જાણી લો તમારા ATM કાર્ડનું જુડવા કાર્ડ તો નથી ને? – આ રીતે બચાવો ફ્રોડ થતા

જાણી લો તમારા ATM કાર્ડનું જુડવા કાર્ડ તો નથી ને?

આજના સમયમાં ટેક્નોલોજીનો ભરપૂર વિકાસ થયો છે. નવી-નવી ટેકનોલોજીથી ઘણા બધા ફાયદા થયા છે પણ એની સાથે સંકળાયેલ છેતરપિંડીનાં કેસમાં પણ વધારો થયો છે. દિનપ્રતિદિન ATM દ્વારા થતી છેતરપિંડીની ઘટનાઓ વધતી જાય છે. પહેલા ATM વેરિફિકેશનના બહાને અથવા તમારૂ ATM બંધ થઈ ગયું છે એવા ખોટા ફોન કોલ્સથી ATM ની વિગતો જાણીને છેતરપીંડી થતી હતી. હાલના સમયમાં ભેજાબાજો નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, કઈ છે આ નવી તરકીબ અને એનાથી બચવા માટે શું કરવું ?

સ્કીમર્સ દ્વારા છેતરપીંડી :

સ્કીમર્સ એક એવું યંત્ર છે જે એ.ટી.એમ મશીનના કાર્ડ સ્લોટમાં જોડી દેવામાં આવે છે અને આ યંત્ર કાર્ડની વિગતો વાંચી લે છે. સાથે એક ગુપ્ત કેમેરો પણ ફિટ કરી દેવામાં આવે છે જેથી પીન નંબર મેળવી શકાય. આવી રીતે એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ ક્લોનિંગ માટે કરવામાં આવે છે. ક્લોનિંગ એટલે એક ATMનું બીજું ડુપ્લીકેટ કાર્ડ. ત્યારબાદ તમારા ATM ની વિગતનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપીંગ કે પૈસા ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરવામાં આવે છે.

એટલે જ્યારે પણ તમે ATM મશીનનો ઉપયોગ કરો ત્યારે ATM રૂમની પૂરતી ચકાસણી કરી લો કે ATM મશીનમાં આવા કોઈ અટેચમેન્ટ જોડાયેલા તો નથી ને?

આ જગ્યા પર થઈ શકે છે છેતરપીંડી :
છેતરપીંડી કરનાર લોકો ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરવા માટે ઘણા પ્રકારની પદ્ધતિ અપનાવે છે. ફ્રોડ લોકો તમારા કાર્ડનો ડેટા ચોરીને તમારા કાર્ડથી શૉપિંગ કરી શકે છે. નિષ્ણાંત કહે છે કે, હોટેલ, પેટ્રોલ પંપ, મેડિકલ, એ.ટી.એમ બુથ જેવા અમૂક સ્થળો પર તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. સ્કિમિંગ, ક્લોનિંગ, ફિશિંગથી તમારા ડેટાની ચોરી થાય છે.

સાવધાન રહો :

● પોતાનું કાર્ડ કે બેન્ક ડિટેઇલ્સ ક્યારેય રેઢા ન મુકો.

● કોઈપણ શોપ પર સામે ઉભા રહીને જ પેમેન્ટ કરો.

● કોઈ જગ્યાએ તમને શંકા જેવું લાગે તો તાત્કાલિક ફરિયાદ કરો.

● લાલચ આપનાર નકલી ફોન કોલ્સ, ઈ-મેઈલ અને ખોટી જાહેરાતોથી દુર રહેવું.

● પાસવર્ડ હંમેશા ગુપ્ત રાખો.

● ATM બુથનો ઉપયોગ કરતા પહેલા ચેક કરી લેવું કે આજુબાજુ કોઈ સ્કીમર તો નથી ને.

RBI એ અપનાવ્યું કડક વલણ :
પ્રાપ્ત વિગતો મુજબ, ATMમાં છેતરપીંડીના બની રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ બેન્કોને તેમના ATM અપગ્રેડ કરવા જણાવ્યું છે અન્યથા એમના વિરુદ્ધ કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી છે. ઉપરાંત માર્ચ 2019 સુધીમાં એન્ટી સ્કીમિંગ અને વ્હાઈટલિસ્ટિંગ સોલ્યુશન્સનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય :

કેશ વાન, કેશ વોલ્ટ અને ATM છેતરપીંડી તેમજ અન્ય આંતરિક છેતરપીંડિના મામલા વધવાને કારણે ગૃહ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત આગામી વર્ષથી શહેરોમાં કોઇપણ ATMમાં રાત્રે 9 વાગ્યા પછી રોકડ ભરી શકાશે નહીં. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત ATMમાં સાંજે 6 વાગ્યા સુધી જ રોકડ ભરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નવો નિર્દેશ જારી કર્યો છે.

રોકડ લઇ જનારા વાહનની સાથે બે હથિયારબંધ ગાર્ડ હશે. નક્સલી હિંસા પ્રભાવિત વિસ્તારનાં ATMમાં સાંજે 4 વાગ્યા સુધી રોકડ નાખવામાં આવશે. જ્યારે રોકડની દેખરેખ કરનારી ખાનગી એજન્સીઓ બેંકોમાંથી રિસેસ ટાઈમ પહેલા જ રોકડ લેવી પડશે. રોકડ ફક્ત બખ્તરબંધ વાહનોમાં લઇ જઇ શકાશે. ગૃહ મંત્રાલય તરફથી જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર 8 ફેબ્રુઆરી, 2019થી લાગૂ થશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!