નોકરી કરનાર લોકો માટેનાં સૌથી મોટા બ્રેકીંગ ન્યુઝ – હવે તમને ગેરેન્ટેડ આટલું વેતન મળશે જ

કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ખૂબ જ ઓછું વેતન ચુકવવામાં આવે છે અને તે અસંગઠિત અને નિરક્ષર હોવાને કારણે તેમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે. ઉપરાંત હવે તો સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓના કોન્ટ્રાકટ વર્કરોને પણ ઓછું વેતન આપીને ખુલ્લેઆમ શોષણ કરાય છે. લઘુત્તમ વેતન ધારો કેટલાક શેડ્યુલ રોજગારમાં લઘુત્તમ વેતનનાં દર નક્કી કરવાનું સૂચન કરે છે. શેડ્યુલમાં નક્કી કરવામાં આવેલ રોજગાર કે અન્ય પ્રકારના રોજગારમાં આવતું હોય તેવું કામ શેડ્યુલ રોજગાર તરીકે ઓળખવામાં આવે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર અસંગઠિત કામદારો માટે લઘુત્તમ વેતન નક્કી કરે છે અને તેમાં વખતોવખત સુધારા પણ કરે છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને સરકાર દેશના કર્મચારીઓ અને મજુરોને ખુશ કરવાની તૈયારીમાં છે. તેથી જ કેન્દ્રીય શ્રમ મંત્રાલય સાથે જોડાયેલ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ તમામ સેક્ટરના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન લાગુ કરવાની ભલામણ કરી છે. પછી તે સેક્ટરને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત હોય કે નહિં પણ આ નિયમ ચોક્કસ માનવો પડશે. સંગઠિત હોય કે અસંગઠિત, તમામ સેક્ટર માટે આ લઘુત્તમ વેતન લાગૂ થશે.

લઘુત્તમ વેતન ન આપનાર નોકરીદાતાને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ફેક્ટ્રી અથવા તો સંસ્થાઓને પોતાના દરેક કર્મચારીને એપોઇન્ટમેન્ટ લેટર અથવા તો નિયુક્તિપત્ર આપવાની ફરજ પડશે. નિયુક્તિપત્ર સોંપ્યા વગર કોઇ કર્મચારી પાસેથી કામ લઇ શકાશે નહીં. આ પત્ર આપવાનો મતલબ એ છે કે, તેમને લઘુત્તમ પગાર આપવાની ફરજ પડશે. કોઈપણ સેક્ટરના કર્મચારીઓ પાસેથી 8 કલાકથી વધુ સમય સુધી કામ ન લઈ શકાય. ઈમરજન્સી કામના નામે પણ કર્મચારીઓને રોકી શકાશે નહિં. તેમજ કર્મચારીઓનાં અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

દર પાંચ વર્ષે લઘુત્તમ વેતનમાં ફેરફાર થશે:

દર પાંચ વર્ષે લઘુત્તમ વેતનને રિવાઈઝ કરવામાં આવશે.

એક રાષ્ટ્રીય લઘુત્તમ વેતન હશે. જેના આધાર પર તમામ રાજ્ય પોત-પોતાના રાજ્ય માટે લઘુત્તમ પગાર નક્કી કરશે. આમ કરવું દરેક રાજ્ય માટે ફરજિયાત હશે. સંસદીય સમિતિએ પોતાનો રિપોર્ટ લોકસભાને સોંપી દીધો છે. કોઈપણ કાયદાને અંતિમ રૂપ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને વધુ મહત્વ આપવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીને મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લઘુત્તમ વેતનની સાથોસાથ કંપની લો મુજબ દરેક કર્મચારીને તમામ પ્રકારની સુવિધા આપવી પડશે. જેમાં સામાજીક સુરક્ષા, કારોબારી સુરક્ષા, રિટાયર્ડમેન્ટનાં લાભ, હેલ્થ સુવિધા, ઓલ્ડએજ, ડિસેબિલિટી, બેરોજગારી, મેટરનીટી લાભ આપવા માટે એક મોટી વ્યવસ્થાની દરખાસ્ત છે. આ સંદર્ભમાં નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી પાસેથી પણ અભિપ્રાય માંગવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કમિટીના રિપોર્ટ મુજબ લઘુત્તમ વેતન તેમજ નવા નિયમો લાગુ થવાથી દેશભરમાં કામ કરી રહેલા લગભગ 48 કરોડ લોકોને ફાયદો થશે. કમિટી મુજબ આ 48 કરોડ કામદારોમાંથી 82.7 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!