએ કે આ ખાસ પ્રકારનાં જર્મનીના ઘોડાઓને લાંબા વાળ રાખવાની છૂટ છે. જ્યારે સેનામાં અન્ય ઘોડાઓ જે હોય છે, એના વાળ સમય-સમય પર કાપી નાખવામાં આવે છે. 500 કિ.ગ્રા. વજનવાળા આ ઘોડાઓ લગભગ 50 કિ.મી. પ્રતિ કલાક દોડે છે. બોડીગર્ડ્સનાં દિવસની શરૂઆત આ ઘોડાઓ સાથે જ થાય છે.

કવાયત અને જુદા-જુદા દાવ-પેચ કરીને સૈનિકો ઘોડાની શક્તિ અજમાવે છે. આ સૈનિકો ઘોડાઓ સાથે એટલા બધા કુશળ હોય છે કે તેઓ ઘોડાની લગામ પકડ્યા વગર પ્રતિ કલાક 50 કિ.મી. ની ઝડપે સહેલાઈથી ઘોડા-સવારી કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવનાર દરેક વિશેષ વ્યક્તિનાં સ્વાગત માટે પણ તેઓ હંમેશા તૈયાર રહે છે. તેમના માટે એ દિવસ સૌથી વધુ ખાસ હોય છે, જે દિવસે રાષ્ટ્રપતિ તેમને ધ્વજ સોંપે છે. 1923 માં બ્રિટીશ વાઇસરોયે પોતાના બોડીગાર્ડ્સને બે ચાંદીના ટ્રમ્પેટ અને બેનર આપ્યા હતાં. ત્યારથી આ પ્રથા ચાલુ છે. સ્વતંત્ર ભારતમાં પણ દરેક નવા રાષ્ટ્રપતિ બોડીગર્ડ્સની ટુકડીનાં વડાને ટ્રમ્પેટ અને બેનર આપે છે. આ સમારોહ પણ ખૂબ જ ભવ્ય હોય છે. આ કાર્યક્રમ દરમિયાન દરેક સૈનિક પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે.

કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આ ટુકડીમાં કેટલાક એવા સભ્યો પણ છે, જેની ત્રણ-ત્રણ પેઢી આમાં કાર્ય કરી ચુકી છે. ઘણા લોકો તો દેશના ઘણા રાષ્ટ્રપતિને પોતાની સેવા આપી ચુક્યા છે. આ ટુકડી રાષ્ટ્રપતિ ભવનમાં હંમેશાં ખડેપગે રહે છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન લગભગ 2 લાખ ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. તે વિશ્વની સૌથી સુંદર સત્તાવાર ઈમારતોમાંની એક છે. રાષ્ટ્રપતિના અંગરક્ષક બનવા માટે લોકો ઉત્સુક રહે છે. આમાં જોડાવા માટે 6 ફુટ લંબાઈ હોવી ફરજિયાત છે. આ ટુકડીનો ડ્રેસ પણ ખૂબ જ શાનદાર છે. આ જવાનોને ગમે ત્યાં તૈનાત કરી શકાય છે. બોડીગાર્ડ બનવા માટે કોઈપણ નવા સૈનિકને બે વર્ષ સુધી સખત તાલીમ લેવી પડે છે. ત્યારબાદ તે પોતાની તલવારનું કરતબ બતાવે છે, પછી એના ઉપરી અધિકારી એને બોડીગાર્ડમાં ભરતી કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!