કોરોના ની શોધ ૧૯૬૦માં થયેલી – શું કોરોના વાયરસની સાથે જીવતા શીખવું પડશે?

મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયાની સારવારના નિષ્ણાત,
રાજકોટના સુપ્રસિદ્ધ ફિઝિશિયન
ડૉ. જી. યુ. મહેતા ‘કોરોના’ વિષે શું કહે છે?

(કોરોના વાયરસ અને તેનાથી થતી બીમારી વિષે અત્યાર સુધીમાં બહુ બધું લખાયું છે અને લખાઈ રહ્યું છે. એમાં ઉમેરો કરવાનું ઉચિત જણાતું નહોતું એટલે અત્યાર સુધી લખવાનું ટાળ્યું હતું. પરંતુ, રાજકોટથી મારાં માસીયાઈ મોટાભાઈ ડૉ. ગજેન્દ્ર ઉમેદચંદ મહેતા (ડૉ. જી. યુ. મહેતા)નો ફોન આવ્યો અને એમની સાથેની વાતચીત્ત દરમિયાન ખુબ જ વિશ્વસનીય માહિતી જાણવા મળી એથી લખવા પ્રેરાયો છું. ‘કોરોના સંકટકાળ’માં આ લેખ ગુજરાતભરના લોકોને ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું. – મહેશ દોશી, પૂર્વતંત્રી – ફૂલછાબ).

રાજકોટમાં ડૉ. જી. યુ. મહેતા ખુબ જ જાણીતું નામ છે. છેલ્લા સાડા ચાર દાયકાથી શહેરના કોઠારિયા નાકા નજીક, દિવાનપરામાં ક્લિનિક ધરાવતા ડૉ. મહેતાનું નામ સહુ કોઈ અત્યંત આદર સાથે લે છે. તેમનું નિદાન એક હજાર એક ટકા પરફેક્ટ જ હોય એવી શાખ તેઓ ધરાવે છે. ગમે તેવું દરદ હોય, “તમને ચોક્કસ સારું થઈ જશે” એવા ડૉ. મહેતાના આત્મવિશ્વાસથી છલોછલ શબ્દો સાંભળો એટલે અરધું દરદ તો ગાયબ થઇ જ ગયું સમજો! ડૉ. મહેતા પાસે પહેલી જ વખત ગયેલી તદ્દન અજાણી વ્યક્તિ પણ પોતાના વડીલ સ્વજન પાસેથી જબરદસ્ત સધિયારો મળ્યો હોય એવી લાગણી અને હળવાશ સાથે તેમના દવાખાનામાંથી બહાર નીકળે છે!

ડૉ. મહેતાની સિદ્ધિઓ:

‘મેલેરિયા’, ‘ડેન્ગ્યુ’ અને ‘ચિકુનગુનિયા’ની બીમારીઓ પર ડૉ. જી. યુ. મહેતાએ ખુબ ઊંડો અભ્યાસ અને સંશોધન કર્યા છે. આ બીમારીઓ પર તેઓ ‘ઓથોરિટી’ ગણાય છે. ગંભીર સ્થિતિમાં મૂકાયેલા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના હજ્જારો દરદીઓને ડૉ. મહેતાએ સરળપણે અને સફળતાપૂર્વક સાજા કર્યા છે. રાજકોટમાં કોઈને પણ મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયા થાય એટલે “ડૉ. જી. યુ. મહેતાને દેખાડી આવો” એવી જ સલાહ મળે! ડૉ. મહેતાની સિદ્ધિઓ વિષે તો એક આખો સ્વતંત્ર લેખ કે શ્રેણી લખવી પડે જે અવસર આવ્યે લખીશ; અત્યારે તો એમણે કોરોના વિષે જે કહ્યું એ વધુ અગત્યનું હોઈ એમના જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત કરું છું:

કોરોના વાયરસના પાંચ પ્રકાર:

