આવી સરળ રીત સાથે પાપડ બનાવવાનો તમારો પોતાનો વ્યવસાય ચાલુ કરો – રોકાણ ફક્ત આટલુ જ

વર્તમાન સમયમાં મોંઘવારી વધવાની સાથે લોકોનું જીવનધોરણ પણ બહેતરકક્ષાનું બન્યું છે. સ્વાભાવિક છે કે, જીવનધોરણમાં સરળતા લાવવા યોગ્ય મકાનથી માંડીને અનેક નાની-મોટી વસ્તુઓની આવશ્યકતા રહે છે. એ માટે ખર્ચો પણ કરવો પડે છે. બની શકે કે, સામાન્ય સ્થિતી ધરાવતા પરીવારોમાં એકમાત્ર પુરુષ દ્વારા થતી કમાણી પુરતી ના પણ બને. આથી સ્ત્રીઓ પણ કંઈકને કંઈક કામ શોધતી ફરે છે. ગૃહઉદ્યોગ/કુટીરઉદ્યોગ એની મુખ્ય પસંદગી હોવાની.

પાપડ બનાવવાનો ગૃહઉદ્યોગ સ્થાપવાથી આજના સમયમાં નાને પાયે, સૌથી સરળ રીતે અને સારી એવી કમાણી થઈ શકે એમ છે. પાપડ આજે લગભગ સર્વસામાન્ય વાનગી થઈ ગઈ છે. સુપાચ્ય અને સુરુચિકર પાપડ સદાને માટે લોકોને પ્રિય હોય છે. મહિલાઓ માટે પાપડ બનાવવાનો ધંધો બીજાં અનેક વિકલ્પો કરતા બહુધા અસરકારક સાબિત થશે. આમ તો આ એક પરંપરાગત વ્યવસાય છે જે ઘણાં વર્ષોથી આપણી માતાઓ-બહેનો કરતી જ આવી છે. આજે અમે પાપડ ઉદ્યોગને લગતી જ માહિતી આપવા જઈ રહ્યાં છીએ. પાપડ બનાવવાને લગતા મશીનથી માંડીને પ્રક્રિયાને લગતી સામગ્રી સહિતની ઘણી ઉપયોગી વાતો તમે અહીં ટૂંકમાં જાણી શકશો અને પછી ઈચ્છો તો ધંધો શરૂ પણ કરી જ શકશો, લ્યા! વાંચો ત્યારે :

ખાવામાં નમકયુક્ત અને સ્વાદિષ્ટ (કાઠિયાવાડીમાં બોલે તો – ‘ફરહો’!) લાગનાર પાપડ સ્નેફ ફૂડ છે. એકદમ આછી રોટલી ટાઇપના પાપડ મુખ્યત્ત્વે ગુજરાતી થાળીઓમાં સ્થાન ધરાવે છે. પાપડની એક ખાસિયત એ પણ છે કે, રખે થાળીમાં જગ્યા ન હોય તો પણ પાપડ થાળીમાં રહી જ શકે. થાળીમાં ગમે ત્યાં મુકી દો, એ કોઈ વાનગીના સ્વાદને નુકસાન પહોંચાડવા એમાં ભળી જવાની કોશિશ નહીં કરે! આપણા પારસી બંધુઓ ભારતમાં આવ્યાં ત્યારે રાજાને આમ જ કહેલું ને કે, દૂધના ગ્લાસમાં જેમ ખાંડ મિશ્ર થશે એમ અમે ભારતમાં ભળી જશું! બસ, પાપડનું પણ એવું જ છે! ખેર, આ તો થઈ આડવાત. ઘણાં પ્રકારના પાપડમાં પ્લેન(સપાટ) પાપડ અને ફ્રાઇ પાપડને વધારે પસંદ કરવામાં આવે છે.

ઉપરછલ્લો પાપડ-પરિચય વાંચ્યાં બાદ હવે વાંચી લ્યો ધંધાધારી વાત.( લ્યા, તમે ગુજરાતીઓ ધંધાની વાતમાં ઘડીકેય વહેલા-મોડી ના ચલાવો! થોડીક બીજી જાણકારી પણ વાંચી લેવાય! )

પાપડ બનાવવાની મશીન –

પહેલાં વણીને પાપડ બનતા. હવે આધુનિકતા આવી ચુકી છે એટલે પાપડમાં પણ હાથ ખરાબ કરવાની જરૂર નથી. પાપડ મેકીંગ મશીન દ્વારા પાપડ બનાવી શકાય છે. સામાન્ય રીતે, ઘરે અને ઘરનાં માટે પાપડ તૈયાર કરવા હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરો એ જ બહેતર છે. પણ જો તમે પાપડ બનાવવાનું કામ મોટા સ્તર પર/ગૃહઉદ્યોગ સ્વરૂપે કરવા માંગો છો તો તમારે પ્રમાણમાં મોટી મશીન લેવી પડશે.

