ગીરના ભૂલકાએ મિત્રને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યો : રાષ્ટ્રીય પુરસ્કારથી કરાશે સન્માનિત

નાનપણમાં શાળામાં ચારણકન્યાની વાતો તમામ બાળકોને વીરતાની શીખ આપે છે. આવો જ એક કિસ્સો 2017 માં ગીરમાં સામે આવ્યો હતો જેમાં માત્ર સાડા છ વર્ષના બાળકે પોતાના મિત્રને બચાવવા માટે જીવની બાજી લગાવીને ખૂંખાર દિપડા સાથે બાથ ભીડી હતી.

જંગલના ઘટતા જતા વિસ્તારને કારણે અવારનવાર ખૂંખાર પ્રાણીઓ માનવની વસ્તીમાં આવી ચડતા હોય છે. વાત છે ગીરના સીમાડે આવેલા કોડીનારના અરઠીયા ગામની. ર3 સપ્ટેમ્બર 2017ના રોજ બે માસૂમ ભૂલકાઓ પોતાની જ મસ્તીમાં રત થઇને આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. માત્ર સાડા છ વર્ષનો જયરાજ ગોહીલ અને તેનાથી એક વર્ષ મોટો નિલેષ ભાલિયા બંને પોત પોતાના નવા રમકડાની લીધાની મોજમાં હતા.

સૂર્યાસ્તના આરે હવે મિનિટોની વાર હતી. બીજી બાજુ બે ભૂલકાઓને તાકીને બેઠેલો દિપડો બસ આ જ ક્ષણની રાહમાં હોય તેમ ત્રાડૂક્યો અને નિલેશને પોતાના જડબામાં લઇ લીધો. બંને ભૂલકાઓ કંઇ વિચારે તે પહેલા બનેલી આ ઘટનાને નજરે નિહાળીને જયરાજ હેબતાઇ ગયો.

સિંહ કરતા પણ વધુ ખૂંખાર મનાતા દિપડાને નિહાળીને કોઇ પણ બાળકનું ગભરાઈ જવું સામાન્ય છે. પરંતુ જયારે આ ઘડીમાં પોતાના મિત્રને એકલા મૂકીને ભાગી જવાને બદલે નજીકમાં પડેલો પથ્થર ઉપાડ્યો અને દિપડા પર ફેંક્યો. પરંતુ આ પથ્થરની દિશા પર કોઇ અસર ન થઈ. નિલેશને જંગલ તરફ લઇ જવાની તૈયારી કરી રહેલા દિપડાના મોં પર જયરાજ પોતાની પાસે રહેલા રમકડાનો ખટારો ફેંકયો. ખટારામાંથી આવેલા અવાજને પગલે ગભરાયેલો દિપડો નિલેશને મૂકીને પરત જંગલ ભણી ભાગી ગયો.

જયરાજે દાખવેલી બહાદુરી કાબિલેદાદ છે. જો જયરાજે આ સમયે હિંમત દાખવવાને બદલે ભાગી ગયો હોત તો નિલેશનું શું થાત તેની કલ્પના પણ ડરાવી મૂકે તેમ છે. જે બાળક શ્ર્વાનથી પણ ભર્યું હોય એ બાળકની આવો બહાદુરી કલ્પનાતીત લાગે પરંતુ વાસ્તવમાં બનેલી આ ઘટનાએ અનેક લોકોને વિચારતા કરી મૂક્યા હતા. પોતાના મિત્રને જીવના જોખમે મોતના મુખમાંથી બચાવવાની જીંદાદિલી દાખવનાર જયરાજસિંહ ગોહિલને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વીરતા 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 6થી 18 વર્ષના બાળકોને તેમની વીરતા બદલ એનાયત કરવામાં આવે છે અને પ્રજાસત્તાક પર્વ પર તેમને હાથી પર બેસાડવામાં આવે છે. આ વર્ષે જયરાજસિંહ સહિત 21 બાળકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતીય બાળ કલ્યાણ સમિતિ દ્વારા ભારત સરકારના સહયોગથી આપવામાં આવે છે. વર્ષ 1957થી શરૂ થયેલા આ પુરસ્કારથી સન્માનિત થયેલા બાળકોના તમામ અભ્યાસ માટે આ સંસ્થા તરફથી શિષ્યવૃતિ સહિતની સહાયતા પૂરી પાડી પ્રોત્સાહન આપવામાં આવે છે.

ગત વર્ષે પણ ગુજરાતની સમૃધ્ધિ સુશિલ શર્માને બહાદુરી માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. 16 વર્ષ 3 મહિનાની સમૃધ્ધિના ઘરે નકાબ પહેરી આવેલા શખ્સનો ચાલાકીથી સામનો કર્યો હતો. જો કે આ ઘટનામાં ઇજા થઇ હતી અને બે વખત ઓપરેશન કરાવવું પડ્યું હતું.

હાલમાં એવોર્ડ આપતી આ સંસ્થા નાણાકીય બાબતોને લીધે વિવાદોમાં સપડાઈ છે અને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આથી ભારત સરકારે બાળ કલ્યાણ પરિષદ સાથે છેડો ફાડી નાખ્યો છે. જો કે પહેલા જ આ વર્ષના પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકોના નામની જાહેરાત થઈ ગઈ હતી. તેથી હવે આ સંસ્થા જ બાળકોને આ પુરસ્કાર એનાયત કરશે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને મળવાની તક કદાચ આ બાળકોને નહી સાંપડે.

Leave a Reply

error: Content is protected !!