માત્ર 1 હજાર રૂપિયા લઈને ગુજરાતી બંધુઓએ અમેરિકામાં સ્થાપી 13,000 કરોડની કંપની…. વાંચો સફર

ભારતમાં બિઝનેસ કરવામાં સોથી વધુ આગળ પડતા ગુજરાતીઓ છે અને તેમાં પણ સૌથી ધનાઢ્ય કહી શકાય તેવા ટોપટેનમાં પણ ગુજરાતીઓની સંખ્યા મહત્તમ છે. જન્મજાત વેપારી બુદ્ધિ ધરાવતા ગુજરાતીઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની વેપારી બુદ્ધિથી લોકોને પ્રેરણા આપતા રહે છે. આજે આ પોસ્ટમાં આવા જ બે ગુજરાતી બંધુઓની વાત કરવી છે જેઓ ગુજરાતથી માત્ર 1000 રૂપિયા લઈને અમેરિકા ગયા હતા અને પોતાની સુઝબુઝથી આજે ૧૩ હજાર કરોડની કંપનીના માલિક છે.

આ બંને બંધુઓનું નામ છે ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલ. બંને ભાઈઓ વર્ષો પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા. તેઓ જ્યારે અમેરિકા ગયા ત્યારે તેમની પાસે માત્ર 1000 રૂપરડી સિવાય બીજું કશું જ ન હતું. જો કે તેમણે તેમની વેપારી બુદ્ધિ અને આત્મવિશ્વાસ થકી 13000 કરોડની કંપની ઊભી કરી અને અન્ય નાની મોટી પ્રોપર્ટી સહિત કરોડોના આસામી બન્યા. આ બંનેની કંપનીનું નામ છે એમ્નિલ ફાર્માસ્યુટિકલ. આ કંપની અમેરિકામાં પાંચમું સ્થાન ધરાવે છે અને તે અમેરિકાની મોટી જેનરિક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓમાં સ્થાન પામે છે.

અમેરિકાના મોટા ભાગના ડોક્ટર આ પટેલ બંધુઓની કંપનીમાંથી દવાઓ મંગાવે છે, જેને પરિણામે આજે તેમની કંપનીનું ટર્નઓવર કુલ ૨ બિલિયન ડોલર એટલે કે અંદાજે 12,800 કરોડનું છે.

આટલા મોટા સામ્રાજ્ય પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે. આ બંને ભાઈઓ વર્ષ 1987માં માત્ર એક હજાર રૂપિયા લઈને અમેરિકા ગયા હતા. એ સમયે તેમના પિતા ભારતમાં ડ્રગ રેગ્યુલેટરીમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા અને 45 સભ્યોના પરિવારમાં ઉછેરીને મોટા થયેલા આ બંને બંધુઓ કંઈક કરવાની અપેક્ષાએ અમેરિકા આવ્યા હતા.

અમેરીકા પહોંચીને ચિરાગ પટેલે આઇટી ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને તેમના ભાઈ ચિન્ટુ પટેલ પોતાના પિતાના માર્ગે ચાલ્યા અને ફાર્મા સેક્ટરમાં પોતાની કંપનીની સ્થાપના કરી.

તેઓ જ્યારે ફાર્માસિસ્ટ તરીકે કાર્યરત હતા ત્યારે જેનેરિક સબ્સ્ટિટ્યુશનનો ભાવ અંદાજે ૪૦ ટકા આસપાસ હતો. એ સમયે તેઓ લોકોને વ્યાજબી ભાવે દવાઓ આપતા હતા. જો કે બાદમાં તેમના પિતાની સૂચના પ્રમાણે બંને ભાઈઓ ભેગા મળીને તેમની કંપનીની સ્થાપના કરી.

બંને બંધુઓએ સ્થાપેલી એમ્નિલ ફાર્મા કંપની દ્વારા અત્યારે 40 કરતાં પણ વધારે જેનરીક દવાઓ બનાવવામાં આવે છે. એટલુ જ નહીં આ ફાર્મા વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ આપતી કંપનીઓમાંની એક છે. 13 હજાર કરોડની આ કંપનીમાં 5 હજાર કરતાં પણ વધારે કર્મચારીઓ કાર્યરત છે. બંને બંધૂઓએ પોતાના આત્મવિશ્વાસ અને સંઘર્ષથી ઊભી કરેલી આ કંપની બદલ અનેક યુવાનોને પ્રેરણા મળી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!