મોટા સમાચાર – વાણિજ્યીક – ઊદ્યોગ સંબંધિત છૂટછાટો આપવાના મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો

ભારત સરકારની ગાઇડલાઇનને આધિન વાણિજ્યીક – ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટોનો તા. ર૦ એપ્રિલથી ગુજરાતમાં પણ અમલ કરાશે

-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-

  • હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે
  • જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના
  • વાણિજ્યીક – ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન – સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે
  • નિયમો-વ્યવસ્થાઓના ઉલ્લંઘન કે ચૂકના કિસ્સામાં મંજુરી પરત લઇ એકમ બંધ કરાવી દેવાશે
    હોટસ્પોટ જાહેર થયેલા કોઇ પણ વિસ્તારનો કર્મચારી-શ્રમિક-અધિકારી કામ પર ન આવે તેની કાળજી લેવાની રહેશે
  • ગ્રામીણ વિસ્તારના મનરેગાના કામો શરૂ કરી શકાશે
  • ઇલેકટ્રીશ્યન – પ્લંબર – કારપેન્ટર – મોટર મિકેનીક જેવા સ્વરોજગાર મેળવતા કારીગરોને તા.ર૦ એપ્રિલથી કામકાજ શરૂ કરવાની મંજુરી
  • મહાપાલિકા – નગરપાલિકા સિવાયના બહારના વિસ્તારોમાં માર્ગ બાંધકામ-સિંચાઇ-બાંધકામ અને MSME સહિતના ઔદ્યોગિક પ્રોજેકટ કાર્યરત કરી શકાશે
  • શહેરી વિસ્તારોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ ઇન સી ટુ કન્સ્ટ્રકશન સુવિધા હોય ત્યાં શરૂ કરવાની છૂટ

વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે, આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને નક્કી કરશે.

મુખ્યમંત્રીશ્રીએ આપેલા દિશાનિર્દેશો મુજબ જિલ્લાકક્ષાએ વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરે તેની મંજુરીઓ કેટલાક નિયમોને આધિન રહીને આપશે એમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે. પરંતુ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આવા એકમોએ થર્મલ ગન, સેનિટાઇઝેશન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.

એટલું જ નહિ, કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે અને જો તે શકય ન હોય તો કર્મચારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
આ તકેદારીઓ-નિયમોનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઇ ઊદ્યોગ વાણિજ્યીક એકમો બંધ કરાવી દેવાશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ઊદ્યોગોમાં ૧ર કલાકની શીફટ રાખવાની રહેશે અને આ માટે પ્રપોશનેટલી વધુ વેતન અપાશે. તેમજ મહિલા કામદારો પાસેથી સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી કામ લઇ શકાશે નહી. તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે.

ભારત સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન્સ મુજબ રાજ્યમાં પણ તા.ર૦મી એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાના કામો શરૂ કરી શકાશે. આવા કામોમાં સિંચાઇ, જળસંવર્ધનના કામોને અગ્રતા અપાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મનરેગાના કામ પર આવનારા શ્રમિકો માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ પણ ફરજિયાત રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત, સ્વરોજગારી સાથે સંકળાયેલા અને જેઓ રોજનું કમાઇને રોજ ખાનારા છે તેવા ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, કારપેન્ટર, મોટર મીકેનીક જેવા કારીગરોને કામકાજ શરૂ કરવાની મંજુરી આપવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. આવા વ્યકિતઓએ પણ ફરજિયાત પણે માસ્કનો ઉપયોગ સેનીટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ રાજ્યમાં પણ આગામી તા. ર૦મી એપ્રિલથી મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર બહારના વિસ્તારોમાં માર્ગોના બાંધકામ, સિંચાઇ પ્રોજેકટસ, બાંધકામ અને MSME સહિતના તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રોજેકટસ કાર્યરત કરી શકાશે તેવું મુખ્યમંત્રીશ્રીએ સૂચવેલું છે.

આવા પ્રોજેકટસ પૂન: શરૂ કરતા પૂર્વે શ્રમિકો-કામદારો માટે જરૂરી માસ્ક, સેનિટાઇઝેશન સુવિધા, સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સનું પાલન પણ અવશ્ય કરવાનું રહેશે.

રાજ્યમાં શહેરી વિસ્તારોમાં-મહાપાલિકા-નગરપાલિકા હદમાં નિર્માણાધિન બાંધકામના એવા પ્રોજેકટસ કે જ્યાં શ્રમિકો-કામદારોને રહેવાની વ્યવસ્થા પ્રોજેકટ સ્થળે જ ઇન-સી-ટુ-કન્સ્ટ્રકશન હોય અને બહારથી શ્રમિકો લાવવા પડે તેમ ન હોય તેવા પ્રોજેકટ પણ કાર્યરત કરી શકાશે.

આ વ્યવસ્થામાં પણ ફરજિયાત માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખવાની સૂચનાઓનું પાલન કરવું પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ જણાવ્યું કે આવા પ્રોજેકટસ કાર્યરત કરવાની પરવાનગીઓ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટી કેસ ટુ કેસ સ્ટડી કરીને આપશે.

તેમણે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં ગુરૂવારે રાજ્યમાં નાગરિકો-પ્રજાવર્ગો માટે દૂધ, શાકભાજી, ફળફળાદિ સહિતની ચીજવસ્તુઓની ઉપલબ્ધિની વિગતો પણ આપી હતી.

સમગ્ર રાજ્યમાં ગુરૂવારે સવારે ૪૬ લાખ લિટર દૂધનું વિતરણ, ૭૧,૦૮૦ કવીન્ટલ શાકભાજી અને ૭૬૬ર કવીન્ટલ ફળફળાદિનો આવરો જયો છે જેમાં ર૪,૦૦પ કવીન્ટલ બટેટા, ૧૭,પ૦૭ કવીન્ટલ ડુંગળી, ૪૬૩૦ કવીન્ટલ ટમેટા અને ર૪,૯૩૭ કવીન્ટલ લીલાશાક તથા ૩૧૭ કવીન્ટલ સફરજન, ૬૭પ કવીન્ટલ કેળાં અને ૬૬૭૯ કવીન્ટલ અન્ય ફળોનો સમાવેશ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!