બહેન, શું તમારા પીરિયડસ પણ અનિયમિત છે ? આ પાંચ કારણો હોય શકે છે જવાબદાર

પીરિયડસ નિયમિત ન હોવાએ બાબતને અનેક યુવતીઓ માટે સામાન્ય ગણીને અવગણતી હોય છે. જ્યારે અનેક યુવતીઓ અને મહિલાઓ આ બાબતને લીધે ચિંતામાં ગરક થઇજતી હોય છે. સામાન્ય રીતે જરૂરી નથી કે પીરિયડસ દર વખતે સમયસર જ આવે ! ઘણી વખત પીરિયડસ ૧-ર દિવસ વહેલા મોડા થઇ જતાં હોય છે જે બિલકુલ સામાન્ય બાબત છે. સમય અને નિયમિત રીતે પીરિયડસ આવવા એ દરેક મહિલાના સ્વાસ્થ્ય માટે સારી વાત છે. પરંતુ અનેક યુવતીઓ અને મહિલાઓને અનિયમિત પીરિયડસની સમસ્યા હંમેશા સતાવતી હોય છે. જો તમારા પીરિયડસ નિર્ધારીત તારીખ પહેલા અથવા મોડા આવતાં હોય તો તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકશાનકારક બને છે. અનિયમિત પીરિયડસને લીધે પેટમાં અસહ્ય દુ:ખાવો પણ થતો હોય છે અને સાથે જ ગર્ભાશયમાં પણ દુ:ખાવો થતો હોય છે. અનિયમિત પીરિયડસને હંમેશા અવગણવું યોગ્ય નથી. આ સમસ્યાને દર વખતે અવગણવાથી તે ભવિષ્યમાં મોટુ રૂપ ધારણ કરી શકે છે. આ અંગે બોમ્બે હોસ્પિટલની ગાયનેકોલોજીસ્ટ ડો.નીરજા પૌરાણીકે અનિયમિત પીરિયડસ માટેના પાંચ કારણો આપ્યા છે.

૧) માનસિક તણાવ :

અનેક વખત માનસિક તણાવને લીધે પણ પીરિયડસ વહેલા મોડા થઇ શકે છે. સતત તણાવને લીધે શરીરમાંથી એસ્ટ્રોજન અને કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય છે. જો શરીરમાં તેનું લેવલ વધે તો પીરિયડસ અનિયમિત થઇ શકે છે. તેથી જો તમારા પીરિયડસ અનિયમિત હોય તો તેનું એક કારણ માનસિક તણાવ પણ હોય શકે છે.

ર) PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિમ્પટમ) :

પીસીઓસીની સમસ્યા હોય તો શરીરમાં મેલ હોર્મોનની માત્રા વધી જતી હોય છે. જે ઇન્ફર્ટીલીટી અને પીરિયડસ મીસ થવાની સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે. આજકાલ અનેક યુવતીઓમાં પીસીઓસીની સમસ્યા જોવા મળે છે.

3) થાઇરોઇડ :

જો તમારા ગળામાં આવેલું થાઇરોઇડ ગ્લેંડ અંડર એક્ટિવ અથવા ઓવર એક્ટિવ થાય તો શરીરનું હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે. જો તમારા પીરિયડસ અનિયમિત છે તો તેનું એક કારણ થાઇરોઇડ પણ હોય શકે છે. તેથી પીરિયડસ સમય પર ન આવતા હોય તો થાઇરોઇડનો નિદાન કરાવવું આવશ્યક છે.

૪) ડાયાબિટીસ :

ડાયાબિટીસને લીધે પીરિયડસ મીસ થવાની શક્યતા વધી જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો બ્લડ શુગરનું લેવલ ખોરવાતા હોર્મોનલ અસંતુલન થઇ જાય છે અને તેને લીધે પીરિયડસની નિયમિતતા જળવાતી નથી. તેથી પીરિયડસ નિયમિત ન હોય તો ડાયાબિટીસની તપાસ પણ કરાવવી આવશ્યક છે.

પ) ગર્ભનિરોધક ગોળીઓ :

અનેક મહિલાઓ અને યુવતીઓ ગર્ભનિરોધક ગોળીનું વધુ પડતું સેવન કરતી હોય છે પરંતુ તેમને તેની સાઇડ ઇફેકટની જાણ હોતી નથી. ગર્ભનિરોધક ગોળીના સાઇડ ઇફેકટથી હોર્મોનલ અસંતુલિત થઇ જાય છે અને તેને લીધે પીરિયડસ મોડા થઇ શકે છે. તેથી ગર્ભનિરોધક ગોળીના વધુ પડતું સેવન ટાળવું જોઇએ.

Leave a Reply

error: Content is protected !!