સ્વરક્ષણ માટે બંદૂક રાખવાનું લાયસન્સ આ રીતે અને આટલા ખર્ચમાં મળે છે – વાંચો વિગત

જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા:

સ્વરક્ષણ માટે કે પાક રક્ષણ માટે હથિયાર પરવાનાની જરૂરિયાત છે તેવા નાગરિકોએ મુદ્દા નં.52 (બાવન)નાં પરિશિષ્ટ-1/52 માં શસ્ત્ર લાઇસન્‍સ માટેની અરજીનો નમૂનો ‘ક’ , ભાગ-‘ખ’ , ભાગ-‘ગ’ , ભાગ-‘ ઘ’માં જણાવેલ વિગતોવાળી અરજી તૈયાર કરી હથિયાર પરવાનો મેળવવા માટે જિલ્‍લામાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને આવી અરજીઓ નીચે જણાવેલ પ્રમાણપત્રો અને માહિતીઓ સાથે સામેલ રાખી મોકલી આપવાની હોય છે.

આ અરજીફોર્મ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરીમાંથી મેળવી શકાય છે.

જાતરક્ષણ માટે બંદૂક (હથિયાર) લાઇસન્સ મેળવવા બાબતની જોગવાઈ શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-3, 13 અને 14માં જણાવેલ છે. જેથી આવી અરજીઓ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને સંબોધીને મોકલી આપવાની હોય છે અને આવી અરજીઓના આખરી નિકાલના સત્તાઅધિકારી પણ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી હોય છે. આવી અરજીઓની નિકાલ મર્યાદા 75 દિવસની રાખવામાં આવેલ છે.

જેમાં પોલીસ અધીક્ષકશ્રીને દિન 15, નાયબ પોલીસ અધીક્ષકશ્રી દિન 14, એક્ઝિક્યુટિવ મેજિસ્‍ટ્રેટશ્રી દિન 10 અને સંબંધિત પોલીસ સ્ટેશન દિન 15 તેમજ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ દિન 21માં આવી અરજીઓનો નિકાલ કરવાનો રહે છે. અરજદારે અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે ભરવાની હોય છે. અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહે છે.

● અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાના વડાનું ‘ના વાંધા પ્રમાણપત્ર’ મતલબ, NOC. (પરિશિષ્ટ-2/52 મુજબ)

● ઉંમરનો પુરાવો (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો અથવા (સિવિલ સર્જનનો દાખલો)

● રહેઠાણનો પુરાવો (નગર પાલીકા/ગ્રામ પંચાયાત ટેક્સ બિલ/ લાઇટ બિલ/ટેલિફોન બિલ/ મતદાર (ઓળખકાર્ડની નકલ)

● શારીરિક/નાણાકીય જોખમ હોવા અંગેનો આધાર (છેલ્લાં બે વર્ષનાં બેન્ક સ્ટેટમેન્ટ્સની નકલ, પોલીસ ફરિયાદ કરેલ હોય તો તેની નકલ)

● ઇન્કમટેક્સ ભરતા હોય તો છેલ્લાં ત્રણ વર્ષનાં રિટર્ન્સની નકલ

● મોટા ખેડૂત ખાતેદાર હોય/વેપાર ધંધો કરતા હોય તો તેના પુરાવા (8-અ ની નકલ) દુકાન/પેઢીની નોંધણીની વિગત

● હથિયાર પરવાનો મળવાના સમર્થનમાં કોઈ ચોક્કસ કારણો હોય તો તેના પુરાવા.

● સ્ર્કુટિની ફી ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ.

ચલણ માટેની રકમ બંદૂક પ્રમાણે અલગ-અલગ હોય છે, જે નીચે મુજબ છે:

◆ રિવોલ્વર /પિસ્તોલ માટે રૂ.100/-

◆ પોઇન્ટ 22 રાઇફલ/બ્રિજલોડ ગન માટે રૂ.40/-

◆ રિપીટિંગ રાઇફલ માટે રૂ.60/-

◆ એમ. એલ. ગન માટે રૂ.10/-

સ્વરક્ષણ હથિયાર પરવાનાની માગણી અંગે ઇન્ક્વાયરી ફોર્મમાં જણાવેલ વિગતે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીએ ફોર્મમાં જણાવેલ વિગતે અને નીચેના મુદ્દાઓ ઉપર ખાતરી તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવાનો રહેશે.

