બલોચી મુસલમાન કરે છે હિંગળાજ માતાની પૂજા, મંદિરને બચાવવા માટે ઘણી કુરબાની આપી છે

વર્ષોથી પાકિસ્તાની હૂકુમત બલૂચિસ્તાનમાં રહેનાર લોકો પર જુલ્મ કરતી આવી છે. કુદરતનો ખજાનો ગણાતા બલુચિસ્તાનને પાકિસ્તાને ખૂબ લૂંટયું અને સાથે ત્યાંના લોકો પર ત્રાસ ગુજાર્યો. પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં બલુચિસ્તાન પર ખૂબ અત્યાચાર થયા. પરંતુ હવે બલુચિસ્તાનનાં નેતાઓ માટે એક નવી આશા જન્મી છે, ભારતની નરેન્દ્ર મોદી સરકારે એમની મદદ માટે આશ્વાસન આપ્યું છે અને એટલું જ નહીં, ભારતના પ્રધાનમંત્રી મોદીજીએ તો લાલ કિલ્લા પર આપેલા પોતાના ભાષણમાં પણ ત્યાંના લોકોને અભિનંદન આપ્યા હતા.

તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે 51 શક્તિપીઠોમાંથી એક હિંગળાજ માતાનું મંદિર બલુચિસ્તાનમાં પણ છે. પૌરાણિક હિન્દૂ કથાઓનું માનીએ તો અહીંયા સતીનું પવિત્ર માથું પડ્યું હતું. ભારતના ઘણા શ્રદ્ધાળુઓ હિંગળાજ શક્તિ પીઠનાં દર્શન માટે અહીંયા આવે છે.

પાકિસ્તાનનાં મશહૂર લેખક તરેક ફતેહનાં જણાવ્યા મુજબ, પાકિસ્તાની હૂકુમતે ઘણીવાર આ મંદિરને નુક્શાન પહોંચાડવાની કોશિશ કરી હતી પરંતુ ઘણા બલોચ મુસ્લિમ લોકોએ પોતાના જીવની આહુતિ આપીને મંદિરને બચાવી લીધું.

આ મંદિર પાકિસ્તાનનાં કરાચીથી પશ્ચિમ છેડે 250 કિલોમીટર દૂર હિંગોલ નદી કિનારે સ્થિત છે. સુનસાન નજર આવતું આ શક્તિસ્થળ ભારતમાં હોત તો શ્રદ્ધાળુઓની લાઈનો લાગી હોત, કારણ કે આ મંદિરનો ઈતિહાસ ભગવાન શિવની પત્ની સતી સાથે જોડાયેલ છે. લોક-કથા મુજબ, પોતાના પિતા દ્વારા શિવનું અપમાન થવાને લીધે સતીજીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલ ભગવાન શિવ સતીજીનો પાર્થિવ દેહ લઈને આખા જગતનો સર્વનાશ કરવા નીકળી પડ્યા. એમનો ગુસ્સો શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ સતીનાં 51 ટુકડા કરી નાખ્યા. જે સ્થળે સતીજીનાં અંગો પડ્યા તેને શક્તિપીઠ કહેવાય છે.

એવું માનવામાં આવે છે કે, માતા સતીનું માથું હિંગોલ નદીનાં કિનારે હિંગળાજમાં પડ્યું, એટલે આ 51 શક્તિપીઠમાં સૌથી મુખ્ય શક્તિપીઠ છે. પાંડવો અને ક્ષત્રિયો પોતાના કુળદેવીનાં રૂપમાં હિંગળાજ માતાની પૂજા કરે છે. દર વર્ષે અહીંયા 22 એપ્રિલથી હિંગળાજ તીર્થ યાત્રા શરૂ થાય છે, જેમાં થોડાઘણા ભારતના તીર્થયાત્રીઓ પણ સામેલ થાય છે. ખૂબ ઓછા લોકોને પાકિસ્તાની વિઝા મળે છે. મોટાભાગની જનમેદની પાકિસ્તાનનાં થરપારકર જિલ્લામાંથી આવે છે, જ્યાં સૌથી વધુ હિન્દૂ વસ્તી છે. તીર્થયાત્રાનાં પહેલા ચરણમાં શ્રદ્ધાળુઓ 300 ફૂટ ઊંચે જ્વાળામુખી શિખર ઉપર ચંદ્ર ગૂપ તાલનાં દર્શન કરે છે. આ તાલનો સંબંધ ભગવાન રામ સાથે પણ જોડવામાં આવે છે.

ચંદ્ર ગૂપ તાલની ભભૂત લીધા પછી શ્રદ્ધાળુઓ જ્વાળામુખી શિખર પરથી નીચે ઉતરીને, 35 કિલોમીટર દૂર કિર્થાર પહાડોની તળેટીમાં સ્થિત મુખ્ય હિંગળાજ દેવીનાં મંદિરે દર્શન કરે છે. કહેવાય છે કે આ શક્તિ પીઠના દર્શન કર્યા વગર કોઈપણ હિન્દૂ તીર્થનાં દર્શન સંપૂર્ણ નથી થતા. આ પૂજ્ય દેવીનાં દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે.

બોલો માતા હિંગળાજની જય !!

દોસ્તો, આશા રાખીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!