શિયાળા નું ખાસ પીણું – ગરમા ગરમ આયુર્વેદિક કાવો

શિયાળાની કડકડતી ઠંડીમાં કાવો પીવાની મજા જ ઓર હોય છે. અમારા રાજકોટમાં રાત્રે કાવાની રેંકડીઓ ઘણી જગ્યાએ ઊભી રહે છે. સગડી પર કોલસાની ધીમી આંચે, ત્રામ્બાની કોઠીમાં બુંદ-દાણાનું પ્રવાહી ઉકળતું રહેતું હોય અને એ પ્રવાહીમાં જુદા જુદા મસાલાઓ ભેળવી ગ્રાહકને ચીનાઈ માટી નાં કે પછી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કાવો પીરસાય અને ઘૂંટડે ઘૂંટડે કાવો પીવાતો રહે… ભાઈ.. ભાઈ… ટાઢ તો આંટો મારીને પાછી જતી રહે હોઁ…


આવો, આજે આપ સૌને કાવો બનાવવાની રેસિપી આપી જ દઉં.
બંધ ઢાંકણ વાળી હાંડી કે પેનમાં ૬-૭ કપ પાણી લઈ તેમાં ૫૦ ગ્રામ કોફીસીડ્ઝ (બુંદીદાણા) પાવડર, એક મોટી ડાળખી ફોદીનો અને એકદમ બારીક કુટેલું આદુ (એક મોટો ટુકડો) અને ૧૦-૧૫ પાન તુલસી ઉકાળવા મૂકવા.ચૂલા પર કે સગડી પર ધીમી આંચે ઊકળવા દેવું. (ગેસ પર પણ ચાલે જ, હોઁ.?)


પાણી ઊકળીને પોણા ભાગનું રહે ત્યારે કપમાં સૂંઠ, કાળામરી, તજ, લવિંગ અને સંચળ આ દરેક પાવડર ૧/૨ નાની ચમચી જેટલાં લઈ, અડધા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી, કપમાં ગરમાગરમ કાવો રેડી બધું મિશ્રણ બરાબર ભેળવી કાવાનો આસ્વાદ માણો.


આ રેસિપી ૫ કપ કાવો બનાવવા માટે છે.

રેસીપી: પ્રદીપભાઈ નગદીયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!