“કોરોના એ કોઈ નવો વાયરસ નથી, તેની શોધ છેક ૧૯૬૦ના દાયકામાં થઈ હતી. આ વાયરસના પાંચ પ્રકાર છે જેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરેનો સમાવેશ થાય છે. હમણાં તેનો છઠ્ઠો પ્રકાર પણ શોધાયો છે. આમાંનો ‘બીટા’ વાયરસ માનવી માટે વધુ જોખમી છે. ૨૦૦૨ અને ૨૦૦૪માં ‘સાર્સ’ નામથી ‘કોરોના-૧’ વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. એ પછી ૨૦૧૨, ૨૦૧૫ અને ૨૦૧૮ના વર્ષોમાં ‘મર્સ’ નામથી આ વાયરસનો રોગચાળો જગતમાં ફેલાયો હતો. આ બધા બીટા વાયરસના જ પ્રકાર હતા. કોરોના એક રૂટીન વાયરસ છે અને તેની અસર વિશ્વભરમાં દર વર્ષે ‘ફ્લુ’ના વાયરા સ્વરૂપે જોવા મળે છે. શિયાળામાં હવામાન સૂકું અને ઠંડું થાય એટલે બધાને શરદી થાય, નાકમાંથી પાણી નીકળવા લાગે, ગળામાં દુઃખાવો થાય એટલે કહેવાય કે, ફ્લુ થયો છે. રોગચાળાની આવી સ્થિતિ જગત આખામાં દર વર્ષે પેદા થાય જ છે. દર વર્ષે જે ફ્લુ, ઇન્ફ્લુએન્ઝા, સ્વાઇનફ્લુ, બર્ડફ્લુ, પેરેન્ફ્લુએન્ઝા, એડીનોવાયરસ એ બધા વાયરસને કારણે થાય છે અને એમાં કોરોનાનો સમાવેશ પણ હોય જ છે.”

સૃષ્ટિનો સૌથી સુક્ષ્મ જીવ એટલે વાયરસ:

“જૈન ધર્મ સહિત વિવિધ ધર્મો આ સૃષ્ટિ પર ચોર્યાસી લાખ જીવ યોનિ હોવાનું કહે છે; આમાં જીવનું સૂક્ષ્મતમ સ્વરૂપ એટલે વિષાણુ કે વાયરસ. કોઇપણ જીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બે બાબતની જરૂર પડે છે તે છે આહાર અને પ્રજોત્પતિ. વાયરસને ઈશ્વરે કોઈપણ પ્રકારની ઇન્દ્રિયો આપી નથી; તે એક સૂક્ષ્મતમ કોશ માત્ર છે એટલે તે પોતાની રીતે ખોરાક લઇ શકે નહીં કે પ્રજોત્પતિ પણ કરી શકે નહીં એટલે એ આ કાર્યો માટે અન્ય જીવો પર આધાર રાખે છે, એટલે કે એ પરોપજીવી હોય છે. વાયરસ આ બે કાર્યો માટે પશુ, પક્ષી કે, માનવીના શરીરમાં દાખલ થાય છે અને તેના જ કોશોનો ઉપયોગ કરીને ખોરાક મેળવે તેમ જ પોતાના જેવા બીજા વાયરસ બનાવે છે.”

રોગપ્રતિકારક શક્તિ:

“બીજી તરફ, આવા વાયરસ કે વિષાણુંઓથી બચવા માટે ઈશ્વરે આપણને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) આપી છે જેનાથી શરીર ‘એન્ટીબોડીઝ’ (પ્રતિકારક કોશ) ઉત્પન્ન કરે છે જે વાયરસને મારી હઠાવે છે. આથી આપણે બીમારીથી બચી જઈએ છીએ. જેની રોગપ્રતિકારકતા શક્તિશાળી હોય એ વ્યક્તિ બીમારીથી બચી જાય છે પરંતુ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો બીમાર થાય છે. આ રીતે બીમાર થયેલી વ્યક્તિનું શરીર પણ ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વાયરસનો ખાત્મો કરે છે, અંતે એ વ્યક્તિ સાજી થઇ જાય છે.”

વાયરસના અસ્તિત્વનો સવાલ!:

વાયરસને કારણે ફેલાયેલા રોગચાળા સામે ધીરે ધીરે બધા મનુષ્યો રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લે એટલે એ વાયરસનું અસ્તિત્વ જોખમમાં આવી જાય છે; આ તબક્કે એ વાયરસ પછી પશુ, પક્ષીમાં પોતાનું આશ્રયસ્થાન બનાવી લે છે, અને સુષુપ્ત અવસ્થામાં ચાલ્યો જાય છે. આશ્રયદાતા પશુ, પક્ષી માટે એ કોઈ સમસ્યા પેદા કરતો નથી પરંતુ, એ દરમિયાન એ પોતાને વધુ બળવાન બનાવવાનું કાર્ય ચાલુ રાખે છે અને જેવો ખુબ બળવતર બની જાય કે, ફરી મનુષ્ય પર ત્રાટકે છે! આ સમયે મનુષ્યના શરીરમાં તેની સામે લડવા માટેના ‘એન્ટીબોડીઝ’ હોતા નથી એટલે લોકો બીમાર પડે છે અને એકનો ચેપ બીજાને લાગવાથી તેનો ફેલાવો થાય છે. આમ, આ સાયકલ ચાલ્યા જ કરે છે.”

