‘કોરોના’ નું અદભુત અભિવાદન – દરેક હિન્દુસ્તાનીએ જરૂર વાંચવા અને માણવા જેવુ

થેંક્યું કોરોના..?

હેલ્લો.. કોરોના.. તું ન આવ્યો હોતો તો લોકડાઉન ન થયું હોતું અને લોકડાઉન ન થયું હોતું તો અમે બંને પતિ-પત્ની ફરીથી એકબીજાનાં પ્રેમ ન પડતા. લોકડાઉને અમારા ફ્રીઝ થયેલા લવને ફ્રી કરી દીધો છે.

જોડે તો વર્ષોથી રહેતા હતા પણ જીવનમાં પહેલીવાર સજોડે આટલો સમય સુધી સાથે રહ્યાં હોઈશું.

આ કામધંધાનાં ચક્કરમાં હરતાફરતા રહેવામાં.. પૈસા ભેગા કરવામાં.. છોકરાઓને ભણાવવા ગણાવવામાં.. વહેવારો સાચવવામાં.. અમારું એકાંત ક્યાંક ખોવાય ગયું હતું. અમારું ખોવાયેલું એકાંત તે અમને આપ્યું.

તારાથી બચવા ઘરમાં પુરાઈ અમને ઘરની વ્યક્તિઓ અને ઘરની વસ્તુઓનું મહત્વ બરાબર સમજાઈ ગયું છે.

તારા કારણે ઘણા મકાન ઘર બન્યા છે, અઢકળ પરિવાર એક થયા છે, કઈ કેટલાંય પતિ-પત્ની ફરી પ્રેમી-પ્રેમિકા બની ગયા છે તારા કારણે.. સંબંધોને સજીવન કરવા માટે થેંક્યું કોરોના..

થેંક્સ કોરોના..?

હૈય.. કોરોના.. આ તારા લીધે થયેલા લોકડાઉનમાં કોલેજ ફ્રેન્ડ્સ, મીટિંગ, મુવીઝ, પાર્ટીઝ, શોપિંગ, બંક બધું જ.. બંધ છે.

પહેલા તો થયું શું થશે? કેમ જીવીશ? કેમ રહીશ? પણ પછી.. વાત ન પૂછ..

થેંક ગોડ એન્ડ થેંક યુ ઓલ સો કોરોના.. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ, દાદી-દાદુ, બિલાડા જેવો બ્રો.. એન્ડ ફૂલ ફેમિલી.. અમે સાથે મળી એટલું એન્જોય કર્યું છે કે ધીસ ડેયઝ ઈઝ માય લાઈફસ બેસ્ટ ટાઈમ.. ગોડ નોવ્સ આવો ટાઈમ પાછો ક્યારે આવશે?

યુ નો વ્હોટ.. કોરોના તારા લીધે થયેલા લોકડાઉનમાં હું મારા બીએફ ન મળવા જઈ શકી તો સાલા બીસીએ મને બ્લોક કરી. એને મારા જોડે કશો જ ઈમોશનલ નહીં પણ બધો જ ફિઝિકલ મતલબ હતો. એ સિવાય પણ બીજા બે-ત્રણ એવા એક્સપીરીયન્સ થયા કે મારી આંખો ઉઘડી ગઈ.

બટ નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ ઓલ.. સોશિયલ ડિસ્ટન્સથી ઈમોશનલ.. ફિઝીકલ.. પોતાનાઓ અને પારકાઓની પરખ કરાવવા તને કહેવાનું મન થાય છે કે, થેંક્સ કોરોના..

આભાર કોરોના..?


દોસ્ત કોરોના.. મારા માટે તું તો વિકરાળ નહીં વરદાન સાબિત થયો. ગાંજો-સિગારેટ, ફાંકી-પાન, દારૂ-જુગાર અને બીજા ક્યાં-ક્યાં વ્યસન ન હતાં મને..

ઘર બહાર જ રહેવું, ઘર બહારનું જ ખાવું-પીવું, ખાલી સૂવા ઘર આવતો.. આ અચાનક જ કોરોના તું આવ્યો અને ફરજીયાત ઘર અંદર જ રહેવું – ખાવું – પીવું પડ્યું.

લોકડાઉનમાં પણ જે જોઈએ એ છાનેખૂણે મળતું હતું, ચોરીછૂપીથી ઘર બહાર પણ જઈ શકાતું હતું. પરંતુ ક્યાંય રોગ પ્રતિકારક શક્તિ મળતી કે દેખાતી ન હતી.

તારાથી બચવાના બહાને તન – મન સ્વસ્થ – શક્તિશાળી કરવાનો આનાથી બીજો ક્યો સોનેરી સમય હોય શકે?

