પોતાના ડ્રાઈવર ને એમની નિવૃત્તિ ના સમયે કલેકટર સાહેબે આ રીતે સરપ્રાઈઝ આપી

હોદ્દો મળે એટલે સામાન્ય રીતે એ હોદ્દાની ગરમી પણ બાય-પ્રોડક્ટ તરીકે સાથે મળે. હોદ્દાની ગરીમા તો સામે વાળાએ જ સાચવવાની રહે એવું વાતાવરણ સર્જાઈ ગયું છે.

થોડા દિવસ પહેલાં એક સરસ કિસ્સો ધ્યાન પર આવ્યો.

અકોલા – મહારાષ્ટ્રમાં શ્રી દીગંબર નામના કર્મચારીનો નિવૃત્તીનો દિવસ હતો. ૩૫ વરસની નોકરીમાંથી એ પેન્શનર થવા જઈ રહ્યો હતો. એ કોઇ મોટો સરકારી અધીકારી કે ક્લાર્ક ન હતા. એ તો સરકારી ડ્રાઇવર હતા. જીલ્લા કલેક્ટરના ડ્રાઇવર. અને નોકરીના છેલ્લા દિવસે એમને એમના જીવનની અમુલ્ય ભેટ મળી. અને એ ભેટ આપનાર અન્ય કોઇ નહી પણ જીલ્લા કલેક્ટર શ્રી શ્રીકાંત હતા.

શ્રીકાંતને ખબર હતી કે આજે દીગંબરની નોકરીનો છેલ્લો દિવસ છે. એટલે વહેલી સવારે કારને શણગારી ખુદ ડ્રાઈવ કરીને દીગંબરના ક્વાર્ટર્સમાં પહોંચી ગયા.

અને દીગંબર આશ્ચર્ય અને આઘાત સાથે ઘર બહાર સરકારી કાર જોઈ રહ્યા. કલેક્ટર સાહેબે દીગંબરને કારમાં બેસવા નિમંત્રણ આપ્યું. પણ ડ્રાઇવર સીટ પર નહી, પાછળની સીટ પર કે જ્યાં કલેક્ટર સાહેબ ખુદ બેસતા હોય.

દીગંબર હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, કે સાહેબ આપ બેસો, હું ચલાવી લઈશ. પણ શ્રીકાંત એકદમ મક્કમ હતા, દીગંબરને માનભેર પાછલી સીટ પર બેસાડી ઓફીસ તરફ કાર ચલાવવા લાગ્યા.

દીગંબરની ૩૫ વરસની નોકરીમાં ૧૮ કલેક્ટરને એમણે સેવાઓ આપી હતી, પણ આ પ્રકારનો અનુભવ એના જીવનમાં પ્રથમ વખત હતો. કારની પાછલી સીટમાં બેસીને ઓફીસ જવાનો.

ઓફીસમાં પહોંચ્યા ત્યાં તો બહાર ઉભેલા કર્મચારીઓમાં અચરજ ફેલાઈ ગયું. કલેક્ટર સાહેબ કાર ચલાવે છે અને ડ્રાઈવર પાછલી સીટમાં બેઠો છે. પછી લોકોને ખબર પડી કે આજે દીગંબરનો નોકરીનો છેલ્લો દિવસ છે. અને પછી એમનું સન્માન કર્યું અને વિદાય સમારંભ પણ યોજાયો.

વાત આમ જુવો તો ઘણી નાની છે. પણ એક નાના કર્મચારી માટે એક અમુલ્ય ભેટ પણ અને એક લીડર તરીકે સબળ ઉદાહરણ પણ. એક ઓફીસમાં કે એક ઓર્ગેનાઈઝેશનમાં બધા વ્યક્તિ તરીકે એક સમાન જ છે એ ઉદ્દાત ભાવના સરળતાથી એમણે પ્રસ્થાપીત કરી આપી.

આ ઉદાહરણ આપવાનું મન એટલે પણ થયું કે મારા પપ્પા ડેપ્યુટી ડાયરેક્ટર (પશુપાલન ખાતામાં) હતા. વલસાડમાં વિભાગીય બદલી થઈ ત્યારે ડ્રાઇવર શંકરરાવ ચવાણ સવારે મળવા માટે આવ્યા. અને સરકારી ક્વાર્ટરમાં ઘરમાં આવીને જમીન પર બેઠા. ચા અને પાણી આપ્યાં તો એની ના પાડી. અમને નવાઇ લાગી. પપ્પાએ પુછ્યું કે ભાઇ, ઘરમાં આટલી ખુરશીઓ છે, સોફાઓ છે તો નીચે કેમ બેઠા, ઉભા થાવ અને અંહીયાં બેસો. તો શંકરરાવ કહે, કે તમારી પહેલાં જે સાહેબ હતા એ અમને ઘરમાં નીચે જ બેસાડતા. અને સાહેબના ઘરમાં અમને ચા ન મળતી. અમને તો આ આદત છે.

પછી એમને સમજાવ્યું કે એમની જે પદ્ધતિ હોય, અંહીયાં તો સોફા પર જ બેસવાનું અને સાથે જ ફરવાનું છે અને સાથે જ જમવાનું છે. એ પછી એ અમારી સાથે ૫ વરસ રહ્યા, ઘરના સદસ્યની જેમ.

Treat Your Team as Equal.

Photo & Story Source: Internet

#આ_તો_એક_વાત (Miteshbhai Pathak)

Leave a Reply

error: Content is protected !!