ઝડપી ગુણાકાર:

કોરોના વાયરસના ચેપથી બચવા અને તમને ચેપ લાગ્યો હોય તો અન્ય લોકોને બચાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ ભારત સરકારે સામાજિક દૂરી (સોશિયલ ડીસ્ટન્સિંગ), ઘરબંધી (લોકડાઉન) તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા સહિતના જે નીતિ-નિયમો અને માર્ગદર્શન સૂચવ્યાં છે તેનું ચુસ્તપણે પાલન કરવાનો ડૉ. મહેતાએ સહુકોઈને ભારપૂર્વક આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી એક સંક્રમિત વ્યક્તિ તત્કાળ બીજા ત્રણ લોકોને ચેપ લગાડે છે. એ ત્રણ બીજા ત્રણ ત્રણને ચેપ લગાડે એ રીતે તેનો ગુણાકાર થતો જાય છે પરિણામે, એક સંક્રમિત વ્યક્તિ માત્ર ગણતરીના દિવસોમાં જ પાંચસોથી સાતસો લોકોને સંક્રમિત કરે છે. હાલ, લોકોમાં આ નવા કોરોના વાયરસના ‘એન્ટીબોડીઝ’ હોતા નથી એટલે તેઓ તુરત બીમાર પડે છે અને તેઓનો ચેપ બીજા લોકોને લાગવાથી આ રોગચાળો અત્યંત ઝડપભેર ફેલાય છે. દુનિયાભરમાં અત્યંત ટૂંકાગાળામાં લાખો લોકો સંક્રમિત થયા અને વધુ ને વધુ થતાં જાય છે તેનું એકમાત્ર કારણ આ જ છે.”

મોટી ઉંમરના લોકો પર ઊંચું જોખમ:

ચીન પછી યુરોપના દેશો અને બાદમાં અમેરિકામાં કોરોનાએ જબરદસ્ત ભરડો લીધો તે વિષે ડૉ. મહેતા આ દેશોના ઠંડા વાતાવરણને અને લોકોની બેદરકારીને જવાબદાર ઠરાવે છે. આ દેશોમાં મૃત્યુના વ્યાપક પ્રમાણ વિષે તેઓ જણાવે છે કે, “૬૦, ૬૫ કે તેથી મોટી ઉંમરના લોકોમાં મૃત્યુનું ઊંચું જોવામાં આવ્યું છે. આ માટે બે બાબતો વધુ જવાબદાર છે: એક – મોટી ઉંમરના લોકોમાં ‘ઇમ્યુનિટી’ ઓછી થઇ ગઈ હોય છે અને બીજું – ઘણા કિસ્સામાં તેઓ કોઈને કોઈ અન્ય ગંભીર બીમારીથી પીડાતા હોય છે. આ સંજોગોમાં તેઓનું શરીર કોરોના વાયરસના હુમલાનો પ્રતિકાર કરી શકતું નથી. કોરોનાથી જે યુવાનો મૃત્યુ પામ્યા છે તેનો સર્વે કરવામાં આવે તો જાણવા મળશે કે, તેઓ કેન્સર, ડાયાબીટીસ કે એવી ગંભીર બીમારીઓના પહેલેથી જ શિકાર હતા.”

યુવાનો કઈ રીતે બચી જાય છે?

“કોરોના વાયરસથી બીમાર પડવાનું પ્રમાણ યુવાનોમાં પ્રમાણમાં ઓછું જોવામાં આવી રહ્યું છે કેમકે, યુવાનોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે અને તેઓનું શરીર ઝડપભેર ‘એન્ટીબોડીઝ’ પેદા કરી લે છે. જગતભરમાં કોરોનાના દરદીઓની સારવાર કરતાં તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાંથી કોરોનાનો ચેપ લાગવાના બનાવ ખુબ ઓછા નોંધાયા છે. તેનું કારણ તેઓમાંના મોટાભાગના યુવાન હોય છે. બીજું કે, દરદીઓની સારવારના કાર્યમાં હોવાથી ચેપથી બચવાની બાબતે તેઓ ખુબ જ જાગૃત હોય છે. સંક્રમણથી બચવા સાવચેતીના તમામ પગલાં તેઓ લેતા હોય છે. આમ છતાં, અત્યારની પરિસ્થિતિમાં કોઇપણ યુવાન વ્યક્તિએ પણ ખોટું જોખમ વહોરી લેવું જોઈએ નહીં. યુવાનો અને બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાના બનાવો જગતભરમાં નોંધાઈ રહ્યા છે.”