કલેક્ટરશ્રી તરફથી પોલીસ વિભાગમાંથી જાતરક્ષણ માટેનો હથિયાર પરવાનો મેળવવા બાબતની અરજી તપાસ માટે મોકલાવવામાં આવે ત્યારે પોલીસ વિભાગ દ્વારા નીચે દર્શાવેલ મુદ્દાઓ અંગે તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવામાં આવે છે.

અરજદારના ચારિત્ર બાબત તેમ જ કોઈ ગુનામાં સંડોવાયેલની અને કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તે બાબતે પોલીસ સ્‍ટેશનના રેકર્ડથી ચકાસણી કરી જણાવવામાં આવે છે તથા પૂર્વ ઇતિહાસ ચકાસવામાં આવે છે.

અરજદારને રૂબરૂ બોલાવી તેઓ હથિયાર ચલાવવા શારીરિક તેમ જ માનસિક રીતે સક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી નિવેદન લેવામાં આવે છે અને જન્મ તારીખનો આધાર મેળવવામાં આવે છે.

અરજદાર પાસે હથિયાર રાખવા માટે સુરક્ષિત જગ્યા છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવે છે તથા રહેઠાણ અંગે આધાર મેળવવામાં આવે છે.

અરજદારને જાતરક્ષણ માટે પરવાનાની જરૂરિયાત અંગેનાં સબળ કારણોની ચકાસણી કરવામાં આવે છે. જેમાં ઇન્કમટેક્સ ભરેલ છે કે કેમ? તેની ખાતરી કરી છેલ્લાં ત્રણ કે પાંચ વર્ષનાં ઇન્કમટેક્સ રિટર્ન મેળવવામાં આવે છે તથા કોઈ મોટો ધંધો કે રોજગાર હોય તો કેટલું ટર્નઓવર થાય છે વગેરે બાબતે આધાર-પુરાવા મેળવવામાં આવે છે અને જોખમ અંગે આધાર મેળવવામાં આવે છે.

હથિયાર ચલાવતા આવડે છે કે કેમ? તેની ખાતરી કરવામાં આવે છે.


અરજદાર સ્વભાવે ઉગ્ર કે ઝનૂની છે તે અંગે ગામના/આજુબાજુના રહેઠાણના પ્રામાણિક ઇસમો મારફતે તપાસ કરી નિવેદન લેવામાં આવે છે.

આ અંગે ઉપરની વિગતોની ચકાસણી જે તે પોલીસ સ્‍ટેશનના થાણા ઇન્ચાર્જે કરી આ અંગેના કાગળો પોલીસ સબ ડિવિઝન/વિભાગીય પોલીસ અધિકારી મારફતે ચકાસણી થઈ તેઓના અભિપ્રાય સાથે પોલીસ અધીક્ષકની કચેરીએ આવે છે. જ્યાં તમામ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી જરૂર જણાયે અરજદારને રૂબરૂ સાંભળી જે તે અભિપ્રાય આપી કાગળો કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.

ઉપરોક્ત વિગતોની ચકાસણી કરી થાણા અધિકારીએ દિન 15માં આવી અરજીઓનો નિકાલ કરી સંબંધિત વિભાગીય પોલીસ અધિકારીશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવાની રહેશે અને વિભાગીય પોલીસ અધિકારીશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવી પોલીસ અધીક્ષકશ્રીના અભિપ્રાય માટે મોકલી આપવાની રહેશે અને જિલ્‍લા પોલીસ અધીક્ષકશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો જરૂરી અભિપ્રાય આપી આખરી નિકાલ માટે આવી અરજી મે. જિલ્‍લા કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.

ત્યારબાદ બધું જ યોગ્ય હશે તો બંદૂક લાયસન્સ મંજૂર થશે.

ખાસ નોંધ : લાયસન્સવાળા હથિયારનો દુરુપયોગ પણ ગુન્હો બને છે. જરૂર વગર અને ખોટી રીતે લાયસન્સ ઇસ્યુ કરાવનાર પણ ગુન્હેગાર ગણાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!