ઘરમાં સૌથી નાના હતા અશ્વિની કાછી, દિલ પર પથ્થર રાખી પિતાએ માતાને આપ્યા પુત્રની શહાદતના સમાચાર…

જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થઈ ગયા. આ શહીદ જવાનોમાં એક હતા જબલપુરના અશ્વિનીકુમાર કાછી. શહીદ અશ્વિની જિલ્લા મુખ્યાલયથી 44 કિ.મી દૂર સિહોરા સ્થિત ખુડાવલ ગામના રહેવાસી હતા. અશ્વિનીની પહેલી પોસ્ટીંગ વર્ષ 2017માં થઇ હતી. અશ્વિનીકુમાર સીઆરપીએફની 35મી બટાલિયનમાં તૈનાત હતા. જ્યારે ગામવાસીઓને તેની શહાદતની ખબર પડી ત્યારે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.

પરિવારમાં સૌથી નાના હતા અશ્વિની :

30 વર્ષીય અશ્વિની પોતાના સમગ્ર પરિવારમાં સૌથી નાના હતા. અશ્વિનીના પિતાનું નામ સુકરી કાછી છે. પુત્રની શહાદતના સમાચાર મળતા જ પિતાનું દિલ થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી ગયું. પરંતુ પછી પરિવાર માટે થઈને પોતાની હિંમત જાળવી રાખી. પોતાના દિલ ઉપર પથ્થર રાખીને તેમણે પત્ની કૌશલ્યા અને પુત્રોને અશ્વિનીના શહાદતના સમાચાર આપ્યા. તેમણે ખુદને સાચવીને પરિવારને હિંમત આપી.

ખૂબ જ સાધારણ પરિવારના હતાં :

અશ્વિની અપરણિત હતા અને ઘરે તેમના લગ્નની વાતચીત ચાલી રહી હતી. અશ્વિની છેલ્લે નવરાત્રી દરમ્યાન પોતાના ઘરે આવ્યા હતા. અશ્વિની કુમાર પોતાના ઘરના પ્રથમ એવા સભ્ય હતા, જેને સરકારી નોકરી મળી હોય. અશ્વિનીનું પરિવાર એકદમ સાધારણ છે. માતા-પિતા મજૂરી કરીને બાળકોને ઉછેર્યા હતા. પુત્રના મોતના સમાચાર મળતાં જ માતા આઘાતમાં સરકી ગઈ હતી અને સમગ્ર ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ રીતે આપ્યો હુમલાને અંજામ :

ગુરુવારે સીઆરપીએફનો કાફલો જમ્મુથી કાશ્મીર તરફ રવાના થયો હતો. આ કાફલામાં કુલ ૭૮ ગાડીઓ હતી. આ ગાડીઓમાં ૫૦૦ કરતાં પણ વધારે જવાનો સામેલ હતા. આતંકીઓ દ્વારા જે બસને ટાર્ગેટ કરવામાં આવી હતી, તેમાં લગભગ 40 જવાન હાજર હતા. જૈશ-એ- મોહમ્મદના આતંકીએ ૩૫૦ કિલો વિસ્ફોટક ભરેલા વાહનને સીઆરપીએફના કાફલામાં ચાલી રહેલી બસ સાથે અથડાવી દીધી. વિસ્ફોટથી ભરેલી આ ગાડી જેવી સીઆરપીએફની બસ સાથે અથડાઈ કે એક જોરદાર ધડાકો થયો. આ ધડાકો એટલો મોટો હતો કે તેની ગુંજ 10 કિલોમીટર સુધી સંભળાઈ. ધડાકા પછી આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ફાયરિંગ પણ કર્યું હતું.

મોદી સરકારે લીધો મોટો નિર્ણય :

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી અને હુમલાના 20 કલાક પછી મોદી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો છીનવી લીધો છે. ભારતે પાકિસ્તાનને વર્ષ 1996માં આ દરજ્જો આપ્યો હતો. એટલું જ નહીં ભારતને ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં પાકિસ્તાનને અલગ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર કેબિનેટ કમિટીની મહત્વની બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, નાણામંત્રી, વિદેશ મંત્રી, સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ શામેલ હતા. MFN અંતર્ગત બે દેશોને એકબીજા સાથે આયાત-નિકાસ કરવા માટે વિશેષ છુટ મળે છે. જે દેશને પણ આ દરજ્જો પ્રાપ્ત થાય છે તે સૌથી ઓછી આયાત ડ્યુટી પર વેપાર કરી શકે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!