વાયરસ સંક્રમિત લોકોની ચાર કેટેગરી:

“કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓ જુદી-જુદી ચાર કક્ષામાં હોય છે. જેમાં (૧). ‘માઈલ્ડ’ (૨). ‘મોડરેટ’ (૩). ‘સિવિયર’ અને (૪). ‘ક્રિટીકલ’. આમાં, ૮૦ ટકા લોકો ‘માઈલ્ડ’ કેટેગરીમાં હોય છે. તેઓ સારવાર વિના પણ પાંચ સાત દિવસમાં સાજા થઇ જાય છે. ૧૫ ટકા લોકો ‘મોડરેટ’ કેટેગરીમાં હોય છે તેઓ સામાન્ય સારવાર મળવાથી સાજા થાય છે. બાકીના પાંચ ટકામાંથી ચાર ટકા ‘સિવિયર’ કેટેગરીમાં આવે છે જેઓને સઘન સારવાર (ઇન્ટેન્સીવ કેર) આપવી પડે છે. સઘન સારવાર મળવાથી મહદ અંશે તેઓ બચી જાય છે. હવે બાકીના એક ટકો લોકો ‘ક્રિટીકલ’ કક્ષામાં આવે છે અને તેઓ અત્યંત જોખમી સ્થિતિમાં ગણાય. તેઓમાં કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર, ફેફસાંની કોઈ બીમારી બેકાબુ હોય તો આવા કેઈસ ફેઈલ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. કોરોનાથી ભય પામવાની કે ગભરાવાની કોઈ જરૂર જ નથી, જરૂર છે અત્યંત જાગૃતિ અને પૂરી તકેદારી રાખવાની.”

સસ્તો સાબુ પણ કારગર:

ડૉ. જી. યુ. મહેતાએ કોરોનાના ચેપથી બચવા અંગે જણાવ્યું કે, “સંક્રમિત વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય એટલે લાળ, થૂંક અને કફની સાથે કોરોના વાયરસ પણ બહાર ફેંકાય છે જે તેની આસપાસ છ ફૂટના પરિઘમાં રહેલી વ્યક્તિઓને પણ સંક્રમિત કરે છે. આથી સંક્રમિત વ્યક્તિએ અને તેની સાથે રહેતા લોકોએ ‘માસ્ક’ પહેરવું અને નિકટના સંપર્કથી દૂર રહેવું અતિ આવશ્યક છે. સંક્રમિત વ્યક્તિ જે ચીજોને સ્પર્શ કરે એ તમામ ચીજોની સપાટી પર કોરોના વાયરસ ૧૨થી ૭૨ કલાક સુધી જીવિત રહે છે એટલે એવી કોઈપણ ચીજથી દૂર જ રહેવું જોઈએ અને સમયાંતરે સાબુથી હાથ ધોતાં રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, આ માટે મોંઘા સાબુ વાપરવાની કોઈ જ જરૂર નથી, કપડાં ધોવાનો સસ્તામાં સસ્તો સાબુ પણ ઉપયોગમાં લઇ શકાય છે; શરત એટલી જ કે, સતત ૨૦ સેકંડ સુધી હાથમાં સાબુના ફીણ ચોળીને એકદમ સારી પેઠે ધોવા જોઈએ.”

તૈલી પદાર્થની નીચે જીવે છે વાયરસ:

બીજી એક મહત્વની વાત કરતાં ડૉ. મહેતાએ જણાવ્યું કે, “કોરોના વાયરસની ઉપર ચરબીનું કોટિંગ હોય છે, સતત વીસ સેકંડ સુધી સાબુથી હાથ ધોવાથી કે, સેનીટાઈઝરથી હાથ સાફ કરવાથી વાયરસની ઉપરનું ચરબીનું કોટિંગ ઓગળી જાય છે અને તેથી વાયરસ મરી જાય છે. પરંતુ, જો હાથ કે, ચહેરા પર વેસેલીન, ક્રીમ કે, કોઈપણ તૈલી પદાર્થ લાગેલો હોય તો એ તૈલી પદાર્થની નીચે કોરોના વાયરસ જીવિત રહે છે; આ સંજોગોમાં માત્ર સેનીટાઈઝર અસરકારક રહેતું નથી અને સાબુથી જ હાથ, મોં ધોવાનું અનિવાર્ય છે.”

