જાનના જોખમે, માનવતાના સાનિધ્યે, કરુણાની સાથે કામ કરતા વિશ્વમાનવી ભારતીય યુવકની હૃદયને હચમચાવી નાખે તેવી ગાથા……

મૂળ ધીણોજ-મહેસાણાના લંડનમાં મેડિકલ સ્ટાફ (નેક્સ્ટ ટુ ડોકટર) તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય સંદીપ ઘીવાલાઃ

જાનના જોખમે, માનવતાના સાનિધ્યે, કરુણાની સાથે કામ કરતા વિશ્વમાનવી ભારતીય યુવકની
હૃદયને હચમચાવી નાખે તેવી ગાથા……

આલેખનઃ રમેશ તન્ના

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર કર્યો હોય તેમાં યુરોપનો પણ સમાવેશ થાય છે. લંડનની હોસ્પિટલોમાં કોરોના વાયરસ મુખ્ય દરવાજે ટાંપીને બેઠો છે અને દરરોજ સેંકડો શિકાર કરી રહ્યો છે. લંડનવાસીઓએ મોતનો ચહેરો જોઈ લીધો છે. મોતનો ખોફ કોને કહેવાય તેનો અનુભવ વગર યુદ્ધે અહીં દરેકને થઈ રહ્યો છે. મોતે માણસોની દુનિયામાં સન્નાટો ફેલાવી દીધો છે ત્યારે, કાળી વાદળીમાં રૂપેરી કોર જેવી ઘણી એવી બીનાઓ બની રહી છે જેને જોઈને કોરોના વાયરસ કાંપી રહ્યો છે અને માનવતા રાજી થઈ રહી છે.

એવી જ એક ગાથા જાણવા આવો મળીએ સંદીપ ઘીવાલાને.

જેના માટે માણસ માત્રને ગાૈરવ થાય તેવો આ 35 વર્ષીય યુવક લંડનની નોર્થવીક પાર્ક હોસ્પિટલમાં ફરજ બજાવે છે. 2006થી લંડનમાં રહેતા સંદીપભાઈ હોસ્પિટલના ઈન્ટેનસીવ કેર યુનિટ (આઈસીયુ)ના હાઈ ડિપેનડેન્સી યુનિટ (એચડીયુ) વિભાગમાં કામ કરી રહ્યા છે. આઈસીયુમાં દરદીઓ અસાધ્ય રોગવાળા અને બેભાન હોય છે, તેની સામે સંદીપભાઈ જ્યાં ફરજ બજાવે છે તે ઈન્ટેનસીવ કેર યુનિટ (આઈસીયુ)માં દરદીઓ વેન્ટિલેટર પર હોય છે અને ભાનમાં હોય છે. કોરોનાના દરદીઓની સ્થિતિ અત્યંત દયાજનક હોય છે કારણ કે કોરોના વાયરસ વ્યક્તિનાં ફેફસાં પર રીતસરનું આક્રમણ કરે છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે. ધમણ ફૂલતી હોય તેમ તેમનાં ફેફસાં ફૂલે છે. એક-એક શ્વાસ માટે વ્યક્તિ તરફડિયાં મારે છે. સમય જતાં ફેફસાંમાં કાણાં પડે છે અને પાણી પણ ભરાઈ જાય છે. અહીં કામ કરવું કપરું અને જોખમી હોય છે.

સંદીપભાઈએ પોતાની સગી આંખે આવા અનેક દરદીઓને જીવન માટે, જિંદગીની એક-એક ક્ષણ માટે ઝઝૂમતા જોયા છે. સંદીપભાઈ કહે છે કે આવા વોર્ડનો જ્યારે અમે સહેજ દરવાજો ખોલીએ ત્યારે અંદરથી આગ આવતી હોય તેવી ગરમ હવા આવે. વેન્ટિલેટર પર દરદીઓ જીવનને બચાવવા ઝઝૂમતા હોય ત્યારે તેમની સારવાર કરવી એ પેરા મેડિકલ સ્ટાફ માટે મોટો પડકાર અને જોખમ હોય છે. સંદીપભાઈ આ હોસ્પિટલમાં કાયમી સ્ટાફ નથી. તેઓ પોતે ધારે તો રજા મૂકી શકે. જોકે રજા મૂકી હોય છે કાયમી સ્ટાફે. બેન્કો તરફથી હોસ્પિટલનોને કોન્ટાક્ટ પર મળતો સ્ટાફ પણ અત્યારે મળતો નથી કારણ કે દરેકને પોતાનો જીવ વહાલો હોય છે. સંદીપભાઈના પરિવારમાં પત્ની અને સાડા ત્રણ વર્ષનો ક્યૂટ દીકરો છે. સંદીપભાઈની જવાબદારી આવી નાજુક સ્થિતિમાં એમને સાચવવાની હોય તે સહજ છે. જોકે સંદીપભાઈ જુદી માટીના છે. તેઓ કહે છે મને મારાં મૂલ્યો રજા મૂકતાં રોકે છે. મેડિકલ ક્ષેત્રની વ્યક્તિ તરીકે મારી ફરજ છે હોસ્પિટલમાં હાજર રહેવાની. હું જ્યારે દરરોજ હોસ્પિટલમાં જાઉં છું ત્યારે બોર્ડર પર યુદ્ધ કરવા જતો હોઉં તેવી લાગણી અનુભવું છું.