અહીં જાણી લો પાપડ બનાવવાની મશીન માટે જરૂરી ઉપકરણોની યાદી :

– ગ્રાઇન્ડીઁગ મશીન

– મિક્સીંગ મશીન

– ઇલેક્ટ્રીક પાપડ પ્રેસ મશીન (આ સાધનની મદદથી તમે પાપડને આકાર આપી શકશો – ગોળ, ચપટો ઈત્યાદિ.)

– સીવ સેટ (જારીઓનો સેટ)

– ડ્રાઇ મશીન (પાપડ સુકવવાનું યંત્ર; ખરચો ના કરવો હોય તડકો ટેક્સરહીત છે!)

– પાણી ભરવાની ટાંકી

– પેકીંગ કરવાનું મશીન

પાપડ પાડવાની પધ્ધતિ –

આમ તો પાપડ ઘણી ખાદ્યચીજોમાંથી બનાવી શકાય છે, પણ સામાન્ય રીતે બહુધા દેખા દેતા પાપડ અડદના હોય છે – અડદની દાળમાંથી બનેલા. તો આપણે પણ એમાંથી બનતા પાપડ વિશે જ વાત કરીશું :

રાત્રે અડદની ફોતરી સહિતની દાળને પાણીમાં પલાળવા મુકી દો. સવાર થશે એટલે નરમ પડેલી દાળમાંથી ફોતરી ઉતરી જશે. હવે એને સુકવી નાખો. સુકવ્યાં બાદ દાળને ચક્કી/ગ્રાઇન્ડીઁગ મશીન દ્વારા પીસી નાખો. તૈયાર થયો અડદની દાળનો લોટ. મિક્સીંગ મશીન વાટે એમાં કાળાં મરચાં, નમક ઈત્યાદિ વસ્તુનો ઉમેરો કરી દો. હવે ઇલેક્ટ્રીક પ્રેસ મશીનમાં આ મિશ્રણને જવા દ્યો. લોટ પાપડમાં બદલાય ગયાં બાદ હવે તેને સુકવી નાખો. (મશીન હોય તો ઠીક બાકી તડકે!) બસ, ત્યારબાદ પાઉઁચ સીલિંગ મશીન વાટે થેલીમાં ભરીને પેક કરી નાખો. બાંધો તૈયાર!

ખાસ એવી બહેનો કે જેઓ કોઈ જોબ કરતી નથી અથવા તો જેમને કોઈ આડોધંધો કરવો છે તેમને માટે આ દિશામાં ઘણી પ્રગતિ રહેલી છે. શરૂઆત ધીરેથી, નાને પાયે કરો. થોડાં અલગ એવા પ્રયોગ પણ કરતા રહો. તમારી રીતે કંઈક મિશ્રણમાં ઉમેરતાં રહી સ્વાદને પણ થોડો અલગ બનાવો. ચોક્કસથી તમને સફળતા મળશે જ. લોકોને તમે તમારું બેસ્ટ આપશો તો ચોક્કસથી એમને એ પસંદ પડવાનું અને પડવાનું તો એ બીજી વાર પણ તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કરવાના જ! (હાં, આજે માર્કેટમાં નાનાથી માંડીને મોટાં સુધી ઘણાં પાપડ મેકિંગ મશીન ઉપલબ્ધ છે, જેની જાણકારી તમને ઇન્ટરનેટ પર થોડી શોધખોળ કરવાથી મળી રહેશે.)

ટૂંકમાં, અહીં પ્રગતિ સીધી છે; જરૂર છે માત્ર કંઈક કરવાની! ‘કંઈક જ ના કરવા કરતાં કંઈક કરવું સારું’ એ વાક્ય તો આજે બહુધા પ્રચલિત છે, સાચું પણ છે. બસ, ત્યારે વધો આગળ! આમને આમ જીવવા કરતા બહેતર છે કંઈક કરીને જીવીએ.

પોસ્ટ જાણકારીસભર લાગી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો. જેઓ ખરેખર કંઈક ક્રિએટીવ કરીને, ધંધો કરીને પોતાનું ને પરિવારનું હિત ઇચ્છે છે એવા જરૂરિયાતમંદ લોકોને પણ આ પોસ્ટ શેર કરજો. કોઈ પગભર થતું હોય તો એના જેવું પુણ્ય બીજું એકેય નથી, લ્યા!

Leave a Reply

error: Content is protected !!