અમદાવાદમાં દુબઈ જેવો શૉપિંગ ફેસ્ટિવલ, આ મૉલમાં શૉપિંગ કરીને જીતો 10 કરોડનાં ઈનામ

વાયબ્રન્ટ સમિટની આ 9મી સિઝનમાં આ વર્ષે 17થી 28 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલ આ મેગા શોપિંગ ફેસ્ટિવલ દુબઈમાં યોજાતા ફેસ્ટિવલ જેટલો જ ભવ્ય છે.

આ ફેસ્ટિવલમાં પૂર્વ અમદાવાદના નિકોલથી પશ્ચિમ અમદાવાદના છેક બોપલ સુધીના બંને તરફના પટ્ટાને આવરી લેવાયો છે. 20 હજાર વેપારીઓ અને નાના-મોટા 3 લાખ દુકાનદારો તેમાં ભાગ લેવાના છે. ઑટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઑઇલ, ગારમેન્ટ્સ, ફૂટવેર સહિત 80 પ્રકારનાં સંગઠનો અમારી સાથે જોડાયેલાં છે. તો મહિલાઓને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટ ખાતે ખાસ બજાર ઊભું કરવામાં આવશે.

શહેરના મ્યુનિસિપલ માર્કેટ, ઢાલગરવાડ, રતનપોળ, માણેકચોક સહિતનાં જાણીતાં માર્કેટને સજાવવામાં આવશે. ગ્રાહક માટે વેપારીઓ ડિસ્કાઉન્ટ ઑફરો પુરી પાડશે. રૂ.500 ની ખરીદી પર તેઓ ગ્રાહકને એક ઇનામી કૂપન આપશે. જેનો દરરોજ ડ્રો યોજાશે અને વિજેતા ગ્રાહકોને ઇનામ આપવામાં આવશે. આ રીતે દરરોજ 1392 ઇનામોનું વિતરણ કરવામાં આવશે. જેમાં 10 કરોડ સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે. ફેસ્ટિવલ દરમિયાન શહેરની જાણીતી રેસ્ટોરાંઓ વાયબ્રન્ટ થાળી પીરસવાની છે જેમાં અનેક સ્પેશિયલ વાનગીઓ હશે. આ સિવાય રોજ સવારે શહેરના 40 પસંદગીના બગીચાઓમાં યોગા, જુમ્બા, ધ્યાન અને ફ્રી આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો યોજાશે. રંગભૂમિના રસિયાઓ માટે કોર્પોરેશનનાં ઑડિટોરિયમોમાં સેલિબ્રિટી નાટકોના શૉ યોજાવાના છે, તો સિટી ગોલ્ડ સિનેમા ખાતે જાણીતી ગુજરાતી ફિલ્મોનું ફ્રી સ્ક્રીનિંગ પણ થશે.

ફેસ્ટિવલમાં 2700 કપડાની દુકાનો છે. સાથે જ ઈલેક્ટ્રોનિક સામાનની 600, ખાણી-પીણીની 600 અને 110 હોટલ બનાવવામાં આવી છે. અહીં જ્વેલરીની 300 તથા ફર્નિચરની 100 દુકાનો પણ છે. ખાસ વાત એ છે કે શોપિંગ ફેસ્ટિવલના છેલ્લા ત્રણ દિવસ એટલે કે રિપબ્લિક ડેના વિકેન્ડ દમરિયાન બધા જ મૉલમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે. જેમાં મોટાભાગના બ્રાન્ડ પર 15 થી 50% ડિસ્કાઉન્ટ આપશે. આ શૉપિંગ ફેસ્ટિવલમાં જે પણ સામાન વેચવા માટે રાખવામાં આવ્યો છે, તેમાં રાજ્યનાં છેવાડાનાં લોકો દ્વારા હસ્તશિલ્પ અને કારીગરી દ્વારા તૈયાર કરાયેલો સામાન પણ છે.

ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કેટલીક જગ્યાઓએ રાત્રે પણ બજારો ખુલ્લાં રખાશે જ્યાંથી ગ્રાહક ખરીદી કરી શકશે. સમગ્ર ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે. આ સિવાય ફેસ્ટિવલમાં હેરિટેજ વૉક, ખાણીપીણી બજાર, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, ફિલ્મોત્સવ, સેમિનાર અને કલાકારોનાં લાઈવ પરફોર્મન્સ સહિતનાં આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. ગ્રાહકને તેની નજીકની દુકાનની માહિતી મળે રહે તે માટે મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે ડાઉનલોડ કરીને ગ્રાહક શોપિંગ ફેસ્ટિવલને લગતી માહિતી મેળવી શકશે. ટૂંકમાં, ગુજરાત સહિત દેશવિદેશમાં વસતાં લોકો માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એક યાદગાર અનુભવ બની રહેશે.

આ ફેસ્ટિવલમાં આજે 18 જાન્યુઆરીએ નિકોલમાં બેટી બચાવો ગ્રાઉન્ડ પર ભવ્ય લોકડાયરો, 20 જાન્યુઆરીએ કાંકરિયા ટ્રાન્સટેડિયામાં મ્યુઝિક કોન્સર્ટ અને 29 જાન્યુઆરીએ સમાપન સમારંભમાં મેગા લકી ડ્રો તથા બોલિવૂડ કોન્સર્ટ યોજાશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!