કેવો ખોરાક લેવો જોઈએ?:

કોરોના સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતે ડૉ. મહેતા જણાવે છે કે, પ્રોટીનની માત્રા વધારે હોય એવો ખોરાક એટલે કે, ભોજનમાં દાળ, કઠોળ, ફોતરાવાળા દેશી દાળિયા (શેકેલા ચણા)નું પ્રમાણ વધારે લેવું જોઈએ. સાથે જેમાં ઝીંકનું પ્રમાણ વધારે હોય એવો ખોરાક પણ સહાયક નીવડે છે. ઝીંક વધુ હોય એવી ચીજોમાં, તકમરિયા, ટોફુ, કાજુ, અળસીનો ભૂકો, કોળાના બીજ (પંપકિન સીડ્સ), ક્વિનોવા, પાલક, બ્રોકોલી, લસણ, મશરૂમ, આખું અનાજ, ડાર્ક ચોકલેટ, ફોર્ટીફાઈડ ખાદ્ય ચીજો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાટા ફળ (સાઈટરસ ફ્રુટ) જેવાં કે, લીંબુ, સંતરાં, સફરજન, દ્રાક્ષ વગેરેનો પણ ભોજનમાં સારી માત્રામાં સમાવેશ કરવો જરૂરી છે.

કોરોના વાયરસની સાથે જીવતા શીખવું પડશે:

અંતમાં, ડૉ. મહેતાએ જણાવ્યું કે, આપણા દેશમાં હાલ કોરોના વાયરસ નિયંત્રણમાં છે એ સાચું પરંતુ, ‘લોકડાઉન’ ઉઠી જતાં જ વાયરસ ઝડપભેર ફેલાવાનું જોખમ ઘણું ઊંચું રહેશે. આ સંજોગોમાં, આપણી સરકાર જે કોઈપણ સલાહ, સૂચન અને તકેદારીના પગલાં સૂચવે તેનું ચુસ્તપણે પાલન દરેક વ્યક્તિએ અનિવાર્યપણે કરવું આવશ્યક છે. આપણા દેશમાં હજુ તો આ માત્ર શરૂઆત છે. લોકો બેદરકાર રહેશે તો સ્થિતિ બેકાબુ બની શકે છે. ફ્લુ, સ્વાઇન ફ્લુ વગેરેની જેમ હવે દર વર્ષે કોરોના વાયરસથી પણ લોકો બીમાર પડશે. આ સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિએ કોરોના સામે માનસિક રીતે પણ તૈયાર રહેતાં શીખવું પડશે. હવે પછી, જેટલી વધુ જાગૃતિ રાખીશું, સામાજિક દૂરી બનાવી રાખીશું અને કોરોનાના ચેપથી બચતા રહેશું તેટલા સ્વસ્થ રહી શકીશું તે હકીકત સહુ કોઇએ સતત નજર સમક્ષ રાખવાની રહેશે. – અસ્તુ.

(લખ્યા તારીખ: ૦૯ એપ્રિલ ૨૦૨૦, ગુરૂવાર. આ બાબતમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રશ્ન હોય, સલાહ-માર્ગદર્શન જોઈતા હોય તો મારા ઈમેઈલ: [email protected] પર વિગત મોકલી શકે છે; હું ડૉ. જી. યુ. મહેતાનો સંપર્ક સાધીને આવશ્યક માર્ગદર્શન મેળવી આપીશ જે સહુને સુવિદિત થાય. – મહેશ દોશી.)

જો ડોક્ટર સાહેબનો આ મેસેજ આપણે ગમ્યો હોય અને એમને જે સરળ ભાષામાં કહ્યું એ સમજાયું હોય તો આ મેસેજ બધા મિત્રો સુધી જરૂર શેર કરજો.

લેખન સોર્સ: મહેશ દોશી, પૂર્વતંત્રી – ફૂલછાબ

માહિતી સોર્સ: વોટ્સએપ

Leave a Reply

error: Content is protected !!