શું કોરોના કાળમાં આપણી ભીતરના “મફતિયાઓ” બહાર આવી ને ધૂણી રહ્યા છે? – સમજવા જેવી વાત

શું દેશની તિજોરી ‘આ મફત આપો – તે આપો, બેંકના હપ્તા માફ કરો, વીજળી મફત આપો, આના એકાઉન્ટમાં પૈસા નાખો કે તેના મુસાફરી ભાડા આપો વગેરે માટે છે?

ગુજરાતમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે વહીવટી તંત્ર કે પોલીસને દોષ દેવાથી અટકી જવાના નથી, હકીકત એ છે કે પ્રજા તરીકે આપણે તદ્દન અણઘડ અને શિસ્તહીન છીએ. હજુ પુરા વિશ્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ એકમાત્ર ઈલાજ છે કોરોનાનો અને આપણે ગમારની જેમ તક મળે ત્યાં ‘ટોળા’ સર્જીએ છીએ. ‘મને ગમે છે ત્યાં હરું છું ફરું છું’ નો વ્હેમ પાળી રખડવા નીકળી પડીએ છીએ અને ચાલીસ ડિગ્રીમાં શેકાયેલ દસ – બાર કલાકથી ખડેપગે ફરજ નિભાવનાર પોલીસને ઉડાઉ જવાબ કે તર્કહીન બહાના આપી ઉશ્કેરીએ છીએ અને પોલીસના અત્યાચાર કે ક્રૂરતાની મીડિયામાં કાગારોળ મચાવીએ છીએ.

તકવાદી તરીકે પણ આપણે પૂરા માર્ક્સ મેળવી જનાર છીએ. સાચા – ખોટા બહાના તળે ‘પાસ’ મેળવી ટાણે – કટાણે તેનો દુરુપયોગ કરવા નીકળી પડવાને જન્મસિદ્ધ હક માનીએ છીએ. આમાં ઉંમરનો કે શરમનો કોઈ બાધ નડતો નથી પછી એમાં સમાજસેવાના નામે લટાર મારવા નીકળેલા વયોવૃદ્ધ પૂર્વ મેયર જનકભાઈ કોટકને ડી. સી. પી. મનોહરસિંહજી જાડેજાએ તેની ઉંમરનો લિહાજ કરી ટોકવા પડે અને પ્રખ્યાત વેફરવાળા ઉદ્યોગપતિના નબીરાને કાયદાની વ્યાખ્યા સમજાવવી પડે ને રાત્રે દસ વાગે સાબુ ખરીદવા બહાને રખડવા નીકળેલા લોકોને પોલીસ સાથે ઉદ્ધતાઈ કરનાર યુવતિને ‘ફડાકા’ની ભાષામાં સમજાવવી પણ પડે. સ્વયંશિસ્ત એટલે કઈ વાડીનો મૂળો. પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરીને દુનિયા આખીમાં વગોવાઈને પણ અમે લોકડાઉનનું પાલન નહીં જ કરી શકીએ અને ‘કોરોના’ને આ બૈલ મુઝે માર ‘ કહી આવકારીશું.

મહામારી સામે લડનાર તંત્રને વધુને વધુ ઊંધા માથે કરવા મચી પડીશું. ‘કેસ’ વધે તો ભલે વધે અમે પાન, મસાલા કે દારૂ માટે ભૂરાયા થઈશું. દુનિયાભરમાં વૈજ્ઞાનિકો જાનના જોખમે દિનરાત કોરોનાની રસી શોધવા મંડી પડ્યા છે ને અમે ‘ડબલ’ ભાવ દઈને પોલીસના ડંડા ખાઈને પણ ‘માવા’ કે ‘ફાકી’ શોધવા મંડી પડીશું. કુપનનાં મફતના ઘઉં ચોખા ખાઈને ‘ગરીબ’ ગણાવાની સહાનુભૂતિ લૂંટતા લૂંટતા ગમે તે કિંમતે ‘દારૂ’ ખરીદવા લાઈનું લગાવીશું.

દેશ આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પ્રશ્ને ભયંકર પરિસ્થિતિમાં ભલે આવી પડ્યો હોય અમારા સદ્દભાગ્યે દેશની વધુ મંતરવા માટે અમને વિરોધ પક્ષ પણ અમારા જેવો જ મળ્યો છે. દેશની તિજોરી ‘કોરોના’ સામે કે તક જોઇને વાર કરનાર પાકિસ્તાનના નઠારાપણાનો જવાબ આપવા માટે કે ખરેખર જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરવા માટે નથી પણ અમારા પ્રિય વિરોધ પક્ષના મતે દેશની તિજોરી ‘આ મફત આપો તે આપો, બેંકના હપ્તા માફ કરો, વીજળી મફત આપો, આના એકાઉન્ટ માં પૈસા નાખો કે તેના મુસાફરી ભાડા આપો ‘. વગેરે માટે છે. ટૂંકમાં વિરોધ પક્ષ કહે છે કે વર ‘મરો’ કન્યા ‘મરો’ પણ ગોરનું તરભાણું ‘ભરો!’

Author: ‘પરેશ રાજગોર’ – રાજકોટ

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!