બી અને સેવ સાથે સ્વાદિષ્ટ જામનગરી ઘૂઘરા આ રીતે બનાવો – પ્રદીપભાઈ ની રેસીપી

ઘુઘરા તો અમારે રાજકોટમાં પણ બેસ્ટમબેસ્ટ મળે છે પણ, ઓળખાણ બનાવી છે ‘જામનગરી ઘુઘરા’એ.

તો એની રેસિપી પણ એ જ નામે!

ઘુઘરા બનાવવા માટે બે ભાગમાં તૈયારી કરવી પડશે.

૧) બહાર નું પડ અને

૨) અંદર ભરવાનું પુરણ.

બહારનાં પડ માટે :-

૧ કપ મેંદો, ૨ ચમચા તેલ અને સ્વાદાનુસાર નમક લઈ લોટ ગુંદી લેવો. આ લોટને ૨૦ મિનીટ રાખી મુકવો.

પૂરણ બનાવવા માટે :

૧/૨ સૂકા લીલા વટાણા રાત્રે પાણીમાં પલાળી રાખવા. આ વટાણાને બાફી લેવા અને કૂકર ઠરે ત્યારે વટાણાને અધકચરા મસળી લેવા.

૨૦૦ ગ્રામ બટાકા બાફીને તેનો પણ માવો કરી લેવો.

એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં એક નાની ચમચી જીરૂ ઉમેરો. જીરું તતડે ત્યારે તેમાં ૧ ચમચો આદુ મરચાની પેસ્ટ અને ૧ નાની ચમચી લાલ મરચું પાવડર, ૧ ચમચી ધાણાજીરૂ પાવડર અને એક ચપટી ગરમ મસાલો ઊમેરી મસાલો શેકાઈ જાય તેટલી વાર સાંતળો.

હવે બટેટા અને વટાણાનો માવો ઊમેરી ફરીથી થોડી વાર સાંતળો. ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ અને સ્વાદાનુસાર નમક ઊમેરી બરાબર ભેળવી લ્યો. આ પૂરણને ઠરવા દ્યો.

તૈયાર કરેલા લોટનો લુઓ વણી આશરે ૪ ઈંચની પૂરી વણવી. આ પુરીમાં સ્ટફિંગ મૂકી તેને ઘૂઘરાનાં શેપમાં હાથેથી બંધ કરવી. (ચાહો તો ઘુઘરાનું તૈયાર મોલ્ડ પણ વાપરી શકો.) આ રીતે દરેક ઘુઘરા વાળી ને તૈયાર કરી રાખવા.

એક કડાઈમાં પૂરતું તેલ ગરમ કરી તેમાં આ ઘુઘરા સોનેરી રંગનાં થાય ત્યાં સુધી હળવી આંચ પર તળી લેવા. વધારાનું તેલ શોષાઈ જાય તે માટે ઘુઘરાને ટીસ્યુ પેપર પર રાખવા.

સર્વિંગ પ્લેટમાં ઘુઘરા લઈ ખજૂર-આમલીની મીઠી ચટણી, લીલી ચટણી અને લસણની ચટણી છાંટી, નાયલોન સેવ, મસાલા શીંગ અને કોથમરીનાં પાન વડે ગાર્નિશ કરી પીરસવા.

ફોટો કર્ટસી : ઈન્ટરનેટ.

Leave a Reply

error: Content is protected !!