તારા લીધે વ્યસનો મુકાઈ ગયા, તારા કારણે ઘર બહારની બધી જ કુટેવો સાથેનો પનારો છૂટી ગયો. યોગ, વ્યાયામ, કસરત અને આયુર્વેદિક પીણાઓ દ્વારા મેં મારી રોગ પ્રતિકારક શક્તિ વધારી છે. હવે હું ખુદને પહેલા કરતા વધુ સ્વસ્થ – મસ્ત – તંદુરસ્ત મહેસૂસ કરી રહ્યો છું. ઝેરીલા પદાર્થોનો નશો છોડાવવા, કુટેવો દૂર કરવામાં નિમિત્ત બનવા આભારી છું અને બસ એટલું જ કહીશ કે, આભાર કોરોના..

અભિનંદન કોરોના..?


હે.. કોરોના.. તે ઘણાનાં જીવ લઈ લીધા છે એમ ઘણાનાં જીવ ઊંચા પણ કરી દીધા છે. બધા ભલે તને અપશબ્દો કહે પણ મારે તને અભિનંદન આપવા છે.

હું એવું સમજતો હતો કે દુનિયા આખીમાં એક મારો શેઠ જ ઈશ્વર છે. પણ ના, તે મને ખોટો સાબિત કરી દીધો.

આ તું આવ્યો અને આવીને તારો કહેર મારી પર વરસાવે એ પહેલાં તો મારા શેઠિયાએ મારી પર કહેર વરસાવતા એક મહિનાનો પગાર કાપી લીધો છે અને બીજા મહિનાનો પગાર આપ્યો નથી. હવે તો કદાચ નોકરીમાંથી પણ છૂટો કરી દેશે અથવા હું જાતે જ વર્ષો જૂની નોકરી મૂકી દઉં એવું એ કરશે.

આજ સુધી જે કોઈએ ન કરી બતાવ્યું એ તે કરી દેખાડ્યું. મારા શેઠનું શૈતાનપણું ખુલ્લું પાડી દીધું.

મારા શેઠ પ્રત્યેનાં સઘળા ભ્રમ ભાંગી ગયા. શું ન કર્યું મેં મારા શેઠિયા માટે.. પોતે ઘસાઈને એની પેઢી ઉજળી કરી અને આજ એણે મુસીબતનાં સમયે મને રસ્તે રઝળતો મૂકી દીધો.

હું જેને માઈબાપ સમજતો હતો એ તો મહામારી સમયમાં કાળમુખો નીકળો. લોહી-પરસેવો એક કરી જેને વફાદાર રહ્યો એવા ગદ્દાર શેઠિયાનો પરિચય તારા કારણે થયો એ બદલ તને અભિનંદન કોરોના..

ધન્યવાદ કોરોના..?


નમસ્તે કોરોના.. હું ધોરણ છ વર્ગ ‘બી’માં ભણું છું. મારી ઉંમર બાર વર્ષ છે. મને શાળાએ જવું ગમતું નથી. શાળામાં બધા મારી મસ્તી કરે છે.

કોરોના તારા આવવાથી શાળાઓમાં રજા પડી ગઈ છે અને એ સાથે જ મને મજા પડી ગઈ છે.

તારે દર વર્ષે આવવું જોઈએ. તારા આવવાથી પહેલીવાર એવું વેકેશન મળ્યું છે જે વેકેશનમાં અમે ઘર પર જ છીએ. પપ્પા-મમ્મી સંપૂર્ણ સમય મને જ આપે છે. અમે ગેઈમ્સ રમીએ છીએ. ટીવી જોઈએ છીએ. ખૂબ ધીંગામસ્તી કરીએ છીએ. વેકેશન છે તો પણ મમ્મી મને મારી-ફોસલાવી એક્ટીવીટી ક્લાસ મોકલતી નથી. ટ્યુશન કે લેશનની પણ કોઈ માથાકૂટ નથી.

તું આવ્યો એટલે ન તો પરીક્ષા આવી, ન તો પરિણામ આવશે. સ્કૂલ ક્યારે શરૂ થશે એ કોઈને ખબર નથી એટલે હું બહું જ ખુશ છું.

વ્હાલસોયા વેકેશનની ભેટને કારણે તારો ધન્યવાદ કોરોના..

શુક્રિયા કોરોના..?


ભૈય.. કોરોના.. એલા.. ભાગ.. હવે તો ભાગ.. આ તારા કારણે અમારે રવિવાર ઉજવાતો નથી કે ક્યાંય ફરાતું – રખડાતું નથી. જિંદગી ગોટાળે ચડી ગઈ છે.

જે દિ’થી તું ગુડાણો છે તે દિ’થી રોજ રવિવાર છે, રોજરોજ મોજેમોજ કરી છીએ એ સાચું, પણ આ તારા લીધે ઘરમાં બેઠાબેઠા હવે તો.. ધન, ધીરજ અને ધાન ખૂટી પડ્યા છે.

સંતાઈને ભજીયા પાર્ટી.. અંદરખાને ગાંઠિયાંનું જાહેર જમણ.. છાનામુની અવનવી વાનગીઓ બનાવી બધા જોડે જાપટીએ છીએ અને ગાળાગાળી કરતી વેબસીરિઝથી લઈ ધાર્મિક સીરીયલો જોઈ દિવસો કાઢીએ છીએ.

