કેરીના ગોટલામાંથી આ રીતે જાતે જ બનાવો સ્વાદિષ્ટ ફજેતો ?
ફજેતો એ કેરીની મૌસમમાં સૌના ઘરે બને છે. ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ (બેસન) અને અન્ય મસાલાઓ વાપરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરમાં જ્યારે કેરીનો રસ બને ત્યારે તેના ગોટલા ધોઈને તેમાંથી ફજેતો બનાવાય છે. આ ફજેતો દાળ અથવા કઢીના ઓપ્શન તરીકે બનાવી શકાય છે.
ફજેતો બનાવવા માટે જરૂરી સામગ્રી:

5-6 પાકી કેરીનાં ગોટલા
એકથી બે કપ પાણી
અડધો કપ દહીં
1 મોટી ચમચી બેસન
અડધી ચમચી આદુની પેસ્ટ
1 ચમચી લાલ મરચું
1/4 ચમચી હળદર
1 ચમચો ગોળ
મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે:
7-8 મીઠા લીમડાનાં પાન
2 લવિંગ
નાનો ટુકડો તજ
1/4 ચમચી જીરું
1 ચમચી ઘી
ચપટી હિંગ
સજાવટ માટે કોથમીર
ફજેતો બનાવવાની રીત:
15 મિનિટ માટે ગોટલાને પાણીમાં પલાળી, હાથ અને છરીની મદદ બધો ગર કાઢી લેવો. પછી બ્લેન્ડરથી એકરસ કરી લેવું. ગોટલાને બદલે ડાયરેક્ટ કેરીનો પલ્પ પણ ઉપયોગ કરી શકો.
એક કઢાઈમાં દહીં લઈ તેમાં બેસન, નમક, હળદર, મરચુ, આદુની પેસ્ટ, લીલા મરચા વગેરે ઉમેરો. તેને બરાબર હલાવો જેથી લોટના બિલકુલ ગઠ્ઠા ન રહે.
ગોટલાનો રસ અથવા પલ્પને દહીં વાળા મિશ્રણમાં ઉમેરી બરાબર હલાવો. હવે તેને ગેસ પર મધ્યમ આંચ પર ઉકળવા દો. થોડી-થોડી વારે હલાવતા રહો જેથી દહીંના ગઠ્ઠા ન થાય. જ્યારે તે ઉકળવા માંડે ત્યારે તેમાં હળદર અને કેરીના પલ્પનો કેસરી રંગ આવવા માંડશે. પંદરેક મિનિટ તેને ઉકળવા દો. વધુ ઘટ્ટ થઈ જાય તો પાણી ઉમેરો. તેની ઘટતા ગુજરાતી કઢી જેવી હોવી જોઈએ.
વઘાર કરવા માટે ઘી નાંખો, તેમાં જીરુ નાંખી તતડવા દો. પછી તજ-લવિંગ, સૂકુ મરચું નાંખી તેને તતડવા દો. છેલ્લે હીંગ અને લીમડો નાંખી વઘાર કરી દો. વઘાર પછી થોડી વાર ફજેતો ઉકળવા દો. તૈયાર છે તમારો સ્વાદિષ્ટ ફજેતો.
રસ-પૂરીના જમણમાં અંતે ભાત સાથે ફજેતો પીરસાય છે જે ભારે જમણને પચવામાં પણ મદદ કરે છે. ફજેતો સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ કહી શકાય. એટલું જ નહીં, ગુજરાતીઓની એ પરંપરા છે ક, રસ-પૂરીનું જમણ ફજેતા વિના અધૂરું રહે!
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સ્વાદિષ્ટ રેસિપી પસંદ આવી હોય તો શેર કરો અને ઘરે ટ્રાય કરો…