લંડનમાં નેશનલ મ્યુઝિયમમાં ફરજ બજાવતા મૂળ અમદાવાદના શરદભાઈ રાવલ કહે છે કે અમને સંદીપભાઈ ગાૈરવ છે. તેણે ભારતનું જ નહીં માનવતાનું ગાૈરવ વધાર્યું છે. કર્મનિષ્ઠાનું તેમણે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
***
સંદીપભાઈ વીકમાં પાંચ દિવસ નહીં, પણ છ દિવસ હોસ્પિટલમાં જાય છે. કોરોનાનો કેર શરૂ થયો તેના પ્રારંભના દિવસોમાં તો તેમને જે મેડિકલ ડ્રેસ અપાતો હતો તે પૂર્ણ રીતે પ્રૂફ નહોતો. એ પછી જોકે ધીમે ધીમે તમામ જરૂરી પરિધાન અને ઉપકરણો મળ્યાં. આ બધાનો ઉપયોગ કરીને પણ કોરોનાગ્રસ્ત દરદીઓની સારવાર કરવાનું ફિઝિકલી અને મેન્ટલી અત્યંત કપરું હોય છે. પીપીઈ’સ માસ્ક માત્ર એક કલાક પહેરો તો પણ ચહેરા પર તેનાં નિશાન પડી જાય. (તસવીરમાં એ સ્પષ્ટ દેખાય છે.) એ પહેરીને સારવાર કરવામાં કસોટી જ થાય. સંદીપભાઈએ આ બધાની ટેવ પાડી અને તેને સહજ બનાવી દીધું છે.
તેઓ કહે છે, સાધનો કરતાં સાધના વધારે કામ લાગે છે. આ સમય મહત્તમ લોકોને બચાવવાનો છે.

**********


સંદીપભાઈ પોતાના ઘરના પ્રથમ માળે અત્યારે એકલા રહે છે. તેમનાં જીવનસાથી અને સાડા ત્રણ વર્ષનો જોતાં જ આંખ અને હૃદયમાં વસી જાય તેવો ક્યૂટ દીકરો તેમનાથી સતત દૂર રહે છે. સંદીપભાઈ હોસ્પિટલથી ઘરે પહોંચવા આવે એટલે ફોન કરી દે. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય તેઓ સીધા પ્રથમ માળે પોતાના રૂમમાં જતા રહે. મા અને દીકરો તેમને જમવા આપવા આવે, પણ સંદીપભાઈના રૂમની પાસે મૂકીને તેઓ જતાં રહે. નાનકડો દીકરો ડેડી..ડેડી.. એમ કાલુ-કાલુ બોલતો મમ્મી સાથે પગથિયાં ચડે. (એવો વીડિયો પણ છે.) દીકરા અને મમ્મીએ સંદીપભાઈને સુંદર કાર્ડ લખ્યું છે, પત્ર લખ્યા છે અને તેમના માનમાં તાળીઓ પણ પાડી છે. સંદીપભાઈ પોતાના રૂમમાંથી, ઉપરથી નીચે જુએ.. નીચે તેમનાં જીવનસાથી અને પુત્ર સાયકલ ચલાવે અને રમે.. પિતાને પોતાની ફરજ બજાવવાની છે એટલે તેઓ પત્ની કે પુત્રની સાથે રહી શકતા નથી. જોઈને તેઓ સંતોષ માને. હૃદય તો ભરાવાનું નથી, હૃદયમાં ભરાય એટલું ભરે.

આપણે જ્યારે સંદીપભાઈ સાથે વાત કરીએ છીએ ત્યારે તેમના અવાજમાં રહેલો રણકો, તેમના સ્વરમાં રહેલી પ્રતિબદ્ધતા સ્પર્શી જ જાય. તેઓ કહે છે કે આગ લાગી હોય તો ફાયરબિગ્રેડના કર્મચારીનું કામ ફાયરને ઠારવાનું છે. અત્યારે કોરોના વાયરસની આગ લાગેલી છે અને મેડિકલની ટીમ આખા વિશ્વમાં તેને ઠારવા મથી રહી છે.

સંદીપભાઈનું મૂળ વતન મહેસાણા પાસેનું ધીણોજ. અત્યારે તેમનાં માતા-પિતા અને ભાઈ અમદાવાદના રન્ના પાર્ક વિસ્તારમાં રહે છે. તેમનાં માતા-પિતા અને ભાઈ પણ સંદીપભાઈની કાર્યનિષ્ઠા માટે ગાૈરવ અનુભવે છે.

એનઆરઆઈ સંદીપભાઈ ઘીવાલાના હૃદયમાં રહેલી માનવતા, સંવેદનશીલતા અને તેમની કાર્યનિષ્ઠા માટે હરેક ગુજરાતી અને ભારતીયને માન થાય. તેમણે ભારતના સંસ્કારને દીપાવ્યા છે. તેમને શત્ શત્ વંદન. ભગવાન ખૂબ ઝડપથી તેમને આ સ્થિતિમાંથી બહાર કાઢે, તેઓ પોતાનાં જીવનસાથી અને પુત્ર સાથે ઝડપથી સમય પસાર કરી શકે.

ખાસ નોંધઃ પહેલી કોમેન્ટમાં વીડિયોની લીંક મૂકી છે. સંદીપભાઈ તરફથી મળેલા વીડિયોને આધારે આલાપ તન્નાએ આ સ્ટોરી માટે વીડિયો તૈયાર કરી આપ્યો છે.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475, અમદાવાદ)

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!