શિયાળામાં પરસેવો લાવી દે તેવા વિસનગરી તુવેરના ટોઠા આ રીતે બનાવો – ક્લિક કરી વાંચો રેસીપી

શિયાળો આવી ગયો છે. થરથરતી ઠંડીમાં ગરમાવો લાવી દે એવી રેસીપી અમે તમને રોજ પીરસતા રહીએ છીએ અને એ જ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે કૌશલ પટેલ દ્વારા લખેલી રેસીપી એટલે વિસનગરી તુવેરના ટોઠા.

ટોઠા બનાવવા જરૂરી સામગ્રી:

નોંધ: આટલી સામગ્રી માં તમે ૧૦ વ્યક્તિ માટે ટોઠા બનાવી શકો છો.

૫૦૦ ગ્રામ સૂકી તુવર

૧૨૫૦ ગ્રામ લીલું લસણ (સવા કિલો જ લખ્યું છે)

૬૦૦ ગ્રામ લીલા મરચા

૩૦૦ ગ્રામ આદુ

૫૦૦ ગ્રામ સૂકી ડુંગળી

૫૦૦ ગ્રામ ટામેટા

૨૦૦ ગ્રામ કોથમીર

૧ લીટર તલનું તેલ

થોડા તલ

સીંગદાણા હાલ્ફ ક્રશ કરેલા

૨ લીંબુ

૫૦-૧૦૦ ગ્રામ ખાંડ

વઘાર માટે જીરું, ૨ ટુકડા તજ અને તમાલ પત્ર

લાલ મરચું, ધાણાજીરું, હળદર, મીઠું

૫૦૦ ગ્રામ નાયલોન જીણી સેવ

જલેબી, છાસ

કઈ રીતે બનાવશો ટોઠા?

સૌપ્રથમ તુવરને થોડા સાજીના ફૂલ નાખી ૮ કલાક પાણીમાં પલાળી રાખવી, લીલું લસણ નહિ નાનું નહીં મોટું એવું કટીંગ કરી રાખવું, લીલા મરચા, આદુ મિક્સરમાં ક્રશ કરી રાખવા, ડુંગળી હાલ્ફ ક્રશ કરવી, ટામેટા,કોથમીર બારીક કટીંગ કરી રાખવી,

તુવરને પલાળેલા જ પાણી સાથે કૂકરમાં બોઇલ કરવી એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે એ કઠણ પણ ના રહે અને ફાટી પણ ના જાય (બોઇલ કરવાનો સમય ચોક્કસ ના કહી શકું કારણકે પાણી બદલાતા એના સમયમાં ફેરફાર થતો હોય છે)

સૌપ્રથમ કોપર બોટમ તપેલી અથવા કડાઈમાં તલનું તેલ લેવું એમાં જીરું, તજ, તમાલપત્ર નાખવું વઘાર આવી જાય એટલે એમાં લીલું લસણ નાખીને લગભગ ૧૦-૧૫ સુધી લસણ શેકવું ખાસ ધ્યાન એ રાખવું કે લસણ કાચું પણ ના રહે અને બળીને કાળું પણ ના થઇ જાય, લસણ શેકાઈ ગયા પછી એમા આદુ મરચાની પેસ્ટ નાખી એને ચઢવી લેવી ત્યાર બાદ એમાં હાલ્ફ ક્રશ કરેલી ડુંગળી નાખવી અને એ બધું બરાબર ચઢીને મિક્સ થઈ જાય ત્યાર બાદ એમાં પાણીમાં થી નિકાળીને તુવર નાખવી અને એને બરાબર મિક્ષ કરવું લગભગ ૮-૧૦ મિનિટ એને ચઢવ્યા પછી ટેસ્ટ અને કલર માટે એમાં મરચું પાવડર અને હળદર પાવડર નાખવો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખવું, હવે એમાં લીંબુનો રસ અને ખાંડ નાખવા ( અમે લોકો વાડીએ બનાવીએ ત્યારે લીંબુ ખાંડ નથી નાખતા પણ ઘરે બનાવીએ તો નાખીએ છીએ) હવે છેલ્લે એમાં બારીક કટીંગ કરેલા ટામેટા, સીંગદાણા, તલ નાખી બરાબર મિક્ષ કરી એના પર ધાણાજીરું પાવડર અને બારીક કટીંગ કરેલ કોથમીર નાખી ૫-૭ મિનિટ ધીમા તાપ પર ઢાંકી ચઢવા દેવું… ટોઠા તૈયાર

સર્વ કરવા ટોઠા પર જીણી નાયલોન સેવ નાખી એને બ્રેડ સાથે ખાવું, સ્વીટમાં સાથે જલેબી અથવા સોજીનો શીરો (અમારે એને મહાપ્રસાદ તરીકે ઓળખે) રાખવો તો જ ઓરીજીનલ ટોઠાની મજા આવે અને સાથે છાસ લેવી…

ઉપરની રીત પ્રમાણે બનાવ્યા પછી જો ખાવાની મજા આવે તો મને એપ્રિસીએટ કરવો બાકી ના મજા આવે તો એમાં ભૂલ તમારી જ હોવી જોઈએ કોઈક બનાવામાં એટલે મને કઇ ઉલટું સીધુ બોલવું નહીં કે વચ્ચે લાવવો નહીં…

#નોંધ : ગ્રુપમાં બીજા ઘણા લોકોએ ટોઠા કહીને રેસીપી મૂકી છે પણ એમનું માપ જોઈને એ એકેય એંગલથી ટોઠા નથી એ ખાલી સૂકી તુવરનું શાક જ છે એટલે એને ટોઠા માનવા નહી…

Leave a Reply

error: Content is protected !!