દાન લીધા વગર વર્ષોથી ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર. જય જલારામ બાપા

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા.

18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

સંત શ્રી જલારામ બાપાનું આ અનોખું અન્નક્ષેત્ર આજે પણ અવિરતપણે ચાલુ જ છે. વિરપુર આજે ગુજરાતનું યાત્રાધામ બની ગયું છે. અહીં ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પ્રસાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા કઢી-ખીચડી હોય છે.

ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે, આટલા સ્વાદિષ્ટ કઢી-ખીચડી આપણાં ઘરના રસોડામાં પણ નથી બનતા. મહત્વની વાત તો એ છે કે અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ-સોગાદો સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. મંદિરમાં એકપણ દાનપેટી નથી. જો કોઈ ભક્ત મંદિરમાં કોઈ રકમ કે ભેટ-સોગાદ અર્પણ કરે તો એમને નમ્રતાપૂર્વક પરત કરી દેવામાં આવે છે. મંદિરમાં એકપણ રૂપિયો દાન લીધા વગર રોજના હજારો ભક્તોને ભોજન કરાવવામાં આવે છે એ પણ કોઈ ચમત્કારથી ઓછું નથી. એટલે જ બાપાનું આ અન્નક્ષેત્ર માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રસિધ્ધ બન્યું છે.

પ્રચલિત લોક-કથા મુજબ, એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામ બાપાએ રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈપણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું.

બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.

મિત્રો, હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે. એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.

સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

જય જલારામ બાપા !

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!