જૂની યાદ – ભારતને હારતા જોઇને દર્શકોએ સ્ટેડીયમમાં આગ લગાવી દીધેલી – કાંબલી ત્યાં જ રોવા માંડેલો

વર્લ્ડ કપની વાત આવતા જ વર્ષ 1996ની તસ્વીર આંખો સામે આવી જાય છે. 13 માર્ચ, 1996માં ઈડન ગાર્ડનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ સેમિફાઇનલ ભારતીય ક્રિકેટ માટે કાળો ઈતિહાસ છે. આ મેચમાં ભારતીય ટીમની હાર થતા જોઈને ફેન્સ બેકાબૂ બની ગયા હતા અને સ્ટેડિયમમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. ઈડન ગાર્ડનની એ મેચ ભાગ્યે જ કોઈ ભુલ્યું હશે. ખાસકરીને એ મેચમાં રમનાર ક્રિકેટરો માટે એ દિવસ ખરેખર કાળો ઈતિહાસ રહ્યો હશે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

13 માર્ચ 1996નાં દિવસે ઈડન ગાર્ડનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને 252 રનનો ટાર્ગેટ મળ્યો, આપણી ટીમ આટલા રન ચેસ ન કરી શકી. ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 34.1 ઓવરમાં 120 રન બનાવીને આઠ વિકેટ ગુમાવી હતી. આ દ્રશ્ય જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા અને મેદાનમાં જ પોતાનો ગુસ્સો ઠાલવવા લાગ્યા. હકીકતમાં, આઠ વિકેટ પડ્યાં પછી ફેન્સને ભારતની હાર દેખાઈ રહી હતી, જેના કારણે એમણે પોતાનો ગુસ્સો ક્રિકેટરો પર ઉતાર્યો અને સ્ટેન્ડમાં આગ લગાવી દીધી.

22 રનની અંદર ભારતની 5 વિકેટ પડી ગઈ હતી:


252 રનનો પીછો કરી રહેલ ઇન્ડિયન ક્રિકેટ ટીમની બેટિંગ શરૂઆતથી જ ડગમગ થઈ ગઈ. નવજોતસિંહ સિદ્ધુ ત્રણ રન બનાવીને ચામીંડા વાસના બોલ પર પેવેલિયન ભેગા થઈ ગયા, ત્યારબાદ સચિન તેંડુલકર અને સંજય માંજરેકરે બીજી વિકેટ માટે 90 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. પરંતુ પછી સચિન 68 રન પર આઉટ થઈ ગયા, જેનાથી ઇન્ડિયન ટીમ ભાંગી પડી. સચિન જ્યારે આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર 98 હતો, જેમાં એમના 68 રન હતા, પરંતુ એમના આઉટ થતા જ પછીના 22 રનમાં ભારતની 5 વિકેટ પડી ગઈ.

35મી ઓવરમાં જ દર્શકોએ સ્ટેન્ડ ઉડાવી ફેંક્યા :


ભારતીય ટીમને જીતવા માટે 15.5 ઓવરમાં 132 રન બનાવવાના હતા અને ફક્ત 2 વિકેટ બચી હતી, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલ દર્શકોને લાગ્યું કે, હવે કોઈપણ હાલતમાં ભારત આ મેચ જીતી શકશે નહીં. જેના કારણે એમણે તોડ-ફોડ શરૂ કરી દીધી. ત્યાં હાજર દર્શકોએ સ્ટેન્ડમાં આગ લગાવી દીધી અને મેદાનમાં બોટલો ફેંકવા લાગ્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને બહાર બોલાવી લેવામાં આવ્યા, ત્યારબાદ ફરી તેઓ મેદાનમાં આવ્યા તો દર્શકોએ ફરી ધમાલ શરૂ કરી અને અંતમાં શ્રીલંકાને સેમિફાઇનલ મેચની વિજેતા ટીમ જાહેર કરવામાં આવી.

વિનોદ કંબલી રડવા લાગ્યા હતા :


જ્યાં એકતરફ શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચવાની ખુશી મનાવી રહી હતી તો બીજી તરફ કાંબલીની આંખોમાં આંસૂ હતા. કાંબલી રડતા-રડતા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કાંબલી આજે પણ ઘણી વખત કહે છે કે, જ્યારે એ સેમિફાઇનલ જોવ છું ત્યારે આંખમાં આંસૂ આવી જાય છે. કારણ કે એ વખતે અમે લોકો આખી ટુર્નામેન્ટમાં ખૂબ સારું રમ્યા હતા, પરંતુ છેલ્લી મેચમાં હારી ગયા. એ મેચમાં કોઈએ મારો સાથ ન આપ્યો અને મારી નજર સામે પાંચ વિકેટ પડી ગઈ. કાંબલીએ કહ્યું કે, જ્યાં સુધી સચિન રમી રહ્યા હતા ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ જેવા તેઓ આઉટ થયા કે અમે બેકફૂટ પર ચાલ્યા ગયા અને અમારું ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!