કાળા બજારીમાં માવો લઈ બજારમાં વ્યાજે પૈસા લેતા કરી દીધા છે. હવે તો વેતો થા.. કોરોના તે અમને નાનીનાની ખુશીઓ આપી છે એ સ્વીકારીએ છીએ. તારા આવવાથી એક અલગ અનુભવ મળ્યો અને અઢળક આનંદ કર્યો છે પણ હવે તું જા.. જતા-જતા લેતો જા શુક્રિયા.. તું આવ્યો ન હતો ત્યારે મજા હતી, પણ કઈ નવું ન હતું. પછી તું આવ્યોને તો પણ અમારી મજા બગડી નથી હો.. નવી-નવી.. નાની-નાની.. મજાઓ કરાવવા જતા-જતા લેતો જા શુક્રિયા કોરોના..

શુભેચ્છા કોરોના..?


ચિ. કોરોના.. અમે ઘણી આપત્તિઓ જોઈ છે અને એ બધી આપત્તિઓને અવસરમાં પલટાતી પણ જોઈ છે. અમે જાનલેવા રોગનો ભોગ અને મહામારીનો ભાગ બન્યા છીએ. આ અમે અનુભવી ડોસા-ડોસીઓ માટે તું કઈ નવીનવાઈનો નથી.

અમારા સમયમાં પણ આવું હતું. હા, આ એક લોકડાઉન ન હતું. જો કે પાછલા કેટલાંક વર્ષોથી તો ઘરનાં ઓરડાઓમાંથી બહાર જ નથી નીકળા એટલે અમારે તો વર્ષોથી લોકડાઉન જ છે એમ કહીએ તો પણ ખોટું નથી.

કોરોના તારાથી બચવા અમારી જેમ જ અમારા સંતાનો અને તેમના સંતાનોને પણ લોકડાઉન થઈ જવું પડ્યું એના માટે તારા ઉપકારી છીએ. વર્ષોથી અમે ઘરડાઓ ઘરમાં રહીને ઘરનાં લોકોને ઝંખતા હતા. જોડે જમવા અને સાથે બેસી વાતો કરવા તડપતા હતા.

અમારી આખરી ઈચ્છા હતી એક દિવસ આ અમારા સંતાનો પણ અમારી જેમ અમારી સાથે ઘરમાં લોકડાઉન થઈ જાય. અમે ઘરમાં થોડો સમય સાથે રહીએ, સાથે મળી થોડું જીવી કરી લઈએ. કાલ કોણે કોઈએ જોઈ છે? કોરોના તે એક દિવસ નહીં તેતો આવા ઘણા દિવસ આપ્યા જેમાં સંતાનો અને તેમના સંતાનો સાથે સમય ગાળવા મળ્યો.

જીવ લેનારા કોરોના.. જીવનની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં ભાગ આપવા તને આ વડીલ તરફથી શુભેચ્છાઓ. શુભેચ્છા કોરોના..

કૃતજ્ઞતા કોરોના..??


૧૩૫ કરોડ ભારતવાસીઓ કૃતજ્ઞ છે.. કોરોના તારા લીધે અમે એક થયા..

કોરોના તારા પ્રત્યે જેટલી કૃતજ્ઞતા પ્રગટ કરીએ એટલી ઓછી. તારા લીધે અમને અમારા સૈનિકોનું સન્માન કરવાનો અવસર સાંપડ્યો. અમે અમારા વોરિયર્સને ઓળખી શક્યા, અમે ખુદ વોરિયર્સ બની શક્યા. સ્વદેશી સાથે સ્વજનોનું મહત્વ સમજી શક્યા.

કોરોના તે અમારી અંદર રહેલા આત્મામાં.. રાષ્ટ્ર, સમાજ, માનવ પ્રત્યેનાં અમારા કર્તવ્યોને જાગૃત કરી દીધા છે. તારા વિરુદ્ધની લડાઈમાં દેશને નુકસાન ઓછું અને ફાયદો વધુ જ થશે કે થવાનો. તું વિનાશ લઈ આવ્યો હતો અને અમે તારા વિનાશમાંથી વિકાસ સર્જ્યો. આ જ અમારી મહાનતા છે.

કોરોના તું અમારા આત્મામાં પ્રવેશ્યો તો જો આજે અમે આત્મનિર્ભર બનવાનું નક્કી કરી લીધું છે. અમે તારાથી હાર્યા કે ડર્યા નથી. અમે એકસો પાત્રીસ કરોડ દેશવાસીઓ એક બની નેક બની દિલ-દિમાગથી કોરોનામુક્ત થઈને જ રહિશું. અમને એક કરવા, આત્મનિર્ભર બનાવવા તારા પ્રત્યે કૃતજ્ઞ છીએ. કૃતજ્ઞતા કોરોના..

? લેખક-પત્રકાર ભવ્ય રાવલ દ્વારા કોરોના વાયરસનું અભિવાદન ?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!