ક્યારે સુધરશુ આપણે? અકસ્માતની લાઈનો લાગી છે – ફરી શરુ થયેલા એક સુખદ પ્રવાસનો લોહિયાળ અંત

હજુ સુરતના વિદ્યાર્થીઓનો ડાંગ પાસેનો અકસ્માત ભુલાયો નથી ત્યાં આ બીજો અકસ્માત સામે આવ્યો છે. આ બસમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હતા. ક્યારે સુધરશુ આપણે? ક્યારે આપણે ટ્રાફીક અને સલામતીનાં નિયમોનું પાલન કરીશું? અફસોસ તો એ વાતનો છે કે, આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ આવી ભૂલો કરી બેસે છે…. જી હાં, હમણાં જે બે અકસ્માત થયા છે એ બન્ને કિસ્સામાં શિક્ષણ ક્ષેત્રનાં વાહનો હતા અને એમના સંચાલકો એકદમ ભણેલા-ગણેલા હતા. મતલબ, કંઈક તો ચૂક થઈ ગઈ…

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ ઉજ્જૈનનાં પ્રવાસે જઈને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે વહેલી સવારે ગોધરાનાં પરવડી ગામ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં 70થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. જેમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બસ કંડક્ટરનું મોત નિપજ્યું છે.

અકસ્માત બાદ ચિચિયારીઓથી વાતાવારણ ગુંજી ઉઠ્યુ હતું જેથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પલટી ખાઇ ગયેલી સ્કુલ બસને ઉભી કરી ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખાનગી તથા સિવીલ હોસ્પિટલ લઇ જવામાં 108ની મદદ લીધી હતી. આ બનાવને પગલે વેજલપુરથી છાત્રોના વાલીઓ તથા સગા સબંઘી દોડી આવ્યા હતા. જે પૈકી એકને સારવાર અર્થે વડોદરા ખસેડ્યા હતા. પોલીસ કાફલો પણ પહોંચી જરૂરી મદદ કરી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ઘરપકડ કરી હતી.

પ્રવાસમાં ગયેલ બસમાં 56 લોકોને બેસવાની વ્યવસ્થા તેમજ પરમીટ હતી તેમ છતાં પ્રવાસ સંચાલકોએ આ બસમાં પરાણે 70 જેટલા વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. આ બાબતે વાલીગણમાં ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. વાલીઓ તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, પ્રવાસ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી.

મિત્રો, આ બધા અકસ્માતોને ટાળી શકાય એ માટે આપણે શું કરી શકીએ અથવા આ બાબતે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? એ વિશે આપશ્રીનાં બહુમૂલ્ય મંતવ્ય જણાવશો…..જેથી ભવિષ્યમાં લોકો ધ્યાને લે….

હે ! ઈશ્વર બધાની રક્ષા કર અને અમને બધાને સદબુદ્ધિ આપ જેથી આવી ઘટના ફરી ન બને…

Leave a Reply

error: Content is protected !!